સંબંધમાં મધુરપ:એકબીજા સાથે ન બોલતી વહુઓ એક થાળીમાં જમતી થઈ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતના એ પરિવારો જેમણે દરેક નાની-મોટી સમસ્યાનો ઉકેલ સાથે મળીને કાઢ્યો

મારા બે પુત્રોનાં લગ્ન કર્યાં ત્યારે શરૂઆતમાં બંને પુત્રવધૂઓનો એકબીજા પ્રત્યેનો વ્યવહાર સારો નહોતો. એક સમયે બંનેએ બોલવાનું બંધ કરી દીધું. ઘરમાં કંઈ વસ્તુ લાવવાની કે બનાવવાની હોય તો બંને વહુઓ બીજાં માધ્યમો દ્વારા સંદેશો મોકલાવી દે, પણ એકબીજા સામે વાતચીત કરવાનું ટાળે. એ દરમિયાન અમે ઘરસભા શરૂ કરી. શરૂઆતમાં હું અને મારી પત્ની ભેગાં થઈને ઘરસભા કરતા. મારી પુત્રવધૂઓ ઘરસભામાં બેસતી નહોતી. હા, મારા દીકરાઓ સભામાં આવતા, પરંતુ તેમની પત્નીઓ તેમને બોલાવી લેતી. ધીમે ધીમે ઘરસભામાં વંચાતા પ્રસંગો પુત્રવધૂઓ પણ સાંભળવા લાગી. એ સાંભળ્યા પછી તેમને થોડું સારું લાગ્યું અને એ લોકો પણ ઘરસભામાં આવતાં થયાં. અરે, સભામાં બેસવાથી બંને પુત્રવધૂઓ વચ્ચેના અબોલા તૂટી ગયા અને તેઓ ઘરનું કામ સંપીને કરવા લાગ્યાં. નવાઈની વાત તો એ છે કે આજે બંને પુત્રવધૂઓ એક જ થાળીમાં જમે છે. હવે તેમની વચ્ચે દેરાણી-જેઠાણી નહીં, પણ સગી બહેનોનો સંબંધ બંધાઈ ગયો છે. આજે અમારું 9 વ્યક્તિઓનું કુટુંબ સંપીને રહે છે અને તેનું મુખ્ય કારણ છે ઘરસભા. - નરેન્દ્રભાઈ સોની, વિસનગર

-----------------

પરિવાર પ્રગતિના પંથે

​​​​​​​કુટુંબમાં વ્યસનો દૂર થયાં, ભણતરનું મહત્ત્વ વધ્યું

પરિવાર હોય એટલે નાનો-મોટો કંકાસ રહે. અમે પણ આવા પારિવારિક કંકાસનો ભોગ બન્યાં હતાં. ઘરમાં ખૂબ જ ઝઘડા થતા, પણ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી શરૂ કરેલી ઘરસભાથી અમારું જીવન બદલાયું છે. એક સમય એવો હતો કે અમે ક્યારેય ઘરમાં સાથે બેસતાં નહોતાં, પણ ઘરસભાએ અમને એકબીજા પ્રત્યેનો પ્રેમ સમજાવ્યો. અમારાં બાળકો હવે સરસ રીતે ભણે છે. આજુબાજુનાં બાળકો પણ ઘરસભામાં આવે છે. તેમને પણ એમાં ખૂબ જ આનંદ આવે છે. મારા માતા-પિતા ઘરસભામાં આવે છે. અમારા પરિવારમાં ભણતરનું કંઈ મહત્ત્વ નહોતું અને પરિવારનું ભણતર પણ ખૂબ ઓછું, પરંતુ ઘરસભા શરૂ થઈ ત્યારે માતા-પિતા મને ભણવા માટે પ્રોત્સાહન આપે છે. ઘરસભાથી માતા-પિતાનાં વ્યસન પણ દૂર થયાં છે. અમારા ઘરમાં ઘરસભાએ અજવાળું પાથરી દીધું છે. - અજિતભાઈ ગમાર, પોશીના, સાબરકાંઠા

​​​​​​​-------------------

પરિવારને મળી પ્રેરણા

પિતા દાખલ હતા ત્યારે ICUમાં ઘરસભા કરી

2015માં મેં ઘરસભાની શરૂઆત કરી ત્યારે મારી સાથે ફક્ત મારાં માતા જ ઘરસભામાં જોડાયાં. પિતાજીને ઘરસભામાં રસ નહોતો છતાં અમે ઘરસભા ચાલુ રાખી. ધીરે ધીરે પિતાજીમાં ઘરસભાનો ગુણ આવ્યો અને તેઓ ઘરસભામાં જોડાયા. થોડા સમય પછી મારા પિતાને ટીબીની તકલીફ થઈ, જેથી તેમને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવા પડ્યા. એ વખતે આઈસીયુમાં ઘરસભા જોઈને આસપાસનાં વ્યક્તિઓને પણ આશ્ચર્ય થયું. સાત દિવસ પિતાજીને હોસ્પિટલમાં રાખ્યા તે દરમિયાન જેટલાં સગાં-સંબંધીઓ ત્યાં મળવા આવતાં તેમને અમે ઘરસભાની વાત કરીએ અને સમય થાય ત્યારે ઘરસભા પણ અચૂક કરીએ જ. તેની એક મોટી અસર એ થઈ કે અત્યારે એવાં ઘણાં સગાં-સંબંધીઓ છે કે જેઓ ઘરસભા કરતા થયાં છે. લગ્ન હોય, કોઈ કાર્યક્રમ હોય અથવા બીજું કોઈ પણ કાર્ય હોય છતાં પણ અમે નિયમિત ઘરસભા કરીએ છીએ- હિરેશભાઈ પટેલ, આણંદ

---------------

સ્વભાવ સુધર્યા

​​​​​​​સાસુ-વહુના સંબંધોમાં મીઠાશ આવી ગઈ

પાંચ વર્ષ પહેલાં મેં ઘરસભાની શરૂઆત કરી, એ પહેલાં ઘરનું વાતાવરણ અને અમારા સ્વભાવ કેવા વિપરીત હતા તે આજે યાદ આવે છે. મારી પત્નીને તો ઘરસભામાં જરાય રસ નહોતો. ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવને કારણે સાસુ-વહુમાં દરરોજ મતભેદ થાય, પણ દોઢેક વર્ષ પછી તેઓ ઘરસભામાં બેસતાં થયાં અને પરિવર્તનનો દોર શરૂ થયો. ગુસ્સો દૂર થયો અને સંબંધો સુમેળભર્યા બન્યા. આજે ઘરમાં કોઈનાથી કંઈ પણ ભૂલ થાય તો કોઈ ગુસ્સે થતાં નથી. મારી પત્ની કહે છે કે, ‘ઘરસભાથી મારા જીવનમાં સત્સંગ અને સમજણ આવી, જેથી મારો સ્વભાવ સુધર્યો.’ આજે અમારા ઘરમાં શાંતિ છે, ઘરસભા ન કરતાં હોત તો કાયમ અશાંતિ જ રહેતી. માત્ર પાંચ જ વર્ષમાં મેં અમારા ઘરને બદલાતું જોયું છે, સમજણ અને શાંતિથી લીંપાતું જોયું છે. ઘરસભાએ અમારા પર જે ઉપકાર કર્યા છે તેનું ૠણ ક્યારેય ચૂકવી શકાય તેમ નથી.- દિવ્યાંગભાઈ માસ્ટર, વડોદરા

અન્ય સમાચારો પણ છે...