તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યંગરંગ:ભયંકર ભુલકણાંઓ

ડો. પ્રકાશ દવે2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમે મારાં પત્ની નથી બોલતાં?’ ‘ના, મારા પતિ ઘેર જ છે. આ બેઠા. આપું એમને?’ સામેથી અવાજ મોટો થયો

એક દર્દી દવાખાને ગયો. ડોક્ટરની ચેમ્બરમાં બે જણ ઊભા હતા. ડોક્ટરની ખુરશી ખાલી હતી. એક જણે આ દર્દીને પૂછ્યું, ‘શું તકલીફ છે?’ ‘હું બધું ભૂલી જાઉં છું.’ ‘ઓકે.. ઘડીક બેસો. અમે બંને નક્કી કરી લઈએ કે અમારામાંથી કોણ ડોક્ટર અને કોણ કમ્પાઉન્ડર છે!’ *** ઘણાં લોકો ભયંકર ભુલકણાં હોય છે. બજારમાં ખરીદી કરવા ગયેલાં લોકો (અહીં પુરુષો એવું વાંચવું) કેટલીય વસ્તુઓ ખરીદવાની ભૂલી જતાં હોય છે, પણ આવાં લોકો સાદા ભુલકણાંની શ્રેણીમાં આવે. ભયંકર ભુલકણાંઓ પોતે કંઇક ખરીદવાનું ભૂલી ગયાં છે એ પણ ભૂલી જાય છે અને ઘણી વખત તો પોતે બજારમાં શું કામ આવ્યાં છે એ પણ ભૂલી જતાં હોય છે! બધું ભૂલી જવાની ટેવ સારી, પણ ચહેરા ભૂલી જવાની ટેવ બહુ ભયંકર, કારણ કે આમાં બે રીતે જોખમ ઊભું થાય છે. એક તો ઓળખીતા ચહેરાને ન ઓળખી શકીએ એટલે એને અપમાન જેવું લાગે છે અને અજાણ્યા ચહેરાને ક્યાંક જોયો હશે એવું માનીને થોડી નિકટતા બતાવીએ તો આપણે અપમાનજનક સ્થિતિમાં મુકાવું પડે છે. એક કંપનીના બોસને એની ઓફિસના પટાવાળાએ ‘તમે કોણ?’ એવું કહીને દરવાજે અટકાવ્યા. આ કિસ્સામાં બોસ, બોસ હોવા છતાં સજ્જન પણ હતા એટલે એણે પોતાની ઓળખાણ આપી. પટાવાળાએ માફી માગી લીધી. બીજા દિવસે અને ત્રીજા દિવસે પણ આ જ સિલસિલો ચાલ્યો ત્યારે ગુસ્સામાં આવી ગયેલા બોસે આ ભુલકણા પટાવાળાને નોકરીમાંથી કાઢી મૂકી હંમેશાં યાદ રહી જાય એવી સજા કરી. ભ. ભુ.ઓ ક્યારેક બીજા માટે આફતરૂપ બની જતાં હોય છે. એક ભ. ભુ.ને ઓફિસમાં કામ આવી જતા ઘેર જવાનું મોડું થાય એમ હતું. આ માણસ ભલે ભુલકણો હતો, પણ કુટુંબપ્રેમી પણ હતો એટલે એણે પત્નીને ફોન કરીને પોતાને મોડું થશે એવું કહી દેવાનું નક્કી કર્યું, પણ થયું એવું કે પત્નીનું નામ ભૂલી ગયો. નામ યાદ ન હોય એને નંબર તો ક્યાંથી યાદ હોય? આવી સ્થિતિમાં એણે કોઈ બીજી જ સ્ત્રીને ફોન લગાવ્યો. ‘હંસા, આજે ઓફિસમાં કામ વધારે છે એટલે મારે મોડું થશે. તમે લોકો જમી લેજો.’ ‘કોણ હંસા? કોણ બોલો છો?’ સામેથી કોઈ સ્ત્રીએ ભુલકણાંનો મોબાઈલ હલી જાય એવી ત્રાડ નાખી. ભુલકણાંને પોતાના ભુલકણાંપણાની ખબર હતી. સામે છેડે પત્નીને બદલે અજાણી સ્ત્રીનો અવાજ સાંભળ્યો તો પણ એને રાજીપો થયો કે હાશ, કમ સે કમ મોબાઈલમાંથી કોઈ સ્ત્રીનું નામ તો ડાયલ કર્યું. એક વાર તો પત્નીને બદલે કોઈ પુરુષને ફોન લગાડ્યો હતો! ‘તમે મારાં પત્ની નથી બોલતાં?’ ‘ના, મારા પતિ ઘેર જ છે. આ બેઠા. આપું એમને?’ સામેથી અવાજ મોટો થયો. ‘ના... સોરી...’ એમ કહી ભ. ભુ.એ ફોન તો મૂક્યો પણ ક્યાંય સુધી લમણે હાથ મૂકી વિચારતો રહ્યો કે તો હું કોનો પતિ છું? ભુલાયેલી યાદશક્તિ એક કલાકમાં પાછી આવી જાય એવી એક જડીબુટ્ટી હું તમને બતાવું છું. એનું નામ… એનું નામ… સરસ નામ છે પણ… અત્યારે જ યાદ નથી આવતું સાલંંુ! ⬛

અન્ય સમાચારો પણ છે...