વળી પાછું આપણે ચૂંટેલા સાંસદો અને ચૂંટણીપંચે માન્ય કરેલા પક્ષોના ‘માનનીય’ નેતાઓ સડકથી સંસદની અંદર જે રીતે વર્ત્યા છે તે આપણે જોયું. હવે તો સવાલની તીવ્રતા પણ વધી છે કે આ લોકોએ માંડ્યું છે શું? શું તેમને ચૂંટણીમાં જીત મળી હોય એટલે તેમને આવો પરવાનો મળી જાય છે? તેમની સંસદીય લોકતંત્ર અને બંધારણની આમન્યા વિશે કેવી સમજદારી છે? બેશક, આ સવાલો આપણે સાંસદોને પૂછી રહ્યા છીએ. જો તેમનો બંધારણે બક્ષેલો વિશેષાધિકાર છે તો આપણો જનતા જનાર્દનનો- એટલો જ અધિકાર ગણાય, કેમ કે જે દિવસે બંધારણ સભાની દમદાર ચર્ચાઓ અને આલેખન પછી ભારતીય બંધારણને પ્રસ્તુત કરાયું તો તેમાં ‘અમે ભારતનાં લોકો પ્રસ્તુત કરીએ છીએ’ એવી પ્રારંભે જ ઘોષણા હતી. આ ‘વી ધ પિપલ’ને સંસદ અને તેની બહાર દેખાયેલાં દૃશ્યોથી આઘાતમાં ઉમેરો થતો જાય અને છેવટે એ સવાલે આવીને પ્રશ્નાર્થ ઊભો રહે કે શું આપણે સંસદીય લોકશાહીને લાયક છીએ ખરાં? રસ્તા પર કોઈ ધાંધલ ધમાલ મચાવે તો તેને તો ‘કાયદો અને વ્યવસ્થા’ની જાળવણી માટે પોલીસતંત્ર પકડીને લઈ જાય છે, આરોપનામું તૈયાર થાય અને અદાલતોમાં મુકદમો પણ ચાલે છે. પણ, આ ‘સત્યાગ્રહો’, ‘દેખાવો’, ‘ધરણા’ અને ગૃહમાં અધ્યક્ષની ખુરશી સુધી જઈને કાગળિયાં ફેંકવા, બેનર બતાવવા, બૂમરાણ સાથે નારાબાજી કરવી: તેમાં શું બને છે? આપણે જોયું છે કે કોઈ ચર્ચા કે વિધેયક (યાદ રહે કે સંસદસભ્યોએ જ આ કાનૂનો અને નિયમો ઘડવાના હોય છે તેની જગ્યા લોકસભા-રાજ્યસભા છે, પ્રદેશોમાં વિધાનસભાઓ છે.) આવે કે તરત બેચ પરથી ઊભા થઈને ઊહાપોહ શરૂ કરી દેવો, વક્તાને બોલવા ન દેવા, અધ્યક્ષના આદેશો ન માનવા, વેલ સુધી ધસી જવું એટલે અધ્યક્ષ (આમ તો તેમને બિચારા ન કહેવાય. અપમાન ગણાય, પણ હાલમાં આ ગૃહોમાં અધ્યક્ષની દશા માઠી છે, કોઈ સાંભળે નહીં એટલે થોડા કલાકો ગૃહને મુલતવી રાખવામાં આવે. પગલાં તરીકે થોડા સભ્યોને એક દિવસ કે સત્ર ચાલુ હોય ત્યાં સુધી ગૃહપ્રવેશ અમાન્ય કરવામાં આવે. તે ‘માનનીય સાંસદો’ બૂમાબૂમ કરતા, સંસદના વિશાળ પરિસરમાં જ્યાં ગાંધીજીની ભવ્ય પ્રતિમા છે તેની નિશ્રામાં દેખાવો કરવા પહોંચી જાય છે! ‘વિરોધ’ શબ્દની આખી વ્યાખ્યા બદલી નાખવામાં આવી છે. 1950માં ‘સાર્વ ભૌમ લોકતંત્ર’ની ઘોષણા સાથે સંસદીય પ્રથા દાખલ કરવામાં આવી તેની પાછળ જુલાઈ, 1946ના ‘બંધારણ સભા’ની રચના થઈ તે પ્રત્યક્ષ ચૂંટણી નહોતી, પણ પ્રદેશોની એસેમ્બલીમાં દસ લાખ નાગરિકો (મતદારો) દીઠ એક ‘સભ્ય’ ચૂંટવામાં આવ્યો તેની આ સંવિધાન સભા બની. પહેલાં 2 સપ્ટેમ્બર, 1946 અંતરિમ કેન્દ્ર સરકાર બની, તેની પહેલી બેઠક 9 સપ્ટેમ્બર, 1946ના રોજ આજના સંસદગૃહના કેન્દ્રીય સભાખંડમાં મળી. બસ, ત્યારથી આપણી સંસદીય લોકશાહીનો રથ ચાલ્યો. હવે કહો કે આ રથ છે કે માટીની ગાડી? મૃચ્છકટિક હોય તો તેને માટે જવાબદારી કોની? તે સભાનો પહેલો જ વિરોધ મુસ્લિમ લીગે કર્યો, ‘ડાયરેક્ટ એક્શન’ (16 ઓક્ટોબર, 1946)ના રોજ લોહિયાળ હત્યાઓ થઈ. બંગાળ-પંજાબમાં તો લોહીની નદીઓ વહી. પછી બ્રિટિશ વડાપ્રધાને જાહેર કર્યું કે ભારતને જૂન, 1948 સુધીમાં આઝાદી આપશું તેને માટે લોર્ડ લૂઈસ માઉન્ટ બેટનને ગવર્નર જનરલ બનાવ્યા. તેણે