ક્રાઈમ ઝોન:ડોમ્બિવલીની બેંકના કેશ કસ્ટોડિયન મેનેજરે કર્યું પરફેક્ટ પ્લાનિંગ અને શકથી રહ્યો પર

પ્રફુલ શાહ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિલ્મ, ટીવી સિરિયલ, વેબસિરીઝ પરથી અપરાધ થયાનું બહાર આવે છે, પરંતુ તો પછી કોઈ શહીદ ભગત સિંહ કે બાહુબલી કેમ બનતા નથી?

અલવારો મોર્તે. ઘંટડી વાગી? પ્રોફેસર? વધુ એક હિન્ટ બેલ્લા ચાઓ.... યસ્સ, વિશ્વની સૌથી વધુ લોકપ્રિય વેબસિરીઝ ‘મની હાઈસ્ટ.’ ના, ના, તો આજે મળીએ પ્રોફેસરના ભારતીય ચેલાને, જે એકલવ્યની જેમ શીખ્યો પણ ગુરુ દક્ષિણામાં અંગૂઠાને બદલે ઠેંગો આપ્યો. બબ્બે હજારની ગુલાબી નોટ જોઈને મન-મગજ ‘બેલ્લા ચાઓ બેલ્લા ચાઓ’ (ગુડબાય બ્યૂટીફૂલ-અલવિદા સુંદરી) ગાવાને બદલે આ અભિવાદનનો જવાબ ગણગણવા માંડ્યો: પીયાસીએરે (નાઈસ ટુ મીટ યૂ- આપને મળીને અનહદ આનંદ થયો.) આ ભારતીય પ્રોફેસર અવતર્યા મહારાષ્ટ્રમાં. મુંબઈથી 40-41 કિલોમીટરના અંતરે આવેલા ડોમ્બિવલી ઉપનગરના એમ.આઈ.ડી.સી. વિસ્તારની ખાનગી આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં કેશ કસ્ટોડિયન મેનેજર તરીકે અલ્તાફ શેખ કામ કરે. આ ભઈએ સ્પેનિશ વેબસિરીઝ ‘મની હાઈસ્ટ’ જોઈ. એ પ્રોફેસર ટોકિયો, બર્લિન, નૈરોબી, ડેનેવર, રિઓ, હેલસિન્કી, મોસ્કો, ઓસ્લો, બોગોરાના કરતબમાં ખોવાઈ ગયો, પણ પ્રોફેસરના કામ અને મોડસ ઓપરેન્ડીની નાગપાશમાં ઝડપાઈ ગયો. ડોમ્બિવલીના દેશી પ્રોફેસર અલ્તાફ શેખને પણ મેગીની જેમ ફટાફટ માલદાર બનવાના વાઈરસ વળગ્યા. રોજરોજ સામે કરોડો-લાખો પડ્યા હોય, આવતા-જતા હોય તો પછી હજારોના પગારમાં ગુલામી શા વાસ્તે કરવી? ભઈએ આવી બીજી સિરીઝ પણ જોઈ કે જેથી વધુ ને વધુ જ્ઞાની થવાય, એકદમ પરફેક્ટ પ્લાન ઘડાય. ઉચ્ચ હોદ્દા પર હોવાથી બેંકની ભૂગોળની રજેરજ માહિતી. સતત આંખ-કાન ખુલ્લાં રાખે, ન દિવસે જંપવા દે, ન રાત્રે ઊંઘવા દે. ભલે અડધોપડધો અર્થ જાણે પણ સતત ‘બેલ્લા ચાઓ, બેલ્લા ચાઓ’ પડઘાયા કરે. હકીકતમાં આ શબ્દો ઈટાલિયન લોકગીતના છે. એનાથી વધુ મહત્ત્વનું એ છે કે આ લોકગીત અત્યાચાર સામે વિરોધનું ગાન છે. ‘અચ્છે દિન’ની આશાનું ગીત છે. શેખના મન પર ‘અચ્છે દિન, અચ્છે દિન’ના હથોડા ઝીંકાવા માંડ્યા. કોઈ માણસ ધારી લે અને મંડી પડે તો શું થઈ શકતું નથી? અલ્તાફ શેખને આ સવાલનો જવાબ લગભગ એકાદ વર્ષના ફાંફા અને પ્લાનિંગ બાદ મળી ગયો, એ પણ અચાનક અને યોગાનુયોગે. આમેય બેંકની ભૂગોળ અને લોકેશનના નકશા તો મગજ પર પ્રિન્ટ થઈ ગયાં હતાં. લાંબા સમયથી એ બેંકની સિક્યોરિટી સિસ્ટમની ત્રુટિ અને છટકબારી શોધતો હતો. એને બેંકના પૈસે રાતોરાત કરોડપતિ થવું હતું. સાથે સ્વાભાવિકપણે ન પકડાવાની શરત પણ ખરી. થોડા મહિના અગાઉ તેણે બેંકના એર-કન્ડિશનિંગના ડક્ટ ખુલ્લા જોઈ લીધા. સમારકામ માટે એ ખોલાયા હતા, પણ એનાથી અલ્તાફનું મગજ ક્રાયોજેનિક