અંદાઝે બયાં:લેખક, લેખની ને લોહી ખામોશ, બહુત હુઇ આઝાદી!

સંજય છેલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ ભીડની સામે ચીડ ના ચાલે. (છેલવાણી) હેન્તીક હૈને નામના જર્મન કવિ-લેખકે છેક 18મી સદીમાં કહેલું: ‘જે સમાજમાં આજે પુસ્તકો બાળવામાં આવે છે, ત્યાં એક દિવસ માણસને બાળવામાં આવશે!’ ત્યારે હેન્તીકને ખબર નહીં હોય કે જેમ જેમ સમય વીતશે તેમ તેમ એની વાત વધુ ને વધુ સાચી પડતી જશે. આજકાલ દુનિયાભરમાં લેખકો, વિચારકો, કાર્ટૂનિસ્ટો સામે વિરોધ ને હિંસક હુમલાઓ થઇ રહ્યા છે ને ફિલ્મોના બહિષ્કાર કરવાની મોસમ ચાલે છે. સોશિયલ મીડિયાની આજની બોલકી લોકશાહીમાં પોતાના ‘વિરોધ કરવાના હક’નો હવાલો આપીને સતત બહિષ્કારનું હથિયાર અજમાવાય છે…અને એ પણ જોકે એક જાતની પ્રતિ-આઝાદી જ છે ને? આ બધું કંઇ આજનું નથી, સદીઓ પહેલાં મહાન ચિંતક સોક્રેટિસે પણ ઝેર પીવું પડેલું કારણ કે ત્યારનો સમાજ એના વિદ્રોહી વિચારથી સહમત નહોતો. હમણાં 12મી ઓગસ્ટે ઇન્ટરનેશનલ લેખક સલમાન રશ્દી પર અમેરિકાના ન્યૂયોર્કની એક સભામાં ઝનૂની યુવક દ્વારા ચાકુથી ગળા ને પેટ પર વાર કરવામાં આવ્યો કારણ કે સલમાને 1988માં ‘સેતાનિક વર્સિસ’ નામની વિવાદાસ્પદ નવલકથા લખેલી ને ઇસ્લામી કટ્ટરવાદીઓની લાગણી દુભાયેલી! ત્યારે ઇરાનના ખોમૈનીએ 2 મિલિયન ડોલરનું ઇનામ સલમાનની હત્યા માટે જાહેર કરેલું. એ કિતાબને 13થી વધુ દેશમાં બેન કરવામાં આવેલી ને દુનિયામાં સૌથી પહેલો પ્રતિબંધ આપણે ત્યાં ત્યારની કોંગ્રેસ સરકારે મૂકેલો! સલમાન, મૂળે મુંબઇમાં ઉછરેલ ભારતીય અંગ્રેજી લેખક છે. એમની ભારત-પાક ભાગલા વિશેની મશહૂર નવલકથા ‘મિડનાઇટ્સ ચિલ્ડ્રન’ને 1981માં ‘બુકર પ્રાઇઝ’ મળેલું ને પછી એ જ કિતાબને ‘બેસ્ટ નોવેલ ઓફ ઓલ વિનર્સ’ ગણીને બીજી વાર ‘સ્પે. બુકર પ્રાઇઝ’ મળેલું…પણ ખેર, 1988થી સલમાન, અનેક દેશમાં છુપાઇને ફરતા રહ્યા ને આખરે હવે અમેરિકાના મેનહટ્ટન શહેરમાં રહે છે. એમની જાન પરનું ઇનામ હવે વધીને અઢી મિલિયન ડોલર થઇ ગયું છે! વળી, ભારતમાં 2012ના ‘જયપુર લિટરેચર ફેસ્ટિવલ’માં સલમાનને સુરક્ષા મુદ્દે અચાનક અંદર જતા રોકવામાં આવેલા ને એમની કિતાબમાંથી અમુક અંશ બીજા લેખકોએ વાંચ્યા પછી તો આખેઆખો ફેસ્ટિવલ જ રોકી દેવામાં આવેલો! આવું જ બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન સાથે પણ થયેલું. 1990માં એમનાં વિવાસ્પદ લખાણોને કારણે ત્યાંના કટ્ટરો દ્વારા એમની જાન લેવાનો ફતવો બહાર પડેલો ને એમણે બાંગ્લાદેશ છોડવો પડેલો. લગભગ 14 વરસ યુરોપના અનેક દેશોમાં છુપાઇને દેશવટો ભોગવેલો. પછી અમેરિકામાં ગયાં તો ત્યાંથીયે તગેડી મૂકવામાં આવેલાં. 