તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજવાળાનો ઓટોગ્રાફ:મનની અંદર રહેલા દૈત્યો સામેની લડાઈ

ડૉ. નિમિત્ત ઓઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જીવનની સૌથી મોટી લડાઈ આપણાં મન અને વિચારો સામેની હોય છે

કલ્પના કરો કે તમે ખેલજગતની એક ઉત્કૃષ્ટ અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છો. વિશ્વના શ્રેષ્ઠ અને ટોચના ખેલાડીઓ તમને પડકાર આપવાના છે. પૈસા, પ્રતિષ્ઠા, કરાર અને રમત પ્રત્યેનું કમિટમેન્ટ, બધું જ દાવ પર લાગેલું છે. સ્ટેન્ડમાં બેઠેલા હજારો ચાહકો તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. છેલ્લી ઘડીએ, તમે રમવાની ના પાડી દો છો અને ટુર્નામેન્ટમાંથી ખસી જાવ છો. વેલકમ ટુ ટેનિસ! એક એવી રમત જે તમને શારીરિક અને માનસિક રીતે નિચોવી નાખે છે. એક એવી ગેમ જ્યાં 16 વર્ષની નવોદિત ખેલાડી કોઈ માતબર અને ટોપ રેન્કિંગ ધરાવતા ખેલાડીને પરાસ્ત કરી શકે છે. એવા સંજોગોમાં રમતના દબાણ, હારના ડર કે માનસિક અસ્વસ્થતાને કારણે તમે ટુર્નામેન્ટમાંથી પાછા ખસી જાવ, તો શું તમે લૂઝર છો? વાત થઈ રહી છે જાપાનની ‘પ્રોફેશનલ’ ટેનિસ પ્લેયર નાઓમી ઓસાકાની. 23 વર્ષની આ પ્રતિભાશાળી ટેનિસ પ્લેયર અત્યાર સુધી ચાર ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકી છે અને WTA રેન્કિંગમાં બીજા ક્રમે છે. ચાહકો તો એવી અપેક્ષા લઈને બેઠેલા કે આ વર્ષની ફ્રેન્ચ-ઓપન નાઓમી જીતશે. ટેનિસ એસોસિએશન, બ્રોડકાસ્ટર્સ અને વિજ્ઞાપનકર્તાઓને પણ તેની પાસેથી ઘણી બધી આશાઓ હતી. તેમણે પોતાના કરોડો રૂપિયા દાવ પર લગાવેલા. એક આલીશાન ટુર્નામેન્ટની બધી જ તૈયારીઓ બાદ જ્યારે ટેનિસ-કોર્ટ સંપૂર્ણ સજ્જ થઈ ગયેલો, ત્યારે ખેલનું મુખ્ય આકર્ષણ રહેલી પ્રતિભાશાળી યુવાન ટેનિસ પ્લેયરનું આમ અચાનક વિથડ્રો થઈ જવું કેટલું ‘અનપ્રોફેશનલ’ કહેવાય, નહીં? વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ ડિપ્રેશન! સોશિયલ એન્ગ્ઝાયટીથી પીડાઈ રહેલી નાઓમી ઓસાકાએ સૌપ્રથમ પ્રેસ-કોન્ફરન્સમાં ભાગ લેવાની ના પાડી. તેણે કહ્યું, ‘હું નર્વસ થઈ જાઉં છું.’ પ્રેસ-કોન્ફરન્સના રિજેક્શન પર એટલો બધો ઊહાપોહ થયો કે તેને 15000 ડોલર્સનો દંડ ફટકારવામાં આવ્યો. ટુર્નામેન્ટની પહેલી મેચ રમ્યા અને જીત્યા પછી નાઓમીને રિઅલાઈઝ થયું કે ‘ઈનફ ઈઝ ઈનફ’. હવે જાતની અંદર રહેલા દૈત્યો સામે લડવાનો સમય આવી ગયો છે. તેણે અચાનક ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી અને સાથે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક કબૂલાત કરી કે ‘છેલ્લાં ત્રણ વર્ષથી હું ડિપ્રેશનમાં છું. મારું માનસિક સ્વાસ્થ્ય સારું નથી. હું ખૂબ વલ્નરેબલ ફિલ કરું છું અને બેચેન રહું છું. મારે થોડો સમય કોર્ટથી દૂર થઈ જવું છે.’ ભાગેડુ, બેજવાબદાર, લૂઝર કે અનપ્રોફેશનલનું ટેગ લગાડવામાં આવેલી નાઓમીના સપોર્ટમાં કેટલાંક એવાં લોકો પણ છે, જે તેને વિજેતા માને છે. આ એ લોકો છે, જેઓ પોતે ડિપ્રેશનમાંથી પસાર થઈ ચૂક્યાં છે. એવાં લોકો, જેઓ માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજે છે. ડિપ્રેશન નામના દાનવ સામે છેડાયેલી આ એક ઐતિહાસિક જંગ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચ પર રહેલી, લાખોનું ફેન ફોલોઅર્સ ધરાવતી અને સતત મીડિયાની નજરોમાં રહેતી આવી કોઈ હસ્તી ડિપ્રેશનની કબૂલાત કરે છે, ત્યારે હતાશાથી પીડાતાં અનેક દુઃખી હૈયાંને પ્રેરણા અને તાકાત મળે છે. કોઈ શરમ કે ક્ષોભ વગર છડેચોક ડિપ્રેશનનો સ્વીકાર કરવાની હિંમત મળે છે. સારવારનો પ્રથમ તબક્કો સ્વીકાર હોય છે. ડિપ્રેશન નામની બીમારીનો જ્યાં સુધી આપણે સ્વીકાર નથી કરતા, ત્યાં સુધી સારવાર શક્ય નથી બનતી. સોશિયલ મીડિયા પર જઈને પોસ્ટ મૂકી દો કે ‘હું ડિપ્રેશનમાં છું’, ‘રડવું આવે છે’, ‘નિરાશા લાગે છે’, ‘ઉદાસ છું’. ડિપ્રેશનમાંથી બહાર આવવાનાં સૂચનો માગો, મનોચિકિત્સકને મળો, મિત્રો સાથે વાત કરો, પણ મૌન રહીને જાત ઉપર જુલમ ન કરો. અકારણ રહેતી ઉદાસી આપણા માટે ઘાતક હોય છે. જ્યારે પણ જગત મિથ્યા અને જીવન નિરર્થક લાગવા માંડે, ત્યારે ઉદાસીનો ભાર મૂંગા મોઢે સહન કરવાને બદલે ફરિયાદ કરો. જીવનની સૌથી મોટી લડાઈ આપણાં મન અને વિચારો સામેની હોય છે. અને આ લડત લડી રહેલા દરેક યોદ્ધાને પોતાની અંદર ફાટી નીકળેલા યુદ્ધનું એલાન કરવાનો હક છે. પૈસો, પ્રતિષ્ઠા, કમિટમેન્ટ કે નોકરી. માનસિક સ્વાસ્થ્યથી વધારે મહત્ત્વનું બીજું કશું જ નથી. માનસિક શાંતિ અને સ્વસ્થતાની સામે દુનિયાની બીજી તમામ બાબતો ગૌણ છે. સ્ટ્રેસ, એન્ગ્ઝાયટી કે ડિપ્રેશન આપતાં હોય એવાં તમામ પરિબળોથી દૂર ચાલ્યા જવાનો આપણને અબાધિત અધિકાર છે. અરે, કામને વિરામ આપી દો. નોકરીમાંથી રજા પર ઊતરી જાવ. વ્યવસાય-ધંધો બંધ કરીને કોઈ એવી જગ્યા પર ચાલ્યા જાવ, જ્યાં મનને શાંતિ અને આત્માને આરામ મળે. એવી કોઈ જગ્યા, જ્યાં બીમાર ચિત્ત સાજું થઈ જાય. જ્યાં અંત:કરણનાં જખ્મો આપમેળે રૂઝાય. એક એવો બ્રેક જે લીધા પછી ફરી એક વાર જીવવાનું મન થાય. કામ, સમાજ અને સંબંધમાંથી સમયસર લઈ લીધેલો બ્રેક, આપણને ‘બ્રેક-ડાઉન’ થતા અટકાવે છે. પ્રતિષ્ઠા અને કારકિર્દી દાવ પર મૂકીને જો નાઓમી ‘સેલ્ફ-હીલિંગ’ માટે ટેનિસથી દૂર રહી શકતી હોય, તો બીજાં દરેક પરિબળોની અવગણના કરીને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનો મને અને તમને પણ હક છે.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...