જે દિવસે જાપાને આત્મસમર્પણ કર્યું અને આઝાદ હિંદ ફોજનો પરાજય થયો એ દિવસ- પંદરમી ઓગસ્ટને- આઝાદી માટેનો પસંદ કર્યો. સંવિધાન-ભારત તેનું પોતાનું અને પાકિસ્તાન તેનું- ઘડી કાઢે તેવો ઠરાવ બ્રિટિશ પાર્લામેન્ટે કર્યો હતો, તેમ થયું. તે અનુસાર ભારત સાર્વભૌમ લોકશાહી રાષ્ટ્ર ઘોષિત થયું, 26 જાન્યુઆરી, 1950ના. કેવીક સંસદીય લોકશાહી ચાલી છે આપણી? પહેલો જ વિસ્ફોટ 8 એપ્રિલ, 1950ના ‘બંગાળ પેક્ટ’થી થયો. ભારત-પાકિસ્તાનના વડાપ્રધાનોએ કરેલા કરાર મુજબ ‘લઘુમતીની સુરક્ષા’ માટેની જોગવાઈ હતી. તે સમજૂતીને તૃષ્ટિકરણ ગણાવીને પ્રધાનમંડળમાંથી ઉદ્યોગમંત્રી ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ રાજીનામું ધરી દીધું. બીજી ઘટના કોંગ્રેસની ભીતર ‘કોંગ્રેસ લોકશાહી મોરચો’ હતો, તે નેહરુ-મૌલાના આઝાદે વિખેરી નખાવ્યો તેની વિરુદ્ધમાં આચાર્ય જે. બી. કૃપલાણીએ કોંગ્રેસમાંથી જ રાજીનામું આપીને નવો ‘મજદૂર-કિસાન પક્ષ’ સ્થાપ્યો. બીજું રાજીનામું કાનૂનમંત્રી ડો. આંબેડકરનું. ત્રીજું ચિંતામણિ દેશમુખનું. 1952માં પહેલી ચૂંટણી, હવે 2024માં એવી જ ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણી સંઘર્ષો દરમિયાન નવા પક્ષો ઊભા થયા, તૂટ્યા, ગઠબંધનો થયાં, અંતરિમ સરકારો આવી, રાષ્ટ્રપ્રમુખોની ચૂંટણી થઈ, ઉપરાષ્ટ્રપતિ ચૂંટાયા. વિધેયકો આવ્યા. સંસદમાં ચર્ચા થઈ. બંધારણમાં 100થી વધુ સુધારા થયા. બંધારણની જોગવાઈ હેઠળ 1977-76માં આંતરિક કટોકટી જાહેર થઈ. જેઓ સંસદમાં મુક્ત રીતે ચર્ચા કરતા હતા તેમના સહિત 1,10,000 આગેવાનોને અટકાયતી ધારા હેઠળ જેલભેગા કરાયા, તેમાંના જ કેટલાક, પછીથી વડાપ્રધાન બન્યા તે મોરારજીભાઈ દેસાઈ, અટલ બિહારી વાજપેયી, ચંદ્રશેખર, ચૌધરી ચરણસિંહ અને કટોકટી વિરોધ સંઘર્ષમાં સામેલ રહેલા નરેન્દ્ર મોદી આજે તે પદ પર છે. 37,000 પ્રકાશનો પરની સેન્સરશિપ અને અંધારપછેડાનું સંસદગૃહ: એ બે તે સમયની યાદગાર દુર્ઘટનાઓથી દેશ અને દુનિયામાં સવાલ પૂછાતો થયો કે શું ભારત સંસદીય લોકશાહીને લાયક છે? રહેશે? રહ્યો તો ખરો, પણ સંસદમાં ધાંધલ ધમાલનાં દૃશ્યો વધ્યાં છે. જે પ્રતિનિધિઓ ચૂંટાઈ આવે છે તે જોતાં વર્તમાન ચૂંટણીપ્રથા પર પ્રશ્નાર્થ થાય છે. નાત, જાત, કોમ, સંપ્રદાય, નાણાનો ઉપયોગ ચૂંટણીમાં કેવો અને કેટલો? યાદ છે, 2008ની 22 જુલાઈએ કોંગ્રેસે બહુમતી મેળવી ત્યારે ત્રણ સંસદસભ્યોએ ગૃહમાં એક કરોડ રૂપિયાનાં બંડલ ઉછાળીને કહેલું કે અમને મતદાનની તરફેણ કરવા માટે આ રકમ આપવામાં આવી છે! હવે આ ‘કરોડ’ની વાત ભુલાઈ જાય તેવા પ્રસંગોની ઘટમાળ છે. વિપક્ષ નેતા રાષ્ટ્રપતિને ‘રાષ્ટ્રપત્ની’ કહે અને પછી તે ‘ભૂલમાં કહેવાયું હતું’ એમ કહેવા રાષ્ટ્રપતિની મુલાકાત માંગે તે ઘટનાનો કોઈ રીતે બચાવ હોઈ શકે? એ સાચું કે સંસદમાં ધાંધલ ધમાલ કરનારાઓની સંખ્યા વધારે નહીં હોય, પણ લોકશાહી માટે આ ઝેરનાં ટીપાં છે. તે પૂરો માહૌલ વિષાક્ત કરી શકે. અત્યારે આગામી ચૂંટણી સૌની નજરમાં છે પણ સંસદીય લોકશાહી માટે આપણે કેટલા યોગ્ય છીએ એ સળગતા સવાલનું આત્મમંથન તો કરવું જ પડશે.{vpandya149@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.