આંતરમનના આટાપાટા:સુખની એ ક્ષણ - નિજાનંદની મસ્તી

ડૉ. જય નારાયણ વ્યાસ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક ભારતીય ધનપતિના નામે લખાયેલો એક કિસ્સો મને કોઈકે મોકલાવ્યો. વાત છે તેમના એક રેડિયો ઇન્ટરવ્યૂની. પ્રશ્નકર્તા એમને પૂછે છે કે અત્યાર સુધીમાં એમના જીવનની સૌથી વધુ ખુશીની અને યાદગાર ક્ષણ, જે એમના સ્મરણપટ પર અંકિત હોય તે કઈ? પ્રશ્નકર્તાનો ઉદ્દેશ્ય કદાચ એમના જીવનની અત્યંત આહ્્લાદક અને સુખી ક્ષણ તેમજ એ ઘટના પાછળનાં કારણોને ફંફોસવાનો હશે. કદાચ એની અપેક્ષા હશે કે તેઓ પોતાના જીવનમાંથી એકાદ યાદગાર પ્રસંગ ટાંકીને જવાબ આપી દેશે. કદાચ વધુમાં વધુ તો એ પ્રસંગ યાદગાર કેમ હતો તે અંગેનાં સંસ્મરણો વાગોળશે. પેલા ધનપતિનો જવાબ આ અનુભવી રેડિયો ઇન્ટરવ્યૂઅરને ધાર્યા કરતાં સાવ જુદો જ મળ્યો. જવાબ થોડો હટકે હતો. ધનપતિ કહી રહ્યા હતા કે તેઓ જીવનમાં ખુશીના ચાર તબક્કામાંથી પસાર થયા છે અને એને અંતે પોતે સુખ શેને કહી શકાય તેનો અર્થ સમજ્યા છે. પેલા રેડિયો જોકીને આ જવાબથી આશ્ચર્ય થયું અને એણે પૂછ્યું કે સાચા સુખની અનુભૂતિ તબક્કાવાર થાય છે એમ આપ કહો છો તો એ વિશે જરા લંબાણથી સમજાવશો અને આખરે આપને સાચા સુખનો અર્થ ક્યારે સમજાયો એ વિશે પણ કહેશો? ધનપતિએ જવાબ આપતા કહ્યું કે પોતે પહેલા તબક્કે સંપત્તિ અને સંસાધનો એકઠાં કરવાની હોડમાં એને જ સાચું સુખ સમજી બેઠા, પણ એમની એ માન્યતા ભ્રામક હતી. સંપત્તિ અને સંસાધનોમાંથી સાચું સુખ જે નિર્મળ આનંદ તરફ લઈ જાય તેમને મળી શક્યું નહીં. હવે પછીનો તબક્કો એટલે બીજું પગથિયું મહામૂલી કિંમતી વસ્તુઓ, મોંઘીદાટ કાર, એન્ટિક આઈટમો, હીરાઝવેરાત વગેરે ભેગાં કરવા તરફ તેઓ વળ્યા. આ કિંમતી વસ્તુઓ અને સુખને કોઈ તાલમેલ ન હતો. એમના કહેવા મુજબ બીજા તબક્કે પણ સુખની અનુભૂતિ ન થઈ, ઉલટાનું એમને લાગ્યું કે આ બધી વસ્તુઓ જે સુખ આપે છે તે ક્ષણિક છે, એની ચમક ઘસાઈ જતા વાર નથી લાગતી અને એ અસર લાંબો સમય ટકતી નથી. એટલે આ તબક્કાનું સુખ પણ ટકાઉ નથી. એમની કંપની મોટા-મોટા પ્રોજેક્ટ હાથ ધરતી હતી. દેશમાં એમની સરખામણીમાં આવી શકે એવો કોઈ કોન્ટ્રાક્ટર કે પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર નહોતો અને એટલે કોઈ હરીફ ન હતો. એ સમયે તેઓ ભારત અને એશિયાની સૌથી મોટી સ્ટીલ ફેક્ટરીના માલિક હતા. ભારત અને આફ્રિકામાં ડીઝલનો 90 ટકા પુરવઠો તેમના કાબૂ હેઠળ હતો, પણ આમાંય કોઈ સુખ ન દેખાયું. આ તો ઉલટાની જળોજથા હતી. આ બધું એમને કોઈ વિશિષ્ટ આનંદ આપી શકતું નહોતું. એટલે અહીંયાં