બ્લેક એન્ડ વ્હાઈટ:ભોળા ભક્તોને કારણે શેતાનને શરમાવે એવા ધર્મગુરુઓનો ‘ધંધો’ ધમધોકાર ચાલતો રહે છે!

એક વર્ષ પહેલાલેખક: આશુ પટેલની કલમે
  • કૉપી લિંક
  • સમયાંતરે રેપિસ્ટ ધર્મગુરુઓના કારસ્તાનો બહાર આવતા રહે છે, પણ આપણા મૂઢ સમાજની આંખ ઉઘડતી નથી!

ગુજરાતના એક ધર્મગુરુએ માઉથ ફ્રેશનરના નામે ઘેનયુક્ત ગોળીઓ ખવડાવીને એક ટીનએજર છોકરી પર અનેકવાર રેપ કર્યો એ આઘાતજનક સમાચારો થોડા દિવસો અગાઉ અખબારોમાં પ્રસિદ્ધ થયા. તે ધર્મગુરુએ તે છોકરીના માતા-પિતા સાથે વલ્ગર વિડિયો અને મેમરી કાર્ડ તે છોકરીને મોકલાવ્યા. તે 15 વર્ષીય છોકરીને તે ધર્મગુરુએ કહ્યું હતું કે હું તારા શરીરમાં આજે રાતે દૈવી શક્તિની સ્થાપના કરવાનો છું. એ પછી તે છોકરીને તેણે પોતાના બાથરૂમમાં સ્નાન કરવા મોકલી હતી અને તેણે સ્નાન કરીને નગ્નાવસ્થામાં પોતાની સામે આવવા માટે કહ્યું હતું. જોકે, તે છોકરી કેપ્રી પહેરીને બહાર આવી હતી. તે માત્ર કેપ્રી પહેરીને બહાર આવી ત્યારે પેલા અધર્મગુરુએ તેનો વિડિયો શૂટ કરી લીધો હતો અને પછી એ જાહેર કરવાની ધમકી આપીને તેના પર રેપ કર્યો હતો.

સમયાંતરે આવા ખેપાની ધર્મગુરુઓના કિસ્સાઓ બહાર આવતા રહે છે, પણ આપણા મૂઢ સમાજની આંખ ઉઘડતી નથી. ઘેટાં જેવા લોકો ઊંધુ ઘાલીને આવા દુષ્ટ ધર્મગુરુઓની જાળમાં ફસાતા રહે છે. ઘણા કિસ્સાઓમાં તો એવું બનતું હોય છે કે છોકરી ધર્મગુરુઓ પાસે જતા ડરતી હોય, કારણ કે અગાઉ તે રેપનો ભોગ બની ચૂકી હોય. છતાં મા-બાપ તેને આશ્રમમાં બાબા, બાપુ, સ્વામી કે મહારાજને હવાલે કરી દે છે, તેને આશ્રમમાં ધકેલે છે અને પોતાની દીકરીના સેક્સપ્લોઈટેશન માટે જવાબદાર બનતા હોય છે. આવા ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે. બીજી બાજુ ઘણી બેવકૂફ છોકરીઓ કે યુવતીઓ કે મોટી ઉંમરની સ્ત્રીઓ પણ ઘણા ધર્મગુરુઓને ભગવાન માનીને પોતાનું શરીર તેમને હવાલે કરી દે છે.

ઘણા બાબાઓ, બાપુઓ, સ્વામીઓ, મહારાજો કે ધર્મગુરુ આશ્રમના નામે સેક્સ રેકેટ ચલાવતા હોય છે. જુલાઈ, 2020માં જ આવો એક કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં ઉત્તરપ્રદેશ પોલીસે મુઝફ્ફરનગરના ધર્મગુરુ ભક્તિ ભૂષણ ગોવિંદ અને તેમના સહાયક મોહન દાસની ધરપકડ કરી હતી. તે ધર્મગુરુએ 10થી 14 વર્ષની ઉંમરના અત્યંત ગરીબ કુટુંબના 10 બાળકોનું લાંબા સમય સુધી જાતીય શોષણ કર્યું હતું. મુઝફ્ફરનગરમાં આશ્રમ ખોલીને બેઠેલા તે ખેપાની ધર્મગુરુએ લાંબા સમય સુધી તે બાળકોનું શોષણ કર્યું હતું. મિનિસ્ટ્રી ઓફ ચાઇલ્ડ એન્ડ વેલફેર ડેવલપમેન્ટની ચાઈલ્ડલાઈન એજન્સી પર એક નનામો કોલ આવ્યો હતો કે મુઝફ્ફરનગરના ફલાણા આશ્રમમાં બાળકો સાથે બહુ ખરાબ વર્તાવ કરાઈ રહ્યું છે. એટલે ચાઈલ્ડ લાઈનના કાઉન્સેલર્સ એ આશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યારે તેમને કંઈક શંકાસ્પદ લાગ્યું હતું. એટલે તેમણે પોલીસની મદદ લઇને આશ્રમમાં રેડ કરાવી હતી અને 10 બાળકોને છોડાવ્યા હતા અને તે બાળકોનું જ્યારે મેડિકલ એક્ઝામિનેશન થયું ત્યારે ખબર પડી હતી કે તે બધા પર રેપ થયો હતો. મુઝફ્ફરનગરથી 30 કિલોમીટર દૂર શુક્રતાલમાં ભક્તિ ભૂષણ ગોવિંદે આશ્રમ ખોલ્યો હતો. તેના શિષ્યો ગરીબ પેરેન્ટ્સ પાસે જઈને તેમને લલચાવતા હતા કે તમારા બાળકોને અમે સારું શિક્ષણ અપાવીશું. તે બાળકોએ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને અને પછી પોલીસને આપેલા સ્ટેટમેન્ટ્સમાં કહ્યું હતું કે ધર્મગુરુ ભક્તિ ભૂષણ ગોવિંદ તેમને પરાણે શરાબ પીવડાવતો હતો. તે કહેતો કે આ કોરોના વાઈરસની દવા છે. એ પછી તે તેમનું જાતીય શોષણ કરતો હતો. તેમના પર રેપ કરતો હતો અને કોઈ બાળક વિરોધ નોંધાવે તો તેને બેરહેમીથી મારતો હતો.