2008થી તસ્લીમા, ખાસ વિઝા હેઠળ દિલ્લીમાં સુખરૂપ જીવે છે જે બહુ મોટી વાત છે. ઇન્ટરવલ મેરી આવાઝ સૂનો, પ્યાર કા રાઝ સૂનો! (કૈફી આઝમી) આપણે ત્યાં તો 2015માં એક તામિલ લેખકે જાહેર નિવેદન આપેલું: ‘આજથી હું લેખક તરીકે મને મરેલો ઘોષિત કરું છું. હું વ્યકિત તરીકે, શિક્ષક તરીકે જીવીશ, પણ મારા બધાં જ પુસ્તકો હું પાછાં લઉં છું, મારા પ્રકાશકોને બધી જ કોપીઓ પાછી લેવા માટે વિનંતી કરું છું ને જે નુકસાન થશે તે એમને આપી દઈશ. પણ મને અને મારા પરિવારને શાંતિથી જીવવા દો- આજ પછી હું એક પણ અક્ષર લખીશ નહીં.’ ખુદને જીવતા જીવત ‘લેખક’ તરીકે મૃત-મરેલો જાહેર કરનાર, આ પેરૂમલ મૂરૂગન નામનો લેખક તામિલ ભાષાનો વિદ્વાન છે. 2015માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એને મળવાનો હતો પણ પછી ના અપાયો. કારણ? એ જ કે 2010માં એણે લખેલી ‘માથારૂબગાન’ નવલકથામાં સંતાનવિહીન કપલ અને તિરૂચેંગોડે નામના તીર્થની વાત છે. એ વાર્તામાં એણે અમુક વિચિત્ર રૂઢિઓની વાત લખેલી કે એક જમાનામાં વાંઝણી સ્ત્રીઓ ત્યાં અજાણ્યા પુરુષ સાથે સંબંધ બાંધીને સંતાન પેદા કરતી, વગેરે...અને એ સંતાનને ‘સામી પીલે’ એટલે કે ‘ઈશ્વરનાં સંતાન’ એમ કહેવાતું. આ વાતથી મહાલિંગમ નામના નેતાને વાંધો પડ્યો ને 26મી ડિસેમ્બર 2014ના રોજ પેરૂમલનાં પુસ્તકોની અસંખ્ય કોપીઓ સળગાવવામાં આવી! પેરૂમલના વિરોધમાં તિરૂચેંગોડે ગામમાં બંધ પાળવામાં આપ્યો. પેરૂમલને જાતજાતની ધમકીઓ અપાઇ, એને બેરહેમીથી ધક્કે ચઢાવાયો, એના ઘર પર પથ્થરબાજી થઈ. આમાં પોલીસવાળાઓએ એને જરાયે સાથ ના આપ્યો! પછી 12મી જાન્યુ. 2015એ એક ‘શાંતિ-સભા’માં પેરૂમલ પાસે જબરદસ્તીથી ‘માફી-પત્ર’ પર સહી લેવડાવવામાં આવી કે ‘હવે એ આવું નહીં લખે ને લખેલું પાછું લેશે..’ પછી થાકી, હારી, કંટાળીને લેખકે, ખુદમાં રહેલા લેખક-વિચારકને ખતમ જ કરી નાખ્યો ને જાહેરમાં લેખક તરીકે ‘આત્મા’ની આત્મહત્યા કરી નાખી! આ બધામાં કોઇ સમાજ બાકાત નથી. યુગોથી દરેક દેશના, દરેક સમાજને અલગ અવાજ બર્દાશ્ત નથી થતો. ટોળાંની કિકિયારીથી એને ડરાવી, ધમકાવી કે મારી નાખીને ચૂપ કરવામાં આવે છે. એ વખતે દરેક દેશની સરકારો, ટોળાં સામે ચૂપ જ રહે છે. એક ગર્ભવતી સ્ત્રી, જ્યોતિષ પાસે ગઈ. જ્યોતિષે કહ્યું, ‘એક બૂરી ખબર છે ને એક સારી ખબર છે. બૂરી ખબર એ કે- તને જોડકાં બાળકો જન્મશે પણ એમાંથી એક મૂંગું હશે ને બીજુ બહેરું!’ તો સ્ત્રીએ રડીને પૂછ્યું, ‘હવે આ પછી સારી ખબર શું છે?’ જ્યોતિષે કહ્યું, ‘એક ઉપાય છે. તું મૂંગા બાળકનું નામ ‘પ્રજા’ રાખજે ને બહેરા બાળકનું નામ ‘સરકાર’. પ્રજા સવાલ પૂછશે નહીં, સરકાર જવાબ આપશે નહીં! પછી બેઉ સુખેથી જીવશે..’ એન્ડ ટાઇટલ્સ ઇવ:…મને બોલવા-લખવાની આઝાદી છે! આદમ:..ને મને બહિષ્કાર કરવાની, ઓકે!{ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...