ઓફબીટ:ફ્લેટ કે સોસાયટીનો પગી

અંકિત ત્રિવેદીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અકળામણ અને ગૂંગળામણનું પ્રમાણ વધ્યું છે. સોસાયટી તૂટતી જાય છે ત્યાં ફ્લેટ બને છે. ફ્લેટ ઊભી પોળ જેવો હોય છે. સ્ક્વેરફીટના માપ પરથી લાગણીનું માપ નીકળે છે. ઘરની અકળામણ ઓફિસમાં જ નીકળે એવું નથી હોતું! ને ઓફિસની ગૂંગળામણ ઘરમાં જ ભરેલા ટિફિન સાથે પાછી આવે એવું પણ નથી. આ બધું જે વગર કારણે સહન કરે છે એ પાત્રનું નામ છે : પગી. સુધરેલા એને વૉચમેન કહે છે. એની પાસે એની સિવાયનો બધાં માટે સમય હોય છે. કેટલાક ફ્લેટ અથવા સોસાયટીના પગીને એના કામ માટે જ પગાર આપવામાં આવતો હોય એવું નથી, એને માત્ર ખખડાવવા માટે જ પગાર આપવામાં આવતો હોય એવું લાગે છે. એમના જેવી દયાળુ પ્રજા મળવી આજકાલ મુશ્કેલ છે. જેને સારું કામ કરવા નોકરી પર રાખવામાં આવે છે એને કારણ ગમે તે હોય માત્ર ખખડાવવામાં જ આવે છે. સવારના પહોરમાં કેટલાક ફ્લેટમાંથી નીચે ઊતરતાં લિફ્ટનું બારણું બંધ કરીને પગી પાસે રાતનો હિસાબ એવી રીતે માંગે જાણે એકાઉન્ટન્ટ જોડે માલિક બાકી સિલક પૂછતો હોય! સવારના પહોરમાં ઓફિસ ટાઈમે ઘણી સ્ત્રીઓ પતિ જોડે ઝઘડો રોજ કરતી હોય છે. (એને જ ઓફિસ ટાઈમ કહેવાય છે.) આ ઝઘડામાં પતિ વળતો પ્રહાર કરવા બિનસક્ષમ હોય છે. ત્યારે ફ્લેટમાંથી નીચે ઊતરીને સીધો પ્રહાર પગી ઉપર થતો હોય છે. પગીને પગ હોવા છતાંય એ શાંતિથી બેઠો બેઠો આ નિત્યક્રમ પૂરો કરે છે. એની ડિક્શનરીમાં જી, હા, જરૂર, હાજી... વગેરે જેટલા શબ્દોનાં પાનાં જ બચ્યાં હોય છે. સોસાયટી કે ફ્લેટનો કોઈ પણ રહેવાસી કંઈ પણ થાય એટલે તરત પગીને બોલાવીને – ખખડાવીને ખુલાસો માંગે છે. પગી ખુલાસો આપે ત્યારે એને જેણે ખખડાવ્યો એનો જ વાંક હોવા છતાં તે હવેથી ધ્યાન રાખજે એમ કહીને ફ્લેટના ચાર માણસો આગળ પોતાનું મહત્ત્વ બતાવે છે. મહત્ત્વ બતાવવા માટે પગી ઉપકારક થઈ પડે છે. મહેમાન આવે કે જાય ત્યારે એની સામે પોતે કેટલા મહત્ત્વના છે તે વાતનું પ્રદર્શન પગી આગળ કરે છે. પગીને મન પણ એ પ્રદર્શન જ હોય છે. પત્નીઓ જ્યારે આડોશ-પાડોશમાં બનતું ન હોય ત્યારે પગીનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. શાકવાળો મોટે બૂમ પાડીને પસાર થતો હોય અને ઘરના મુખ્ય માણસ ફોન પર વાતો કરવામાં શાક લેવાનું ભૂલી જાય તો પગીને એ દિવસે એસિડિટી થઈ જતી હોય છે. પગીઓને રહેવાસીના મૂડ જાણતા આવડે છે. લિફ્ટનો દરવાજો ધડાક દઈને ખૂલે અને બંધ થાય ત્યારે બીજો રહેવાસી જેમણે લિફ્ટના દરવાજા જોડે અનાદર કર્યો હોય એમને કહેવાને બદલે પગીને કહે છે. પગી મૂંગા મોઢે સાંભળે છે. એ પણ પોતાના ઘરે જઈને આવું જ વર્તન કરે છે. ગામ જાય છે ત્યારે એ પગી નથી હોતો! ગામનો રહેવાસી વતની હોય છે. ફ્લેટ કે સોસાયટીની નાનામાં નાની વાતની જેને ખબર હોય છે અને એનો રસ્તો કાઢતા આવડે છે તે પગી! આપણે એટલાં જ ડોબાં હોઈએ છીએ. એટલે તો પગીને ખખડાવવો પડે છે! ⬛ ઑન ધ બીટ્સ જોકે મને સૌ ફેરિયો કહે છે છતાં ફરતો નથી, પણ એમ તો મારું નસીબે ક્યાં ફરે છે? (ફેરિયો-પાત્રો) - નિરંજન ભગત ghazalsamrat@gmail.comઅ

અન્ય સમાચારો પણ છે...