એવું નથી કે માત્ર કોઈ એક ધર્મમાં જ આવા કિસ્સાઓ બનતા રહે છે. તમામ ધર્મોમાં આ દૂષણ છે. જૂન 2019માં કાનપુરમાં એક 16 વર્ષીય છોકરી પર એક મૌલવીએ મદરેસામાં જ રેપ કર્યો હતો એવી ઘટના બહાર આવી હતી. તો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક મૌલવીએ 10 વર્ષની છોકરી પર મદરેસામાં બળાત્કાર કર્યો એ માટે તેની ધરપકડ થઈ હતી. 27 ફેબ્રુઆરી, 2020ના દિવસે રાંચીમાં એક કિસ્સો બહાર આવ્યો હતો, જેમાં મૌલવીએ 13 વર્ષની છોકરી પર રેપ કર્યો હતો. તો ડિસેમ્બર 2019માં બેંગલુરુમાં એક મૌલવીની એક છોકરી પર બળાત્કાર માટે ધરપકડ થઈ હતી. બિહારના મૌલવી રાહબર ઇસ્લામ પરવેઝની 16 વર્ષની છોકરી પર રેપ કરવા માટે ધરપકડ થઈ હતી. તે છોકરી વિરોધ કરતી હતી ત્યારે તે લોખંડના સળિયા તપાવીને તેને ડામ આપતો હતો. આવી ખોફનાક ઘટનાઓ બહાર આવતી રહેતી હોય છે.

એવું નથી કે માત્ર ભારતમાં જ આવા હલકટ અને, વિકૃત સ્પિરિચ્યુઅલ ગુરુઓ કે ધર્મગુરુઓ હોય છે. 28 ઓક્ટોબર, 2020ના દિવસે ન્યૂ યોર્કમાં સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ ગુરુ કીથ રેનેરને ન્યૂ યોર્કની બ્રુકલીન કોર્ટના જજ નિકોલસ ગેરોફિસે 120 વર્ષની જેલની સજા સંભળાવી. એનએક્સઆઈવીએમ નામનું ઓર્ગેનાઇઝેશન ખોલીને બેઠેલા કીથના ફોલોઅર્સમાં હોલિવૂડ એક્ટર સહિત કેટલાય મિલેનિયર્સનો સમાવેશ થતો હતો (એનએક્સઆઈવીએમ પર બે ટીવી ડોક્યુમેન્ટ્રીઝ સિરીઝ 2020માં આવી. એક એચબીઓ પર ‘ધ વાવ’ અને સ્ટાર પર ‘સિડ્યુસડ: ઈનસાઈડ ધ એનએક્સઆઈવીએમ કલ્ટ’ નામની ડોક્યુમેન્ટરી સિરીઝ આવી હતી). તે ગુરુએ કેટલીય ટીનએજર છોકરીઓ અને યુવતીઓને પોતાની સેક્સ સ્લેવ બનાવી હતી. તે તેમના શરીર પર પોતાના ઈનિશિયલ્સ (પોતાના નામના પ્રથમાક્ષર) કોતરાવતો હતો. તેની નાનામાં નાની ઉંમરની સેક્સ સ્લેવ 15 વર્ષની ઉંમરની હતી. તે છોકરી 13 વર્ષની હતી ત્યારથી તેણે તેને પાળીપોષીને મોટી કરી હતી જેથી તે જ્યારે 15 વર્ષની થાય ત્યારે તે તેની સાથે સેક્સ માણી શકે! બ્રુકલીન ફેડરલ કોર્ટમાં તેની સામે કેસ ચાલ્યો અને તેના દ્વારા સેક્સપ્લોઈટેશનનો ભોગ બનેલી પંદર સ્ત્રીઓએ તેની વિરુદ્ધ જુબાની આપી. 60 વર્ષીય કીથ રેનરે પોતાનો બચાવ કરતા જજને કહ્યું હતું કે, મેં કશું ખોટું કર્યું નથી. હું તો તે સ્ત્રીઓના ઉદ્ધાર માટે કોશિશ કરી રહ્યો હતો એટલે તમારે મને સજા ન કરવી જોઈએ! એ પછી કીથના વકીલે જજને કહ્યું હતું કે, કીથને 20 વર્ષની જેલની સજા જ આપો. જોકે, સરકારી વકીલે કહ્યું હતું કે જો આ માણસ જેલમાંથી પાછો બહાર આવશે તો પાછો આવા જ ક્રાઈમ કરશે. એટલે તેને જજે 120 વર્ષની જેલની સજા ફટકારી હતી. વિચાર કરો આવો કિસ્સો આપણા દેશમાં બહાર આવ્યો હોત તો શું થયું હોત? કીથ જેવો ખેપાની ગુરુ થોડા સમયમાં કાનૂની આંટીઘૂંટીઓનો ફાયદો ઉઠાવીને છૂટી ગયો હોત અને ફરી તેણે તેનો ધંધો ચાલુ કરી દીધો હોત!

અન્ય સમાચારો પણ છે...