ટાઇટલ્સ આત્મા ને અંડરવેર જેને ખૂંચે એને જ સમજાય! (છેલવાણી) એક માણસ મોડી રાત્રે ઘરે જઈ રહ્યો હતો ને એણે જોયું કે રસ્તાની બીજી તરફ એક સૂટધારી માણસ અને એક સ્ત્રી રસ્તા પર લાઈટના થાંભલા નીચે વાંકા વળીને ધીમે-ધીમે આમતેમ ફરી રહ્યાં હતાં. પેલા માણસે ત્યાં જઈને પૂછ્યું, ‘સૉરી, પણ અત્યારે અડધી રાતે રસ્તા વચ્ચે તમે શું કરી રહ્યાં છો? મદદ કરું?’ સ્ત્રીએ ઉદાસ ચહેરે કહ્યું, ‘મારી હીરાની વીંટી ખોવાઈ ગઈ છે, એને શોધી રહ્યાં છીએ!’ ‘ઓહ! ચાલો હું પણ તમને શોધવામાં મદદ કરું.’ પેલા માણસે કહ્યું ને પછી એ પણ વીટીં શોધવા માંડ્યો. એણે રસ્તા પર, રસ્તાની કિનારી પર, ફૂટપાથ પર, એમ બધી જગ્યાએ વીંટી શોધી. ‘સૉરી પણ, મેં બધે જ જોયું, પણ એ ક્યાંય મળી નહીં. તમે યાદ કરીને કહો કે તમે એને અહીંયા જ ખોઈ હતી કે બીજે કશે?’ પેલી સ્ત્રીએ કહ્યું, ‘અરે ના રે, મેં એને અહીંયા નહીં પેલી બાજુ ખોઈ હતી.’ ‘તો પછી તમે અહીંયા કેમ શોધી રહ્યાં છો?’ ‘શું છે કે અહીંયા સ્ટ્રીટલાઇટનો પ્રકાશ વધુ સારો છે એટલે!’ પેલીએ ભોળપણથી કહ્યું. આમ તો આ સ્ટુપિડ જોકનો મતલબ એ જ છે માણસ કશુંક ગુમાવે છે ક્યાં ને શોધે છે ક્યાં? જે જ્યાં નથી એની ખોજ એટલે જ આપણી જાલિમ જિંદગી. આપણી જુવાની ખોવાઇ છે કોઇ સોનેરી વાળવાળી હસીનાની ઝુલ્ફની તલાશમાં અને શોધીએ છીએ એને પ્રેમાળ પત્નીના સફેદ વાળમાં! આપણે શોધીએ છીએ એક હૂંફ આપતો રોમેન્ટિક પ્રેમી અને મળી આવે છે બરછટ દાઢીવાળો પતિ! આપણે ચાહીએ છીએ ગાંધીજીની કલ્પનાનું રાષ્ટ્ર કે વિવેકાનંદનું રામરાજ્ય અને સત્તામાં મળે છે હિટલરના ડુપ્લિકેટ્સ! જ્યાં જે નથી ને ક્યાં શોધવું છે- જેની નથી ખબર એની અનંત પરંપરા એટલે જ જીવન. એક હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરના વેઈટિંગરૂમમાં એક પોસ્ટર જોયેલું કે- ‘અગર સહી વક્ત પે દોસ્તો કે સામને દિલ ખોલ દિયા હોતા તો આજ યહાં આકે દિલ ના ખુલવાના પડતા…’ આમ તો આ ગુજજુ ચાલુ ચિંતકોને ગમી જાય એવું ચબરાકિયું ક્વોટેશન છે પણ તોયે એમાં એક પંચ છે કે આપણે શોધીએ શું છીએ ને ચીજ છે ક્યાં? ઈન્ટરવલ પોતાની પ્રેમિકાને કોઇ કહે જે રીતે એ રીતે મારા મનની વાત કહું છું હું તમને. (સૈફ પાલનપુરી) ગુજરાતીના મહાન કવિ કરસનદાસ માણેકની એક કવિતા છે કે જેમાં કવિ કહે છે કે- ‘મેં તીર્થોના પવિત્ર જળમાં ન્હાઇને જોયું, મેં સંતોના પગ પણ પ્રક્ષાણી કે ધોઇ જોયા, મેં મહાન ગ્રંથોનાં પાનાંઓ ઉથલાવી જોયાં…’ વગેરે વગરે પ્રયાસોનું લાંબું લિસ્ટ છે…ને પછી છેવટે કવિ કહે છે કે: ‘મોડે મોડે ખબર પડી બા, તું જ એક જ્યોતિર્ધામ છે!’ ઇન શોર્ટ, એક માતાથી મોટું કોઇ તીર્થ સ્થાન નથી કે અંતિમ સત્ય નથી…પણ એને જાણતાં કે સમજતાં શોધતાં વરસો લાગી જાય છે! સો ફ્રેન્ડ્ઝ, શું તમે લાઇફમાં યોગ્ય દિશામાં કશુંક શોધી રહ્યાં છો? અંદરથી તમને આનો જવાબ ખબર જ હશે પણ છતાંયે તમને એ શોધવામાં તકલીફ પડતી હોય, તો તમારે તમારા અંદરના અવાજને સાંભળવાની પ્રેક્ટિસ પાડવી જોઈએ. તમે જેટલો તમારી અંદરના અવાજને સાંભળશો, તમારા દિલના અવાજો, તમારા મગજમાં રહેલા વિચારો, કોઇ જોક કે કવિતા કે ગીતોનાં સ્વરૂપમાં પણ આવી શકે છે! તમે કહેશો કે કઇ રીતે? ઓકે! તો એનો જવાબ છે કે શું તમારી પાસે તમારી જાત સાથે સવાલો પૂછવાની નાગી હિમ્મત છે? શું તમે મનના આઇના સામે નિર્વસ્ત્ર થઇને ખુદનો સામનો કરી શકો છો? છે હિમ્મત, જીવનની બાકી રહેલી ક્ષણોની આંખોમાં આંખો નાખીને જીવનના સત્યને પડકારવાની? તો આ રહ્યા થોડા સવાલો જે તમે તમારી જાતને પૂછી શકો છો જેમ કે- 1. જો તમારી પાસે જીવવા માટે એક જ વર્ષ બાકી હોય, તો તમે હવે શું કરશો? 2. તમે જીવનમાં જે કંઇ પણ કરી રહ્યાં છો એમાં તમને ખરેખર આનંદ મળે છે? અગર નહીં તો તમે કોઇ રડતા બાળકને હસાવવા માટે જોકરની જેમ ચાળાં કરીને મનાવવાનો પ્રયત્ન કર્યો છે? 3. શું તમને કોઇ ઇમોશનલ વાર્તા કે ફિલ્મ જોઇને આંસુ આવે છે? અને તમે એ આસુંને ના રોકવાનો અદ્્ભુત અનુભવ કર્યો છે? 4. શું તમે તમારી કે કોઇની પણ બર્થ-ડે પાર્ટીમાં અમસ્તાં જ ફુગ્ગાઓમાં હવા ભરીને એને ફોડવાની મજા લીધી છે? 5. શું તમને ન્યૂઝ ચેનલ પરના રાજકારણ અને જૂઠી ચર્ચાઓ સાંભળીને મજા આવે છે કે ઘૃણા થાય છે? 6. શું તમે એટલા માટે રોજનું રેઢિયાળ જીવન જીવી રહ્યાં છો કારણ કે એ સરળ અને સલામત છે? 7. જો તમારું જીવન એક ફિક્સડ ટાઇમટેબલ હોય તો એને ફાડી નાખવાનો વિચાર તમને આવ્યો છે? 8. શું તમે તમારી બચત, ફિક્સ ડિપોઝિટ કે બેન્ક બેલેન્સને વારેવારે ફંફોસી ફંફોસીને ચેક કરો છો? …જો આ બધાં જ અજીબ અતરંગી સવાલો વચ્ચે તમને તમારા અંતરઆત્માનો અવાજ નથી સંભળાતો, તો…..પછી મજા કરો, તમને કંઇ નહીં થાય, તમારો આત્મા મસ્ત મજાનો ઘેનમાં છે. જલસા કરો ને! એન્ડ ટાઇટલ્સ ઈવ: કેમ આજે અચાનક ફિલોસોફી? આદમ: તારા સિવાય પણ મને કોઇ દુ:ખ હોય ને? { sanjaychhel@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.