ઓફબીટ:વિચારોના પ્રકાશનો ઉલ્લાસ

અંકિત ત્રિવેદી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ન વા વર્ષના નવા દિવસો ચાલે છે. પ્રકાશનો ઉલ્લાસ બારેમાસ રહે એવી ‘ઓફબીટ’ શુભેચ્છાઓ. નવા વર્ષે નવાં વાક્યો સાથે જીવવું છે. એક પછી એક સુવાક્યોના સંસારમાં ડૂબવું છે. એક વાક્ય પણ ગમી જાય તો દિશા બદલાઈ જવાના પૂરેપૂરાં ચાન્સીસ છે. મોકો રોજ મળે છે એને ઝીલતાં આવડવું જોઈએ. જીવનના અનુભવમાંથી તારવેલાં આ વાક્યો આપ સહુને નામ... આપણા સિવાય આપણને બીજો કોઈ ક્યાં રાજી કરી શકે છે? બીજો રાજી કરશે એ સમયથી જ માની લેજો કે એ દુઃખી પણ કરશે જ. * ઘરના ફર્નિચરમાં વૃક્ષનો છાંયડો અનુભવાય ત્યારે સમજજો કે પિતૃઓના આશીર્વાદ વસંત થઈને ફળ્યા છે. * પહેલાંના જેવા નથી રહ્યાં – એવું કહીએ છીએ ત્યારે વર્તમાન પર ભૂતકાળનો જ અભિષેક કરીએ છીએ. આપણા મને સુધર્યા હોવા છતાં એ જ વાત વાગોળીએ છીએ જેમાં સુધારો કરવાનો હતો. * આપણા અભિપ્રાયો સોડાની બોટલ જેવા હોય છે. * ઈશ્વરે કેટલાં બધાં સપનાંઓ સાથે આપણને મોકલ્યાં છે. જીવનને એની પૂર્ણતા સાથે સ્વીકારવું જોઈએ. * જેમને પોતાની બારી સામે જ વાંધો છે એમને એમની આંખો ઉપર જ ભરોસો નથી! * જેટલું મૃત્યુનું ધ્યાન રાખીએ છીએ એટલું જીવનનું ધ્યાન નથી રાખતા! મૃત્યુની બીક એટલે લાગે છે કે જીવવાનું ચૂકી જવાય છે! * તાપ અને બાફ વચ્ચે જેટલી ભેદરેખા છે એટલી જ ભેદરેખા ‘મને બધું આવડે છે’ અને ‘મને બધી ખબર છે’ એમાં છે. પ્રત્યેક પરિવર્તન આપણને અનુભવથી સમૃદ્ધ કરે છે. * શિયાળાની સવારે શહેરના રસ્તા પર મળવા આવતું ધુમ્મસ ગામડે પોતાના વતનમાં વેકેશન ગાળવા માટે આવેલા મિત્ર જેવું લાગે છે. * અંધારું અને અજવાળું એકબીજાને મળે છે, એ ક્ષિતિજનું નામ ‘આંખો’ છે. * જેને આપણાં સ્ટેટસ કે નેઈમપ્લેટમાં રસ નથી એ જ આપણો સાચો મિત્ર! * સમયના કાંટાની આસપાસ જ જીવનનાં ગુલાબ ઊગે છે. * દરિયાની રેતી અને રણની રેતીમાં જેટલો ફેર છે એટલો ફેર બાળપણ અને બાળપણ પછીની દુનિયામાં છે. * કોઈકનાં આંસુ લૂછ્યાં હોય તો આપણા હોઠ ઉપર ‘સ્મિત’ સામેથી સરનામું શોધતું આવે! * દુનિયા સ્પાઈસી છે. ટોપિંગ્સ આપણી ઈચ્છાઓ પ્રમાણે ઉમેરતા જવાનું. * દરેકને બીજા કરતાં જુદા બનવું છે. આ રેસ અરીસાથી પોતાના વિઝિટિંગ કાર્ડ સુધીની છે. આપણા સંકલ્પો સ્વભાવના એન્ટીબોડી વાઈરસ જેવા નથી રહ્યાં! વાત વાતમાં ખિજાઈ જાય છે અને રિસાઈ જાય છે. * ગમતી વ્યક્તિ કેમ ગમે છે? એનાં ખુલાસા કે કારણો નથી હોતાં! એ તો ગમે છે એટલે ગમે જ છે! * સપનું સમય જોઈને નથી આવતું, પરંતુ દરેક સપનાંનો પોતાનો સમય હોય છે. * પ્રત્યેક ઉંમર આપણને મોટા કરે છે અને પ્રત્યેક અનુભવ આપણને બાળક! * માણતા આવડે તો એકલતા જેવો સાથી બીજો કોઈ નથી અને જીવતાં આવડે તો એકાંત જેવું બ્રહ્માસ્ત્ર બીજું એક પણ નથી. *જિંદગી જીવવા માટે સપનાં તૂટવા જરૂરી છે. * અપમાન કરવું એ કોઈનો સ્વભાવ હોઈ શકે પણ સન્માન કરવું એ આપણા સંસ્કાર હોય છે. * ભૂતકાળ યાદ કરવાથી વૃદ્ધ થવાય છે. * જેટલી ધગશથી પડકારોને સ્વીકારીએ છીએ એટલી જ ઝડપથી દુઃખ પાછીપાની કરે છે. * સંઘર્ષને પ્રેમ કરો સફળતા સામેથી પ્રેમ કરતી આવશે. નવા દિવસોમાં આ વાક્યો તમને નવી દિશા તરફ દોરી જશે એવો અનોખો વિશ્વાસ છે. જીવનના આંગણે આવાં વાક્યોના દીવાનું અખંડ અજવાળું હંમેશાં ઝગારા મારે છે.⬛ ઑન ધ બીટ્સ ‘જીવ સર્વ હરિઅંશ છે, ત્હે-ના વિચિત્ર ભાતી સ્વભાવ સર્વથી હળીમળી ચાલીએ, આ તો છે સંજોગ નદી નાવ.’ -કવિ દયારામ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...