એન્જિનવાળા રોકેટની મદદથી દોડવા-કૂદવા-ઉડવા માંડ્યું અને સીધું ઉતરાણ કર્યું સપનું સાકાર કરવાની નક્કર ભૂમિ પર. બેંકની તિજોરીવાળા રૂમની બાજુમાં જ આ ડક્ટ હતું એ એના ધ્યાનમાં આવ્યું. ખૂબ લાંબી પ્રતીક્ષા બાદ તેને મંઝિલ હાથવગી દેખાઈ. તેણે પોતાના પ્લાનમાં ચાર જણાને સામેલ કર્યાં, પણ કોઈને નાગપુર, પુણે, અમદાવાદ, વડોદરા કે દિલ્હી જેવાં શહેરોનાં નામ ન આપ્યાં. આ ગ્રેટ રોબરીના પ્લાનને અમલમાં મૂકવા માટે તેણે પોતાની બહેન નિલોફર અને દોસ્તો ઈસરાર કુરેશી, અહમદ ખાન અને અનુજ ગિરીને સામેલ કરી લીધાં. બધાંને પૂરેપૂરો પ્લાન સમજાવી દીધો. સાથોસાથ ચેતવણીના સૂરમાં તાકીદ કરી કે ક્યાંય કોઈ કચાશ ચલાવી નહીં લેવાય. સાથીઓને જ્ઞાનની ગોળી પીવડાવ્યા બાદ એને ધરપત થઈ. સફળતાની ખાતરી થઈ. પોતાના કારનામાના અમલ માટે પસંદ કરી 2022ની નવમી જુલાઈ. શનિવારે બેંક બંધ. પછી રવિવારે કોઈને ખબર ન પડે. આ કરતૂતની કોઈને જાણ ન થાય કે કેમેરામાં ન કંડારાય એ માટે સૌપ્રથમ અલાર્મ સિસ્ટમને નિષ્ક્રિય કરી નાખી. પછી બધા સીસીટીવીની કેમેરાની હાર્ડડિસ્ક કાઢી લીધી. હવે અલ્તાફે એ તક ઝડપી લીધી. થોડી જ પળોમાં તિજોરીમાંથી 34 કરોડ, હા રોકડા 34 કરોડ ઓછા કરી નાખ્યા. આ રકમ તેણે ડક્ટમાંથી નીચે ફગાવી જે પાછળની બાજુ નીચે બાંધેલી તાડપત્રી પર પડી, જેને પ્લાન મુજબ પગ આવી ગયા. સોમવારે અલ્તાફ શેખે જ સીસીટીવી કેમેરાની હાર્ડડિસ્ક ગાયબ હોવાની માહિતી ઉપરીઓને આપી. આ સંજોગોમાં તિજોરીમાંની રકમ ચેક કરવાનો આગ્રહ કર્યો. ગણતરીમાં 34 કરોડ ગાયબ થયાની હકીકત બહાર આવી, જેની ફરિયાદ કરવા માટે માનપાડા પોલીસ સ્ટેશન પહોંચી ગયો. ઘટનાસ્થળે પોલીસને ન મળ્યા સીસીટીવી ફૂટેજ કે ન હાથ લાગ્યો કોઈ ચશ્મ-દીદ-ગવાહ એટલે કે સાક્ષી. રકમ બહુ મોટી હતી અને બેંક પણ એટલે હોબાળો મચવાનો જ. પોલીસ પૂછપરછ અને તપાસ કરતી જ રહી, ક્યાંય સુધી. ત્રણ મહિના બાદ પોલીસે ઈસરાર, અનુજ અને અહમદની ધરપકડ કરીને રૂ. 5.8 કરોડ પાછા મેળવ્યા. આ સાથે ‘મની હાઈસ્ટ’ની ભારતીય આવૃત્તિ પર્દાફાશ થઈ. પરંતુ ત્યાં સુધીમાં ‘પ્રોફેસર’ના ભ્રમમાં રાચતો મેનેજર હવામાં ઓગળી ગયો હતો. ત્રણેય પકડાયેલા આરોપીઓની આકરી પૂછપરછ બાદ મળેલી વિગતોથી પોલીસને આંચકો લાગ્યો ને સાથે ઉપયોગી સગડ મળ્યા. લૂંટના ત્રણ મહિના બાદ અલ્તાફને કોલ્હાપુરથી ઝડપી લેવાયો, તો નિલોફર પુણેથી પકડાઈ. સ્માર્ટ અલ્તાફે લૂંટની મોટી રકમ નવી મુંબઈમાં ભાડે રાખેલા ફ્લેટમાં મૂકી રાખી. ફિલ્મ, ટીવી સિરિયલ અને વેબસિરીઝ પરથી અપરાધ થયાનું બહાર આવે છે, પરંતુ તો પછી કોઈ શહીદ ભગત સિંહ કે બાહુબલી કેમ બનતા નથી? ‘મની હાઈસ્ટ’નો પ્રોફેસર જેલમાં ન ગયો, પણ કેશ કસ્ટોડિયન મેનેજરને કેશને બદલે સળિયા ગણવાની નોબત આવી ખરી.{ praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...