ક્રાઈમ ઝોન:દિવાળીએ રાઇના ખેતરમાં માસૂમ બાળકીની લાશ

પ્રફુલ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સૌને દિવાળી મુબારક. આ પવિત્ર પ્રકાશ પર્વમાં સૌથી મોટી અને અનિવાર્ય શુભેચ્છા એ કે અંતર્મન વિકસિત થાય. કરુણા સદૈવ રહે સાથે માનવી બનીને જીવીએ. આ શુભેચ્છા ઘણાને વિચિત્ર લાગશે કદાચ પરંતુ આપણી આસપાસની ઘટનાઓ ભયંકર ચીસાચીસ કરે છે કે આપણામાંનાં ઘણાં હજી પાષાણયુગનાં જાનવર (એમનું અપમાન નથી જ આ)થી ય બદતર મન-મગજ ધરાવે છે. નહીંતર સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનાં કાનપુર નજીકના ઘાટમપુર પિલ્લારનાં ભદરસ ગામમાં શૈતાનનુંય કાળજું કંપાવી દેનારી ઘટના બની ન હોત. દિવાળીનો સપરમો દિવસ. છોગામાં બાળદિવસ. 2020ની 14મી નવેમ્બર એટલે બચ્ચાઓ માટે રાજાપાઠમાં મોજમસ્તી કરવાનો અબાધિત હક. સારા કપડાં, રમકડાં, મીઠાઇ, ચોકલેટ, ફટાકડાં, ભેટ અને વહાલના દરિયાના હકદાર. એમાં દીકરી એટલે આ બધું અનેકગણું વધી જાય. હૈયું પ્રેમથી ઊભરાઇ જાય. પણ આપણી કમનસીબ દીકરી મુન્ની (કાલ્પનિક નામ) માટે આ દિવસ ભળતું જ ભાથું લઇને આવ્યો હતો. બે-ત્રણ વાર બોલાવીએ ત્યારે માંડ બહેનબા પધારે, પણ આજે આઠ-દસ વાર બોલાવવા છતાં દર્શન ન દીધાં તે ન જ દીધાં. કાનપુર જિલ્લા મુખ્યાલયથી 50 કિ.મી.નાં અંતરે આવેલા ભદરસ ગામના કરન કુરીલની વહાલસોયી દીકરી શનિવારે સાંજે ઘરની બહાર રમતી, પોતાની દુનિયામાં મસ્તપણે વિહરતી હતી. ઘરના પુરુષો હજી ખેતરમાંથી પાછા ફર્યા નહોતા ને ઉત્સાહી મહિલામંડળી ઘરને, જીવનને ઉજાળવા દીવા તૈયાર કરવામાં વ્યસ્ત હતી. દીવા પ્રગટાવવા માટે દીકરીઓને મીઠા લહેકામાં અવાજ આપીને બહારથી બોલાવી, તો મોટી અને નાની આવી પણ મુન્ની ન દેખાઇ. મુન્ની રમતિયાળ બહુ. થોડીવારમાં મુન્ની શોધો અભિયાન શરૂ થઇ ગયું. આડોશીપાડોશી જ નહીં, આખા ગામવાળા એક-એક ખૂણો ફરી વળ્યા પણ મુન્નીની ભાળ ન મળી. શનિવારે સવારે ગુન્નુ તિવારી નામનો ખેડૂત પોતાના રાઇનાં ખેતરમાં ગયો તો આંચકા સાથે જમીન સરસો જકડાઇ ગયો. સામે એક બાળકીનું લોહીલુહાણ નિ:વસ્ત્ર શબ પડ્યું હતું. આસપાસ લોહી જ લોહી. એનાં મોઢામાંથી ચીસ નીકળી ગઇ. થોડી મિનિટોમાં કરન કુરીલનું કુટુંબ દોડી આવ્યું. તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ ને માથે આભ તૂટી પડ્યું. સ્વસ્થજનોનાં ધ્યાનમાં આવ્યું કે મુન્નીના પગમાં મહિલાઓ દ્વારા વપરાતો રંગ લગાવાયેલો. આસપાસ ફરસાણનાં ખાલી પેકેટ પડ્યાં હતાં. માસૂમની બંને છાતી પર જખમનાં નિશાનો દેખાયાં. કોઇને કંઇ સમજાતું નહોતું. ઘટનાસ્થળે ભીડ જામવા માંડી. તમાશાને તેડું હોય કંઇ? આમેય વેકેશન હોવાથી શહેરમાં કમાવા ગયેલા યુવાનો પણ ઘરે આવ્યા હતા. દોઢ-બે હજારની મેદનીમાં આક્રોશભર્યો ગણગણાટ વધતો જતો હતો. સર્વાનુમતે નિર્ણય લેવાયો કે કોઇ ઉચ્ચ અધિકારી ખુદ ન આવે ત્યાં સુધી પાર્થિવ દેહને ખસેડવો જ નથી. આ બધી જીદ અને ટોળાશાહીનાં શાસન વચ્ચે મા-બાપનાં હૃદય પર શું વીતતું હશે એવો વિચાર કોઇએ ન કર્યો. પોલીસે ઘટનાસ્થળે પહોંચતાવેંત ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને બોલાવાઇ. કમનસીબે હજારો માણસો ઘટનાસ્થળે અગાઉ પહોંચી ચૂક્યા હોવાથી શ્વાનને કોઇ નિશ્ચિત ગંધ ન મળી. ચોપગાનું કામ બે પગા નાદાનોએ બગાડી નાખ્યું. દિવાળીમાં કોઇ તંત્ર-મંત્રની વિધિ કરવા માટે મુન્નીની હત્યા થવાની શંકા બળવતર બનવા માંડી. આ બચ્ચીનાં બંને ફેફસાં બહાર કાઢી નખાયા એ ક્રૂરતા શા માટે થઇ? ભદરસ ગામની બહાર માતાનું બહુ જૂનું મંદિર છે. ઘટનાસ્થળથી એકાદ કિલોમીટરનાં અંતરે આવેલા આ મંદિરમાં તપાસ થઇ, પણ ત્યાં પૂજા કરાઇ હોવાનાં નામોનિશાન મળ્યા નહીં. છતાં તાંત્રિકો વિશે માહિતી મેળવવા માટે ચક્રો ગતિમાન થઇ ગયા. ગ્રામજનોનાં દિલ પર એક વાત પાટલા ઘોની જેમ ચોંટી ગઇ કે કાળા જાદુ માટે જ મુન્નીનો જીવ લેવાયો છે, પણ ગામમાં એવો નપાવટ નરપિશાચ કોણ હશે! કે પછી બહારથી આવ્યો હશે! અપરાધ બધા ખરાબ અને નિંદનીય જ હોય, પણ આવી બર્બરતાપૂર્ણ હત્યાએ રાજ્યના વહીવટતંત્રને જ નહીં, રાજ્ય સરકારને સુધ્ધાં હચમચાવી મૂકી. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મૃતકના પરિવારને દિલસોજી પાઠવી, પાંચ લાખનું વળતર જાહેર કર્યું અને પોલીસને તાત્કાલિક આકરાં પગલાં લેવાનું ફરમાન કર્યું. બસ, પત્યું. પણ પરિવારની વેદનાનું શું? આજીવન કાળજા પર કોતરાયેલા ઘાનો ઇલાજ શો? માની મમતાનું વળતર થોડું ચૂકવાય? પિતાના અરમાન સામે તો કુબેરના ખજાનાની ય શી વિસાત? અંતે કાનપુરના ડેપ્યુટી આઇ.જી. પ્રીતિન્દરસિંહ મોટાભા બનીને આવ્યા. ‘આ મર્ડર બદલ બે યુવાનો અંકુર અને બીરનને અટકાયતમાં લેવાયા છે. બંને મૃતકના પાડોશમાં રહેતા હતા. આ બેઉની શારીરિક કુચેષ્ટાનો પ્રતિકાર કરવાને લીધે મુન્નીને મારી નખાઇ. એના હાથ બાંધી દઇને પછી હત્યા કરાઇ હતી.’ કાળા જાદુ કે તંત્ર-મંત્ર ખાતર મુન્નીની હત્યા થયાની શક્યતા અંગે તપાસ ચાલતી હોવાનું સિંહે જાહેર કર્યું. પછી પોલીસે ધડાકો કર્યો કે મુન્નીના પરશુરામ નામના સંબંધીએ તંત્ર-મંત્રના વિધિ માટે બાળકીના ફેફસાં લાવવા માટે બંને આરોપીને રકમ ચૂકવી હતી. વધુ આઘાતજનક હકીકત એ સામે આવી કે 1999થી પરશુરામની પત્ની માતા બની શકતી નહોતી. કોઇ બાળકીના ફેફસાં પર તાંત્રિક વિધિ કરવાથી સંતાનયોગ સર્જવાની પિશાચી લાલચ આ અધમ કૃત્યના મૂળમાં હતી. આ નિ:સંતાન દંપતીએ રૂ. 1500 (માત્ર પંદરસો રૂપરડી હો) આપ્યા જે બંને આરોપીએ દારૂ પીવામાં ફૂંકી માર્યા. પોલીસના દાવા મુજબ બંનેએ બળાત્કાર કર્યા બાદ મુન્નીનું ગળું ઘોંટી દીધું હતું. ચાર આરોપી સામે હત્યા, સામૂહિક બળાત્કાર, પુરાવા સાથે ચેડાં કરવા સહિતના આરોપો લગાવીને એફ. આઇ. આર. દાખલ થઇ હતી. હકીકતમાં એ બહુ મહત્ત્વનું નથી કે આ કેસનું શું થયું? કેટલી-કેવી સજા મળી? મહાપ્રશ્ન એ છે કે શૈક્ષણિક-ઔદ્યોગિક હરણફાળ ભરી છતાં સમાજ તરીકે આટલા બધા પછાત છીએ આપણે? આધુનિક વસ્ત્રો, ડીપી અને મોડર્ન ગેજેટ્સના ખડકલા પાછળના શરીરમાં માનવતા-કરુણા-દયા-પ્રેમની નાદારી આટલી ભયંકર હદે શા માટે છે? મુન્નીઓ અને નિર્ભયાઓ રાષ્ટ્ર, સમાજ અને માનવી તરીકેની આપણી કંગાળ નિષ્ફળતાના ચીખતા પુરાવા છે. આમાંથી મુક્તિ મેળવવા એકાદ પગલું ભરવાની પ્રતિજ્ઞા વિક્રમ સંવતનાં નવા વર્ષમાં લઇએ. { prafulshah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...