થોડાં વરસો પહેલાં રતુભાઈ અદાણી ગુજરાતી લોકસાહિત્યના ચુનંદા કલાકારો સાથે દિલ્હી પહોંચ્યા ત્યારે દૂરથી ઝડપી ચાલે ચાલતાં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીને જોઈ એક કલાકારના મોંમાંથી શબ્દો સરી પડ્યા કે, ‘આહાહા... રતુભાઈ આ તો ઝાંખણ આઈવી હો...!’ આ શબ્દ સાંભળીને અન્ય કલાકારો હસી પડ્યા; એટલે વડાંપ્રધાનને દૂરથી ખ્યાલ આવી ગયો કે કંઇક કોમેન્ટ પાસ થઇ છે. ‘ક્યા કહા આપને?’ ઇન્દિરાજીએ સીધો એ કલાકારને જ કડક સવાલ કર્યો. વાતાવરણ ગંભીર થઈ ગયું. ત્યારે પોતાની કોઠાસૂઝ વાપરી રતુભાઈએ ઇન્દિરાજીને વિવેકથી ઉત્તર વાળ્યો કે, ‘મે’ડમ, લાયનેસ કો દેહાતી ગુજરાતી મેં ઝાંખન કહેતે હૈ! ઔર આપકી પ્રતિભા કો દેખ લોકવાર્તાકાર કાનજી બારોટ કે મૂંહ સે યે શબ્દ નિકલ ગયા હૈ! પ્લીઝ ડોન્ટ માઈન્ડ!’
આ સાંભળી વડાંપ્રધાન પણ હસી પડ્યાં અને વાતાવરણ હળવું થયું. ઇન્દિરાજીએ વળતો સવાલ પૂછ્યો, ‘આપ વાર્તાકાર હૈ? આપકો જસમા ઓડન કી બાત પતા હૈ? મુઝે વો સૂનની હૈ!’ ત્યારે કાનજીબાપા મૂછમાં મલક્યા. અમરેલી જિલ્લાનું ચલાળુંનું પાણી ખખડીને બોલ્યું કે ‘રતુભાઈ બેનને ક્યો! વાર્તા તો આવડે છે પણ ઈ પાંચ મિનિટમાં પૂરી નો થાય!’ રતુભાઈએ વિટંબણા સમજાવી. તરત જ વડાંપ્રધાને તેના A.D.C.ને બોલાવીને કહ્યું કે ‘મેરી અગલી એપોઇન્ટમેન્ટ કેન્સલ કરો, મુઝે ઇનસે જસમા ઓડન કી બાત સૂનની હૈ!’
ભારતના લોકવાર્તાના ઇતિહાસની એ પ્રથમ અને કદાચ છેલ્લી સ્વર્ણિમ ઘટના હતી. જ્યારે દેશના મોભીએ કલાક સુધી કોઈ કલાકારની લોકવાર્તા સાંભળી. વડાંપ્રધાનને મળ્યા બાદ કલાકારોએ ગાંધી શતાબ્દીનો ભવ્ય જાહેર કાર્યક્રમ આપ્યો. મજાની વાત તો હવે શરૂ થાય છે. તત્કાલીન રાષ્ટ્રપતિએ તમામ કલાકારોને બીજા દિવસે નોતર્યા. ત્યારે કાનજીબાપાએ રતુભાઈને વિનંતી કરી કે, ‘મારે પોરબંદર પહોંચવું પડશે, કારણ કે મેં મારા એક યજમાન મેર પરિવારને વચન આપ્યું છે કે હું લગ્નમાં હાજર રહીશ. મારા યજમાન મારા માટે રાષ્ટ્રપતિ સમાન છે...!’ આવી ખુમારી સાથે જે કલાકાર લોકસાહિત્યની સેવા કરી જીવન દીપાવે તેનું નામ કાનજી ભૂટા બારોટ.
વઢવાણમાં બચુભાઈ ગઢવી અને ચલાળામાં કાનજી ભૂટા બારોટ જો ગુજરાતમાં ન જન્મ્યા હોત તો કદાચ લોકસાહિત્ય વાંઝિયું મરી જાત. નવે નવ રસની એકપણ લોકવાર્તાને જીવનદાન ન મળત. કાનજીબાપા એટલે બારોટ સમાજે આપેલો સાહિત્યનો અખંડ ઝળહળતો સૂરજ. લોકવાર્તાનો વડલો, નવરસનો નીંભાડો, દુહાનો વિસામો, કવિતાઓની કાંધલી, શબ્દચિત્રનો માલમી, સિતાર બજવનારા અંતિમ ટેરવા, રાવળી શૈલીનો છેલ્લો પડઘો, હાસ્યના ચીંથરે વીંટીને અંદરની હીરા જડેલી વાત લોકહૃદય સુધી પહોંચાડવાનો લાજવાબ કસબી, લોકકથાનો રખોપિયો, અંધશ્રદ્ધા સામે ઊઠેલી લાલ આંખ. કાનજી ભૂટા બારોટ એટલે વાર્તા અને વાર્તા એટલે કાનજી ભૂટા.
લોકસાહિત્યના તીરે પાકેલું આ એવું નવલખું મોતી હતું જેની કિંમત લગાવવામાં પણ આપણે ફેઈલ થયા. વિક્રમ સંવત 1975ના પહેલા નોરતે જેમનો જન્મ થાય; અને એકોત્તર વર્ષનું આયુષ્ય ભોગવીને જે વિક્રમ સંવત 2045ના છેલ્લા નોરતે દેહત્યાગ કરી ધ્યે. જાણે મા સરસ્વતીનો શબ્દ નવ નોરતા રમવા અને નવ રસને જીવાડવા ગુજરાતની પુષ્ય ધરા પર આવ્યો હોય એવું લાગે. ઝવેરચંદ મેઘાણી, દુલેરાય કારાણી, ભગતબાપુ કાગ, હેમુભાઈ ગઢવી, જયમલ પરમાર, બચુભાઈ ગઢવી અને કાનજી ભૂટા બારોટ ગુજરાતી લોક સંસ્કૃતિના આ સાત સૂરજ હતા.
મા ભગવતીએ કાનજીબાપાને અસાધારણ સ્મરણશક્તિ આપેલી. ચલાળાની નિશાળે તો માંડ-માંડ પાંચ ચોપડી ભણ્યા, પરંતુ કાનજીબાપા સમાજ જીવનમાંથી પી.એચ.ડી. જેટલું ભણ્યા. ગ્રામ્યજીવનની ગરિમા અને મૂલ્યોને તેણે ઓળખ્યા અને વાર્તાના તાંતણે ગૂંથ્યા. નાનું બાળક કબૂતરોને જોઇને જેટલી સહજતાથી જવના દાણાનો આખો ખોબો ઠલવી નાંખે એટલી જ સરળતાથી કાનજીબાપા શ્રોતા સમક્ષ વાર્તામાં દુહા ને કવિતાઓ રજૂ કરતા. સાહિત્યના નવે રસ જાણે કાનજીબાપાના કંઠમાં કાયમી ઉતારા કર્યા હોય એવું લાગતું.
વિદેશની ‘હેરીપોટર’ જેવી અદ્્ભુત રસની વાર્તાઓથી અભિભૂત થઇ જતી આખી એક નવી જનરેશનને કાનજીબાપાની ખબર જ નથી. પિતા ભૂટાભાઈ પાસેથી હાસ્યનો અને કાકા સુરા બારોટ પાસેથી સિતારનો વારસો તેમણે ગળથૂથીમાંથી મેળવ્યો. પિતા એ સમયે પોરબંદરના બરડા વિસ્તારના મેર અને વાળા કાઠીના વહીવંચા બારોટ હતા. જેની આંગળી પકડીને બાળક કાનજીએ પિતાને યજમાનોને વાર્તા કહેતા સાંભળ્યા. બાર વર્ષની ઉંમરથી બાળક કાનજીએ વાર્તા કહેવાની શરૂઆત કરી. યજમાનોનાં આંગણાં, ડેલીઓ, ગામના ચોરા યુવાન વાર્તાકારનાં તાલીમ સ્થાનો બન્યાં.
જોતજોતામાં શબ્દની સાધના જીવનની તપશ્ચર્યા બની. ટીંબલા ગામના દરબાર જેઠસુરઆપા કાનજીબાપાના કંઠ અને કહેણી પર ઓવારી ગયા. કંઈ કેટલીય વાર્તાયું ટીંબલાના ચોરે મંડાણી. કાનજીબાપાનો તળપદો હાસ્યરસ સાંભળીને લોકો ચોરા પરથી હસી-હસીને હેઠા પડ્યાના દાખલા છે. શ્રોતાઓ હેઠા પડ્યા, પણ આ વક્તાએ પૂરી પવિત્રતા જાળવી લોકવાર્તાને હેઠે ના પડવા દીધી. એ સમયે પ્રાણી-પક્ષીનો શિકાર સહજ હતો. ટીંબલા દરબાર કુંજ પક્ષીનો અવાર-નવાર શિકાર કરતા. માત્ર મનોરંજન કરાવી ધ્યે એ કલાકાર કહેવાય પણ માંહ્યલામાં જેને સાંભળ્યા બાદ મનોમંથન શરૂ થાય એ સિદ્ધહસ્ત કલાકાર કહેવાય. એકવાર કાનજીબાપાએ ટીંબલાના ચોરે કુંજ પક્ષીની એક સંવેદનશીલ વાર્તા માંડી. શ્રોતાઓની આંખો ભીંજાણી, જેઠસુરઆપાનું હૈયું પણ આંસુડેથી વીંછરાય ગયું. બસ એ દિવસ પછી જેઠસુરઆપાએ કુંજ સામે આજીવન બંદૂક ન તાગી! જે ક્ષત્રિયને મૃત્યુ પણ હથિયાર ન મુકાવી શકે એ કામ બારોટદેવે શબ્દના મોતીડેથી પાર પાડ્યું. લોકવાર્તાની તાકાતનો આથી શ્રેષ્ઠ પરચો બોજો કયો હોઈ શકે?
