ગઈ કાલ મરી પરવારી છે, આવતી કાલની ખબર નથી, છતાં વિચારો આવતા રહે છે ભૂતકાળના, ભવિષ્યના. તમારી, મારી, સૌની સાથે આવું બનતું રહે છે, પણ એ આવતું અને જતું રહે છે. જ્યારે એ હર ઘડી, હર પળ આવતું જ રહે છે ત્યારે સાવધાન. તમે ‘કોગ્નિટિવ ડિસ્ટોર્શન’ના શિકાર બની શકો છો. આ એવી માનસિક સ્થિતિ છે, જ્યાં તમને બધું જ નકારાત્મક દેખાય છે, પર્સીવ થાય છે. તમે બની જાઓ છો, ‘માખી’ જેવા, જેને નજર ઠરી જાય એવી ખૂબસૂરત લલનાના ગાલ ઉપરનો નાનોશે ડાઘ જ દેખાય છે. તમે બની જાઓ છો ‘માઈક્રોસ્કોપ’, જેને બધું જ દેખાય છે અતિશયોક્તિથી છલકાતું. પરિણામે મૂડ મરતો રહેશે, બિહેવીયર બદલાતું રહેશે, આનંદ અદૃશ્ય થઈ જશે. નકારાત્મક વિચારો વાસ્તવિકતાની નોંધ લેતા નથી. ટેક્નોલોજીની મદદથી રોજનાં કરોડો ટ્રાન્જેક્શનો થતાં રહે છે, પણ નોંધ લેવાય ત્રણ સાઈબર ક્રાઈમની. શહેરમાં ફરતાં લાખો વાહનોમાંથી અકસ્માત થાય રોકડા સાતને અને તમે વિચારશો, ‘હે ભગવાન, શું થવા બેઠું છે?’ અમદાવાદની એંશી લાખની આબાદીમાં સ્માર્ટફોન હશે સિત્તેર લાખ, પણ બે ચોરાયા તો કહેશે, ‘ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ છે.’ નકારાત્મક વિચારોનો અતિરેક થાય અને ‘કોગ્નિટિવ ડિસ્ટોર્શન’ના શિકાર બનો ત્યારે આત્મવિશ્વાસ અને સેલ્ફ એસ્ટિમ નદારદ થઈ જાય. ભૂલ થાય ત્યારે ‘સાલું બફાઈ ગયું’ એવું વિચારવાને બદલે વિચારો, ‘હું નકામો છું.’ નકારાત્મક વિચારોના ચક્કરમાં ફસાઈ જશો તો બધું જ ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ દેખાશે. સંપૂર્ણ કાળા અને સંપૂર્ણ સફેદ રંગની વચ્ચે ત્રીસ હજાર શેડ છે. આવેશમાં આવી હું તમને નાની શી સુરતી ગાળ સંભળાવી દઉં તો કહેશો, ‘દસ્તૂરને ગાળો બોલવાની આદત છે.’ ‘જોઈએ’ના ચક્કરમાં તો અચ્છા અચ્છા ફસાઈ જાય. શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, શું બોલવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. મારા એક સતર્ક વાચકે મારા એક લેખમાં મેં નવ વાર ‘જોઈએ’નો ઉપયોગ કર્યો તેની ફરિયાદ કરી છે. વાત વાતમાં સલાહ આપવાની બીમારી પણ કોગ્નિટિવ ડિસ્ટોર્શન છે. નકારાત્મક વિચારોનો એક પ્રકાર છે ‘સ્ટીરીઓટાઈપિંગ.’ મદ્રાસી નરમ, મુસ્લિમ ગરમ, વાણિયો કંજૂસ, સિંધી ચાલાક અને પારસી ઘનચક્કર. નકારાત્મક વિચારો આપણી માનસિક તંદુરસ્તીની સત્યાનાશી કરવા સક્ષમ છે. ચિંતા, ડર, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, સ્ટ્રેસની માત્રા વધતી જશે. સાઈકોલોજીમાં એક શબ્દપ્રયોગ છે: ‘મેટાકોગ્નિશન.’ તમને આવતા વિચારો ઉપર વિચાર કરવાની આદતનું આ નામ છે. નકારાત્મક વિચારોના વમળમાંથી બહાર આવી એના ઉપર નિયંત્રણ મેળવો અને એને બદલવાનો પ્રયત્ન કરો, કરતા રહો. વિચારો પોઝિટિવ હશે તો વાણી અને વર્તન પોઝિટિવ બનશે. ⬛ baheramgor@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.