પણ એમની સુખની શોધ પૂરી ન થઈ. સામે ચાલીને હવે ચોથું પગલું ઊભું હતું. એક દિવસ અચાનક એમના એક મિત્ર આવી ચડ્યા. એ મિત્ર સમાજસેવી તરીકે કાર્યરત હતા. એમણે આ ધનકુબેર પાસે એક નાનકડી માંગણી મૂકી, કેટલાંક અપંગ બાળકો માટે વ્હીલચેર આપવાની. આમ જોઈએ તો આ ધનકુબેરની ક્ષમતા જોતા આ માંગ સાવ ક્ષુલ્લક હતી. બાળકોની સંખ્યા લગભગ 200 હતી. પેલા ધનકુબેરે આ બધાં જ બાળકો માટે સારામાં સારી ક્વોલિટીની વ્હીલચેર ખરીદી આપી. હવે પેલા મિત્રે એમને આગ્રહ કર્યો કે તેઓ એની સાથે જાય અને બાળકોને પોતાના સ્વહસ્તે આ વ્હીલચેર ભેટ આપે. પેલા ધનકુબેરને લાગ્યું કે આમાં શું વાંધો! એટલે એ તૈયાર થઈ પેલા મિત્રની સાથે ગયા. એમણે વ્હીલચેર વહેંચી ત્યારે આ અપંગ બાળકોના ચહેરા પર ખુશીની એક ગજબની ચમક જોઈ. બધાં વ્હીલચેરમાં બેસીને મજા કરતા હતાં જેનો સ્વર્ગીય આનંદ એમના ચહેરા પર દેખાતો હતો. તેમને લાગ્યું કે ખરેખર તેઓ કોઈ રમતના મેદાન પર અથવા તો પિકનિક સ્પોટ પર પહોંચ્યા હતા જ્યાં તેઓ જીતવાવાળી ટીમને વિજેતા ભેટ વહેંચી રહ્યા હતા. પેલા ધનપતિ ખુશખુશાલ થઈ ગયા. એમના દિલમાં આનંદની ઝરણી ફૂટવા માંડી જે થોડા સમયમાં ધોધ બની અને સમગ્ર અસ્તિત્વને ભીંજવી રહી હતી. કાર્યક્રમને અંતે ધનપતિ જ્યારે જગ્યા છોડી રહ્યા હતા ત્યારે એક બાળકે તેમનો પગ પકડી લીધો. પેલા ધનપતિ ધીમે-ધીમે એમનો પગ છોડાવવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ બાળકે તેમના ચહેરા તરફ જોયું અને પગ ઉપરની તેની પકડ વધુ મજબૂત બનાવી. એમણે ઝૂકીને બાળકને પૂછ્યું, ‘તમને બીજું કંઈ જોઈએ છે?’ આ બાળકે તેમને જે જવાબ આપ્યો એનાથી આ ધનપતિ આશ્ચર્યચકિત થઈ ગયા. આ બાળકના જવાબે તો જીવન પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલી નાખ્યો. બાળકે એવું તો શું કહ્યું હશે? બાળકનો જવાબ હતો, ‘હું તમારો ચહેરો યાદ રાખવા માંગું છું જેથી હું તમને સ્વર્ગમાં મળું ત્યારે તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું.’ પેલા ધનપતિ સુખદ આશ્ચર્યમાં ખોવાઈ ગયા. આ જવાબે એમને નિજાનંદની મસ્તીની અને સંપૂર્ણ સુખની અનુભૂતિ કરાવી. બાળકનો જવાબ એક નિર્દોષ અને નિખાલસ દિલનો એકરાર હતો. આ જવાબ પેલા ધનપતિ માટે જીવનભરનું સંભારણું બની રહ્યું. કહેવાય છે કે ધનનો ઉત્તમ ઉપયોગ દાન છે, જે જરૂરિયાતમંદને ઈશ્વરના આશીર્વાદ થઈને વરસે છે. ધનનો મધ્યમ ઉપયોગ પોતાની વ્યાજબી જરૂરિયાતો પૂરી કરવા માટે થાય છે. આ બે ઉપયોગમાં જો તમારું ધન કે સંપત્તિ ન વપરાય તો છેવટે તેનો નાશ થાય છે.⬛

અન્ય સમાચારો પણ છે...