તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજવાળાનો ઓટોગ્રાફ:અસ્તિત્વની લડાઈ ક્યારેય વ્યક્તિગત નથી હોતી

ડૉ. નિમિત્ત ઓઝા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી મોટો કારાવાસ આપણા મન, વિચારો અને અભિગમનો હોય છે

ત્રણ વર્ષ પહેલા 90ની ઉંમરે પહોંચેલાં મહિલા સાયકોલોજિસ્ટ ડો. એડીથ ઈગરે પોતાનું પહેલું પુસ્તક પ્રકાશિત કર્યું. તાજેતરમાં 93 વર્ષની ઉંમરે પોતાનું બીજું પુસ્તક ‘ધ ગિફ્્ટ’ પ્રકાશિત કરીને તેમણે માનવજાતિ પર એક બહુ મોટો ઉપકાર કર્યો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં અત્યાચાર, ક્રુરતા અને હિંસાનો ભોગ બનવા છતાં પણ જીવિત રહેલા ડો. એડીથ ઇગરે પોતાના બીજા પુસ્તકમાં જીવન ટકાવી રાખવાના અમૂલ્ય પાઠ શેર કર્યા છે. જ્યારે એડીથને ઓશ્વીટ્ઝના કોન્સન્ટ્રેશન કેમ્પમાં લઈ જવામાં આવ્યાં, ત્યારે તેમની ઉંમર ફક્ત 16 વર્ષની હતી. પોતાનાં મમ્મી સાથે તેઓ એક લાંબી કતારમાં ઊભાં હતાં. કતારમાં ઊભેલા લોકોની ઉંમર, શારીરિક બાંધો અને મજૂરી કરી શકવાની ક્ષમતાના આધારે નાઝી ઓફિસર્સ નક્કી કરતા કે તેમને કેમ્પમાં ગુલામી કરવા માટે મોકલવા કે ગેસ ચેમ્બરમાં મૃત્યુ માટે. વૃદ્ધ અને અશક્ત લોકોને ડાબી બાજુની લાઈનમાં મોકલી દેવામાં આવતા. એ લાઈનમાં રહેલા લોકોને ગેસ ચેમ્બરમાં લઈ જવાતા, જ્યાં ઝેરી ગેસ છોડીને તેમને ગૂંગળાવી દેવામાં આવતા. ટૂંકમાં, ડાબી લાઈન એટલે મૃત્યુ. જમણી લાઈન એટલે ગુલામી. યુવાન હોવાથી એડીથને જમણી લાઈનમાં મોકલી દેવામાં આવ્યાં. તેમની પાછળ ઊભેલી સ્ત્રી તરફ ઈશારો કરીને એક નાઝી ઓફિસરે એડીથને પૂછ્યું, ‘આ તારી બહેન છે કે મમ્મી ?’ એમનાં મમ્મીનાં વાળ થોડા સફેદ હતાં, પણ ચહેરો યુવાન હતો. કદાચ તેઓ એડીથનાં સિસ્ટર તરીકે જમણી લાઈનમાં પહોંચી શક્યાં હોત પણ એ સમયે એડીથને જમણી અને ડાબી લાઈન વચ્ચેનો તફાવત નહોતી ખબર. એ ક્ષણે એમને બસ એટલી ખબર હતી કે તેમના શરીરનો દરેક કોષ એ પાછળ ઊભેલી સ્ત્રીના ગળાડૂબ પ્રેમમાં છે અને એમના મોંઢામાંથી નીકળી ગયું કે, ‘એ મારાં મમ્મી છે.’ આ શબ્દો ઉચ્ચાર્યા બાદ તરત જ એડીથને રીયલાઈઝ થયું કે એ સ્ત્રીને ‘મમ્મી’ કહીને તેમણે એક ભયંકર ભૂલ કરી નાખી છે, પણ ત્યારે બહુ મોડંુ થઈ ચૂક્યું હતું. નાઝી ઓફિસરે તાત્કાલિક તેમનાં મમ્મીને ડાબી લાઈનમાં ધકેલી દીધાં અને એક મોટી ગાડીમાં બેસાડીને તેમને ગેસ ચેમ્બર તરફ લઈ જવાયાં. એ દિવસ એડીથ આજ સુધી ભૂલી નથી શક્યાં. પોતાનાં મમ્મીને ‘મમ્મી’ કહેવાની આટલી મોટી સજા મળશે, એ તેમણે ક્યારેય વિચારેલું નહીં. એડીથ પોતાનાં પુસ્તકમાં લખે છે કે, ‘જવાબ આપતાં પહેલાં જો મેં થોડુંક વિચાર્યું હોત, તો કદાચ હું મમ્મીનો જીવ બચાચી શકી હોત.’ કોન્સન્ટ્રેશન કેમ્પમાં પહોંચીને એડીથે સૌપ્રથમ મનોમન મમ્મીની માફી માંગી કે, ‘તને મૃત્યુ તરફ ધકેલવા બદલ મને માફ કરી દેજે.’ એડીથના જીવનમાં બનેલો આ કિસ્સો તો એમણે વેઠેલી યાતનાની એક નાની એવી ઝલક છે. એમનું બાકીનું પુસ્તક તો રુવાંડા ઊભા કરી દે તેવું છે. આટલી બધી યાતનાઓ જીરવ્યાં પછી પણ અડીખમ રહેલા એડીથે આપણને આપેલો બોધપાઠ અમૂલ્ય છે. તેઓ લખે છે કે,‘કોઈની યાતના વધારે કે ઓછી નથી હોતી. દરેકની પીડા એકસરખી જ હોય છે.’ આટલા અત્યાચાર અને ક્રૂરતા વચ્ચે ટકી શક્યાંનું રહસ્ય સમજાવતાં તેઓ લખે છે કે, ‘કપરા સંજોગોમાં ટકી રહેવા માટે કોમ્પિટિશનની નહીં, કોઓપરેશનની જરૂર પડે છે.’ વિકટ સંજોગોમાં સર્વાઈવ થવાનો એક જ રસ્તો છે, સહકાર અને સહાય. આ ફક્ત તેમણે લખ્યું નથી, જીવી બતાવ્યું છે. યુવાન વય અને આકર્ષક દેખાવ હોવાથી કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાઝી ઓફિસરે તેમને નૃત્ય કરવાનું કહેલું. શરત એવી હતી કે પોતાના નૃત્ય દ્વારા જો તેઓ નાઝી ઓફિસર્સને ખુશ કરી શકે, તો તેમને ઈનામ મળશે. નહીં તો મૃત્યુદંડ. આ વાતને અત્યાચાર તરીકે લેવાને બદલે તેમણે પડકાર તરીકે લીધી. તેમણે લખ્યું છે કે, ‘મેં ધારી લીધું કે મને કોઈ વિશાળ સ્ટેજ પર પર્ફોમ કરવાની તક મળી છે અને મારી સામે એક હજાર લોકોનું ઓડિયન્સ બેઠેલું છે. તેઓ ટિકિટ ખર્ચીને મારો ડાન્સ જોવા આવ્યા છે એવું વિચારીને મેં નૃત્ય કરવાનું શરૂ કર્યું.’ એમનાં નૃત્યથી ખુશ થઈને નાઝી ઓફિસરે તેમને ઈનામમાં બ્રેડની એક સ્લાઈસ આપી. બે દિવસથી ભૂખ્યાં હોવા છતાં એડીથે બ્રેડની એ સ્લાઈસ પોતાના સાથીઓમાં વહેંચી દીધી. આ પરોપકારનો બદલો એ મળ્યો કે એ જ સાથીઓએ ભવિષ્યમાં તેમનો જીવ બચાવ્યો. ‘મૃત્યુ પરેડ’ દરમિયાન થાકને કારણે ફસડાઈ પડેલી એડીથને આ જ સાથીઓએ પોતાના ખભા પર ઊંચકી લીધી અને છેક ઓસ્ટ્રિયા સુધી પહોંચાડી. આટલી યાતનામાંથી પણ હેમખેમ બહાર નીકળેલાં એડીથ કહે છે કે અસ્તિત્વની લડાઈ ક્યારેય વ્યક્તિગત નથી હોતી, એ હંમેશાં સામૂહિક હોય છે. અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે એકબીજા પર નિર્ભર છીએ. હરિફાઈમાં ઉતરીને આપણું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવું શક્ય નથી. સહાય અને સહકાર દ્વારા સામૂહિક અસ્તિત્વનો ભાગ બનવું, એ જ ટકી રહેવાનો ગુરુમંત્ર છે. પ્રેમ એ નથી જે તમે અનુભવો છો. પ્રેમ એ છે જે તમે જતાવો છો. એ કોન્સન્ટ્રેશન કેમ્પ હોય કે કોવિડ, સાયકોલોજિસ્ટ ડો. એડીથ કહે છે કે સૌથી મોટો કારાવાસ આપણા મન, વિચારો અને અભિગમનો હોય છે અને એની ચાવી આપણા ખિસ્સામાં જ રહેલી હોય છે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...