ડોક્ટર, અમારો પ્રોબ્લેમ રુટિન કરતાં કંઇક જુદો જ છે. આ મારો હસબન્ડ સ્મિત છે. અમારાં મેરેજને હજુ દોઢ વર્ષ જ થયું છે. તમે કદાચ એવા કિસ્સા સાંભળ્યા હશે કે, લગ્ન પછી વહુને સાસુ-સસરાથી અલગ થવું છે, કારણ કે એમની સાથે ન ફાવતું હોય એવું બને. પણ મારી સ્ટોરી બિલકુલ અલગ છે. અહીં તો મારે આખા પરિવાર સાથે રહેવું છે પણ સ્મિતને જ જુદા રહેવા જવું છે. અફકોર્સ અમારા ઘરમાં બધાંને એકબીજા સાથે ખૂબ બને છે, પણ સ્મિતને એમ કે અમારો બીજો બંગલો છે જ તો ત્યાં કેમ ન રહેવું! આમ પણ એ ‘લોનર’ છે. બધાં સાથે બહુ એને વાતચીત કરવાનું ગમે નહીં.’ ‘તમને થોડું બેકગ્રાઉન્ડ કહું તો, અમે બંને યુ.એસ.ની યુનિવર્સિટીમાં સાથે ભણતાં હતાં. ત્યાં જ એકબીજાને પસંદ કર્યાં. અમારે બંનેને ઇન્ડિયા પાછાં જ આવવું હતું. મને તો ત્યાંનું એકલવાયું જીવન ન ગમે અને સ્મિતને ફેમિલી બિઝનેસ સંભાળવાનો હતો. સામાન્ય રીતે ભણ્યા પછી લોકોને ત્યાં જ રહેવું હોય છે પણ અમે પાછાં આવવાનું જ નક્કી કર્યું. હું લોકોની માણસ છું. મારે ફરીથી એકલા નથી થઇ જવું અને સ્મિતનું એવું છે કે, એ ઘરનાં લોકોથી પણ દૂર ભાગે છે. આ બાબતે અમારાં બેની વચ્ચે બહુ તકરાર થયા કરે છે. જ્યારથી એણે આવી વાત કરી છે ત્યારથી મારી એંગ્ઝાયટી વધી ગઇ છે. મને સતત અસલામતીના વિચારો આવે છે. મને કંઇ ગમતું નથી. પ્લીઝ હેલ્પ અસ.’ ક્ષમાએ સમસ્યા રજૂ કરી. હજુ વર્ષની શરૂઆતમાં પહેલી જાન્યુઆરીએ જ ‘ગ્લોબલ ફેમિલી ડે’ ઊજવાયો. આમ તો વિશ્વમાં એકતા, ભાઇચારો અને સમુદાયની ભાવના મજબૂત બને તે એનો હેતુ છે. પરિવારની સંકલ્પના વિવિધ સંસ્કૃતિઓ અને દેશોને જોડવામાં મદદરૂપ થાય તો પરસ્પર ઘૃણા, તિરસ્કાર અને હિંસા ઘટે. અહીં આપણે એ સમજવું જરૂરી છે કે વિશ્વશાંતિના પાયામાં પણ જો પરિવારની ભાવના હોય તો મનની શાંતિ માટે (તમે જેને પરિવાર માનતા હોય તે) કુટુંબ કેટલું મહત્ત્વનું હોઇ શકે છે. ઘણાંને એકલા રહેવું પસંદ હોય છે. જો કુટુંબીજનો જ ત્રાસરૂપ હોય તો આ બાબત સમજી શકાય તેમ છે, પરંતુ પરસ્પર સપોર્ટિવ હોય તો પરિવાર ઘણી રીતે ફાયદાકારક બની શકે. ‘હેલ્થ સાયકોલોજી’ નામની જર્નલમાં પારિવારિક સપોર્ટ વિશે સરસ સંશોધન પ્રકાશિત થયું છે. જો પરિવારજનોનો કે નિકટના મિત્રોનો સહકાર વ્યક્તિને સતત મળતો હોય અને જો એનાથી વ્યક્તિનું આત્મગૌરવ વધતું હોય તો એ વ્યક્તિમાં