મેનેજમેન્ટની abcd:પહેલા દિવસથી જ સર્વોત્તમ કલ્ચર

બી.એન. દસ્તૂર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડિમેનેજમેન્ટ વિશે એવી માન્યતા છે કે એ ખૂબ જ ગહન વિષય છે. નવા સ્ટાર્ટ અપને આ માન્યતા સતાવતી રહે છે. અસરકારક મેનેજર ખૂબ મોંઘા છે અને નવા નિશાળિયા પાસે નણાંની તંગી છે. એને શું કરવું, શું ન કરવું એ સમજાતું નથી. હકીકત એ છે કે શરૂઆતથી સર્વોત્તમ કલ્ચર બનાવનાર સ્ટાર્ટ અપને મોંઘા મેનેજરની જરૂર પડતી નથી. પહેલે દિવસથી જ એવું કલ્ચર બનાવવું જોઇએ જ્યાં : લેટરલ કમ્યુનિકેશનનો માહોલ હોય. કોઇ પણ શેહ કે શરમ વિના, દરેક વ્યક્તિ એના વિચારો, તુક્કાઓ, સૂચનો ઉચ્ચ મેનેજમેન્ટને પહોંચાડી શકે. દરેક કર્મચારીનું સ્ટેટસ ‘નોલેજ વર્કર’નું હોય. દરેક નોલેજ વર્કરને એવું સિગ્નલ મળતું રહે કે એ જે કંઇ કરે છે તે, કંપની માટે ખૂબ જ અગત્યનું છે. દરેક નોલેજ વર્કરને એની આવડત મુજબનું કામ આપવામાં આવે. દરેક નોલેજ વર્કરને એનું કામ અસરકારક રીતે કરવા માટે રીસોર્સ અને રીસોર્સ વાપરવાની તાલીમ મળતી રહે. જરૂરી જોખમો ઉઠાવવાની છૂટ હોય. વાવાઝોડાની જેમ આવી પડતાં પરિવર્તનો, ચેન્જમાં છુપાયેલી તકો શોધવાની આદત જ પડી ગઇ હોય. લર્નિંગનો માહોલ હોય. ટેલન્ટ ઇન્ટરવ્યૂ કરવાની તાલીમ આપવામાં આવતી હોય. અસરકારક નોલેજ વર્કરોને રીસોર્સ અને એ વાપરવાની તાલીમ આપી છૂટા મૂકવામાં આવતા હોય. પ્રમોશનો આપવા પહેલાં નવી જવાબદારી કેવી રીતે, કોની મદદથી નિભાવવી એની તાલીમ આપવામાં આવતી હોય. કોનફ્લિક્ટ કન્સ્ટ્રક્ટિવ હોય. કોણ સાચું છે એ નક્કી કરવાને બદલે શું સાચું છે એ શોધવાના પ્રામાણિક પ્રયત્નો બંને પક્ષે થતા રહે. અગત્યના નિર્ણયો ઉપર અમલ કરતા પહેલાં એનો કોસ્ટ-બેનિફિટ રેશિયો શોધવા માટે, અલગ અલગ વિભાગના નોલેજ વર્કરોની ક્રોસ ફંક્શનલ ટીમ બનાવવાનો શિરસ્તો હોય. સંસ્થાની અસરકારકતા ઉપર અસર કરતાં ત્રણ વાઇરસ- ગ્રૂપ થિંક, ગ્રૂપ શિફ્ટ અને ડિફેન્સિવ રુટિનની બાદબાકી કરવામાં આવતી હોય. નોલેજ વર્કરોના વર્ક-લાઇફ બેલેન્સની ઇજ્જત કરવામાં આવતી હોય. એ હકીકતનો સ્વીકાર કરવામાં આવતો હોય કે દરેક નોલેજ વર્કરની પ્રથમ પ્રાયોરિટી એનું કુટુંબ છે. બીજે નંબરે એની કારકિર્દી છે અને સંસ્થાનો નંબર ત્રીજો છે. વર્ષમાં બે વાર એવો એનોનિમસ સર્વે કરવામાં આવતો હોય, જેમાં દરેક નોલેજ વર્કર, પોતાનું નામ લખ્યા વિના કંપનીએ શું કરવાનું શરૂ કરવું જોઇએ, શું કરવાનું બંધ કરવું જોઇએ, શું ચાલુ રાખવું જોઇએ અને શું સુધારવું જોઇએ એના સૂચનો કરે. જ્યાં ગ્રાહકોને સર્વિસ આપતા, ખુશ રાખતા, મદદ કરતા કર્મચારીઓની ખૂબ ઇજ્જત કરવામાં આવતી હોય. છ દાયકાના મારા અનુભવ ઉપર આધારિત સર્વોત્તમ કલ્ચર બનાવવાના આ કદમો ઉપર અમલ કરો, તો ભયો ભયો. પ્રતિભાવો, સવાલોનું સ્વાગત છે. ⬛ baheramgor@yahoo.com