સાંઈ-ફાઈ:કલ્યાણની કેમેસ્ટ્રી

સાંઈરામ દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘આ દિવાળીને દિવાળી જ ન કહેવાય !’ ‘દિવાળી તો અમે ઉજવતા !’ આવા મેણાંટોણાં સાથે અમુક લોકો પોતાના સ્વજનો પર રીતસરનો ત્રાસ ગુજારતા હોય છે

આખા વરસનું અંધારું એક જ દિવસમાં બાળી નાંખે તેનું નામ દિવાળી. દીપાવલીની રાત્રે અંધારાને રીતસર હંફાવવાનો એક પ્રયત્ન માનવજાત તરફથી થાય છે. નાનપણમાં દાદીમાં આ અઠવાડિયાને ‘પરબના દિવસો’ કે ‘સારા દિવસો’ કહીને સંબોધતાં. શુભત્વનું અજવાળું સૃષ્ટિના દરેક ખૂણામાં પ્રસરે અને જીવનની કાળપ વિદાય લે એજ ઉદ્દાત હેતુથી આપણો આ ઉત્સવ નિર્માયો હશે. આપણે સૌએ એ કાયમ સ્મરણમાં રાખવું જોઈએ કે ‘સર્વે સન્તુ સુખિનઃ’ સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું મંગલ થાઓ. આ આપણા ઋષિ-મુનિઓનો લાખો વર્ષ પૂર્વેનો જયઘોષ છે. આજે ભારત સિવાયના વિશ્વના લાખો લોકો આપણી ઋષિસંસ્કૃતિના આ શ્લોકનું ગાન કરી રહ્યા છે…ત્યારે આપણે તો આ જયઘોષ લખનારી પ્રજા છીએ. આ વાતનું સદા સૌને ગૌરવ હોવું જોઈએ. ‘તમારું કલ્યાણ થાય’ એવો આશીર્વાદ જ ઋષિ-મુનિઓએ આપ્યો છે. ‘તમારો વિકાસ થાય’ આવું કેમ નહીં કહ્યું હોય ? ચાલો આ દિવાળીએ આપણે પણ વિકાસની પ્રાયોરિટીને કલ્યાણની કેમેસ્ટ્રીમાં ટ્રાન્સફર કરીએ. કદાચ આપણાં મહાપુરુષોને ખબર હતી કે કલ્યાણ એ માનવજીવનનું લક્ષ્ય હોવું જોઈએ. વિકસવું એ તો સહજ પ્રાણીપ્રકૃતિ છે. લાયક બનવા માટે કોઈ ચોક્કસ દિશામાં પુરુષાર્થ આરંભવો પડે છે, ઉંમરલાયક થવા માટે ક્યાં કશું કરવાની જરૂર છે? જીવનનાં ઉત્થાન માટે જ ગંભીરતાપૂર્વક વિચારવાનું હોય, પતન માટે કોઈ પ્રયોજનની આવશ્યકતા નથી. ગિરનાર પર બિરાજેલ ગુરુદત્ત ભગવાનની ચરણ પાદુકાના સ્પર્શ માટે જ પગથિયાનો શ્રમ વેંઠવો પડે, બાકી ઉપરથી પડવા માટે તો એકાદ પગથિયાની ચૂક કાફી હોય છે. એ જ રીતે પ્રકાશનું નિર્માણ કરવા માટે દીવો, ઘી, વાટ, કોડિયું ને બાકસની આવશ્યકતા અનિવાર્ય છે. અંધારું કરવા માટે તો એક ફૂંક પુરતી છે. આમ પોતાનાં કે અન્યનાં જીવનમાં અજવાળાં પાથરવા માટે ખૂબ નિષ્ઠાપૂર્વક યત્ન કરવો પડે છે. અંધારું તો એની મેળે મેળે થઇ જ જાય છે. જૈનમુનિ રત્નસુંદરવિજયજીએ સરસ કહ્યું છે, ‘પતનનો રસ્તો ઢાળવાળો અને ચીકણો હોય છે, જયારે ઉન્નતિનો કોઈ એક રાજમાર્ગ નથી હોતો.’ અરે ! કેટલાં બધાં ક્ષેત્રોમાં જગતે નોંધ્યું છે કે ત્યાં માર્ગ જ નથી હોતો અને અમુક સાહસિક લોકોએ તો’ય ચાલવાની હામ ભીડી અને પછી ત્યાં હાઈ-વે થઇ ગયો. આપણાં પૂર્વસૂરીઓએ જે પીડા વેઠી છે તેના મધુરાં ફળ તો ત્રીજી પેઢીને ચાખવા મળે છે. એક સમયે સૌરાષ્ટ્રમાંથી મુંબઈ જવું એ પણ વિદેશ કહેવાતું, વ્યાપાર વિકાસ અર્થે પહોંચેલા પુત્રનું ત્રણ મહિને ઘરે પોસ્ટકાર્ડ આવતું ત્યાં સુધી ઘરમાં સૌ ધીરજ રાખતા અને હવે તો રાજકોટથી મુંબઈ ટ્રેનમાં જતા ચારવાર કોલ કરવા પડે છે. જૂની ટપાલથી ઝૂમ મીટિંગ સુધીનો સમય એક પેઢીએ નજરે નિહાળ્યો છે. વડીલોનો ભૂતકાળ બહુ સાધન સંપન્ન નહોતો. પરંતુ ધીરજ અને સદગુણો તેમની સાચી સંપત્તિ હતી. મારો મુદ્દો એ છે કે વિડિયોકોલના જમાનામાં ટપાલને ભાંડવાની કે પકડી રાખવાની જરૂર નથી. જસ્ટ ગો વિથ ધ ફ્લો. સમયનાં વહેણની સાથે વહેવું, તેમાં ભીંજાવું અને તરીને આગળ વધવું એજ માનવજીવનની સાચી પ્રયુક્તિ છે. તમારી આસપાસમાં જ તમે નોંધ્યું હશે કે કેટલાક મિત્રોને તહેવારો પર પોતાના ગામડાની દિવાળી વાગોળવાની બહુ ઝાઝી ટેવ હોય છે. ‘આ દિવાળીને દિવાળી જ ન કહેવાય !’ ‘દિવાળી તો અમે ઉજવતા !’ આવા મેણાંટોણાં સાથે અમુક લોકો પોતાના સંતાનો અને સ્વજનો પર રીતસરનો ત્રાસ ગુજારતા હોય છે. વિધાઉટ બજેટના આઉટડેટેડ ભવ્ય ભૂતકાળને વિધાઉટ નીડ વર્તમાનમાં અન્યને કહેવાનું પ્રયોજન મને તો સમજાતું જ નથી. દર પાંચેક – દસ વર્ષે તહેવારો, પરિવારો કે સંબંધોના આધારોમાં લાસ્ટિંગ ચેન્જ આવે છે. આવવો જ જોઈએ. એ જ નિયતિ છે, ક્યોકિ પરિવર્તન સંસાર કા નિયમ હૈ. ચિન્મયાનંદજી તો ત્યાં સુધી કહે છે કે, ‘સંસાર મેં એક પરિવર્તન હી અપરિવર્તનશીલ હૈ !’ તમારો ભૂતકાળ ભારતનાં ભવિષ્ય જેવા બાળકોના લમણે ન મારો. એક સમયે આપણે ગામમાં પ્રત્યેક ઘરે ‘સાલ મુબારક’ કહેવા જતા. વડીલોના ચરણસ્પર્શ કરતા. વખત બદલાયો વડીલોનો સાથ છૂટ્યો અને સમગ્ર વિશ્વ એક ‘ગ્લોબલ વિલેજ’ બન્યું. તો હવે કોઈ દિવાળી પર પાડોશીને સાલ મુબારક કહેવાને બદલે સિંગાપોર જઈ ફેસબુક પર સાલ મુબારક કહે છે. આમાં કાગારોળ મચાવવાની ક્યાં જરૂર છે? ગામડાનું સાલ મુબારક એ સમયનું સત્ય હતું, તો સિંગાપોરથી સોશિયલ મીડિયા પરનું સાલ મુબારક આ સમયનું સત્ય છે. બંનેને સ્વીકારો, બંનેની મજા લ્યો. સિંગાપોરની દિવાળીની ટૂરમાં સામખીયાળી કે સમઢીયાળાની જૂની દિવાળીને બહુ મિસ કરવાની જરૂર નથી. અગેઇન કહું છું કે જીવનમાં જેટલા ઝડપથી ગો વિથ ધ ફ્લો જીવશો તો મજા પડશે હોં! આપણી વાત અંધારા પર અટકી હતી. જીવનમાં જ્યારે પણ કોઈ તકલીફ કે મુશ્કેલી આવે ત્યારે આપણને રીતસર અંધારા આવી જાય છે. યાદ રાખવું મિત્રો, શહેરની વચ્ચોવચ્ચ જ્યારે ઓવરબ્રિજ બનતો હોય છે ત્યારે આખું શહેર ત્રાહિમામ પોકારે છે પરંતુ વરસ-બે વરસ પછી એ જ શહેરના લોકો ચકાચક ઓવરબ્રિજ પર હરખાતા અને હસતાં હસતાં પસાર થાય છે. સૌએ વેઠ્યું તો સૌએ શ્રેષ્ઠ મેળવ્યું. તો ક્યારેક આગલી પેઢી વેંઠે છે અને પાછળની પેઢી મેળવે છે. એ જ ન્યાયે જ્યારે જીવનમાં દુઃખો તૂટી પડે ત્યારે એવું સમજવું જોઈએ કે ઈશ્વર આપણી જિંદગીમાં એક મસ્ત ઓવરબ્રિજ બનાવી રહ્યો છે. પીડાથી બાયપાસ માર્ગ બની રહ્યો છે. ધૈર્ય ન ગુમાવવું; બહુ જલ્દી જીવન સ્પીડ પકડવાનું છે. જીવનના અંધારાથી હારી જવા કરતા આશાની એકાદી મીણબત્તી પ્રગટાવવા મથીએ તો પછી અંધારાને લાકડીથી ભગાડવું નહીં પડે. તે રાજીનામું આપ્યા વગર ભાગી છૂટશે. જૂના વરસે સમસ્ત માનવજાતને કદી ન વિસરાય એવા કાળમુખા ઘાવ આપ્યા છે પરંતુ તેને યાદ કરીને કાંઈ નવા વરસમાં થોડું પ્રવેશાય? ગઈકાલના અંધારા પર આળ મૂકવા કરતા આવતીકાલના અજવાળાની ઉગતી ડાળને પોંખીએ. આવો નવી આશા, નવા ઉન્માદ, નવા ઉત્સાહ, નવી ચેતના અને નવી સમજણ સાથે નવા વર્ષમાં સાથે પગલા માંડીએ. ગુમડું મટી જાય પછી એનો ફોટો પાડીને કોઈ ડી.પી.માં નથી મુકતુ. એજ રીતે બધી પીડા એક દી’ તો વિરમવાની જ છે. જગતપતિ પર ભરોસો રાખીએ. હસતાં હસતાં વધાવશો તો જ દિવાળીને દિવાળી જેવું લાગશે. નહીતર તેને થાશે કે હું રોંગ નંબરમાં આવી કે શું ? વાઈફાઈ નહી સાંઈફાઈ આવે તો વિચારજો. નવા વરહના સૌને એડવાન્સમાં રામ રામ.{ sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...