ઘણા સ્વાસ્થ્ય લાભ જોવા મળે છે. સંશોધકોએ 1054 જેટલા સ્વસ્થ અમેરિકન પુખ્તોના બ્લડ ટેસ્ટ અને અન્ય પરિમાણો પર અભ્યાસ કર્યો. આ એવાં લોકો હતાં કે જેમને કુટુંબનાં લોકોનો અને નિકટના મિત્રોનો સાથ-સહકાર બરાબર મળી રહેતો હોય. અન્ય સંજોગોને ધ્યાનમાં રખાયા પછી આ લોકોનું લોહી બે વર્ષ બાદ ફરી તપાસવામાં આવ્યું. એમાં ખાસ કરીને (C-Reactive Protein) ચેક કરાયું. CRP શરીરમાં લિવર દ્વારા ઉત્પન્ન થાય છે. એ શરીરમાં સોજા માટેનું એક બાયોમાર્કર ગણાય છે. એટલે CRP વધે તે નુકસાનકારક ગણાય. પરિણામોએ દર્શાવ્યું કે, જે લોકોને ખૂબ વધારે સોશિયલ સપોર્ટ મળતો હતો એ લોકોનું CRP ઓછું હતું. અલબત્ત, એ જ લોકોને જેમનામાં ઊંચો સેલ્ફ-એસ્ટિમ હતો. પરિવારની સહાયથી સલામતી અને આત્મગૌરવ અનુભવતાં લોકોમાં CRPનું લેવલ ઓછું હતું. જે લોકોમાં પરિવારને લીધે જ તણાવ રહેતો હોય અને તેથી નીચો સેલ્ફ-એસ્ટિમ રહેતો હોય તો એ લોકોમાં CRPનું પ્રમાણ વધુ જોવા મળ્યું. આ લોકો એવું પણ માનતાં હતાં કે પોતે પરિવારના સાથ-સહકારને લાયક નથી. ટૂંકમાં પરિવારની પોઝિટિવ અને નેગેટિવ બંને અસર વ્યક્તિનાં મન અને શરીર પર થઇ શકે છે. એકલવાયું જીવન જીવતાં લોકો અંતર્મુખી હોય તો વાંધો નહીં પણ, જો બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવતા હોય તો મુશ્કેલી વધી જાય છે. અત્યારે વ્યક્તિનો પરસ્પર સાથે ગાળવાનો ટાઇમ ઘટતો જાય છે અને સ્ક્રીન-ટાઇમ વધતો જાય છે. પરિવારની હૂંફ ભારતીય પરિપ્રેક્ષ્યમાં ખૂબ મહત્ત્વની છે. પાશ્ચાત્ય દેશોનું વ્યક્તિલક્ષી જીવન આ હૂંફથી ઘણીવાર વંચિત રહેતું હોય છે. જ્યારે ભારતમાં પરિવાર પોતે જ એક સપોર્ટ સિસ્ટમ બની જાય છે. સ્મિતને આ વાત કાઉન્સેલિંગ દ્વારા સમજાવવામાં આવી અને ક્ષમાની ચિંતા સાઇકોથેરાપી દ્વારા દૂર થઇ. કદાચ સપ્તાહના સાતેય દિવસ શાંતિથી રહેવા માટે એડજસ્ટમેન્ટનું અમૃત કોઇપણ સ્થિતિમાં જરૂરી છે. વિનિંગ સ્ટ્રોક : એકલા રહેવામાં મુક્તિનો અહેસાસ જરૂર થાય છે પણ, એની કિંમત ક્યારેક હૂંફ ગુમાવીને ચૂકવવી પડે છે. તો બીજા પક્ષે, પરિવારનો સપોર્ટ મેળવવો હોય તો એકબીજા સાથે એડજસ્ટમેન્ટ કરીને જતું કરવાની ભાવના કેળવવી પડે. દૂધ અને દહીં બંનેમાં પગ રાખવો હોય તો સમજણનું નવનીત મેળવવું પડે. ⬛ drprashantbhimani@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.