એકવાર તળાજામાં હકડેઠઠ મેદની ભરાઈને બેઠી હતી. કાનજીબાપાએ ‘એભલ વાળા’ની વાત માંડી. હવે એ વાર્તામાં દુષ્કાળનું વર્ણન આવે જેમાં કોઈએ રાજ્યના વરસાદને કાળિયાર હરણના શીંગડે મેલી વિદ્યા દ્વારા બાંધેલો હતો. કાનજીબાપાએ શબ્દશઃ વર્ણન આદર્યું. પવન થંભી ગયો. લોકોના ચહેરા ચોંટડૂક થઇ ગયા. જેવું વાર્તામાં કાળિયારના શીંગડેથી મેલી વિદ્યાનું માદળિયું છૂટ્યું એ ભેગો તો એક ચમત્કાર થયો. તળાજામાં બારે મેઘ ખાંગા થયા હોય એમ રીતસર વરસાદ તૂટી પડ્યો.
વાર્તા અધૂરી રહી, તળાજાની જનતાએ ત્યારે બે વરસાદમાં એકસાથે સ્નાન કરેલું. આ વાતના સાક્ષી હજુ પણ તળાજામાં હયાત છે. શબ્દ બ્રહ્મ છે. પ્રકૃતિ પર તેની આવી સાર્થક અસરનો આ ગુજરાતનો કદાચ એકમાત્ર દાખલો છે. પછી તો ગામે ગામથી કહેણ આવવા લાગ્યાં. આકાશવાણી રાજકોટ પરથી કાનજીબાપાની વાર્તા જ્યારે રજૂ થતી ત્યારે રેડિયા મધપૂડા બની જતા. હાસ્યની સૌપ્રથમ લોકવાર્તાની રજૂઆત કાનજીબાપાએ કરી. એટલે આમ જુઓ તો તમામ હાસ્યકારોએ તો આ બારોટદેવને વંદવા જ રહ્યા.
‘કાનજીબાપા એકાદ ફારસ (હાસ્ય) કરો ને?’ હેમુભાઈ ગઢવીએ કાનજીબાપાને રમતમાં ટકોર કરી. કાનજીબાપાએ ‘જીથરો ભાભો’ નામની હસી-હસીને ગોટા વાળી દે એવી એક વાર્તા રાજકોટ રેડિયો સ્ટેશનમાં રેકોર્ડ કરી. પણ પછી કહ્યું પણ ખરું કે હેમભાઈ આ ફારસ કહેવાય! આ વાર્તા નથી... ટેલિકાસ્ટ નો કરતા...!
છ મહિના બાદ અંધશ્રદ્ધા નિવારણની શ્રેષ્ઠ તત્ત્વ જેવી આ વાર્તા રેડિયો પરથી રજૂ થઈ અને બ્લોકબસ્ટર નીવડી. લોકોનાં હૃદયમાં આ વાર્તા અમર થઈ ગઈ અને કાનજી ભૂટા બારોટ પણ...! કોઈને મન થાય તો યૂ ટ્યૂબ પર કાનજીબાપાને શોધી લેજો. સમગ્ર ભારતવર્ષમાં જેનો જોટો ન જડે એવી સંગીત-નાટ્ય અને વાદ્ય સાથે વાર્તાને જીવાડનારા કાનજી ભૂટા બારોટના નામે એકાદ ઓડિટોરિયમ બનાવવાનું સરકારને હજુ સાંભર્યું નથી. કોઈ તેને યાદ કરે કે ના કરે! કાનજીબાપા તો સ્વર્ગની શેરીયેથી સિતાર વગાડીને દેવતાઓને વાર્તા કરતા જ હશે! વડવાયું આગળ વધે કે ના વધે વડલાનું મહાત્મ્ય ઘટી થોડું જાય!
વાચકમિત્રો,
થોડો સમય હવે ‘સાંઈ-ફાઈ’ નહીં આવે,
વાઈ-ફાઈથી ચલાવજો. મિસ યુ ઓલ...!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.