તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવાન-એ-ખાસ:તેલગી કૌભાંડ : સત્ય કદી બહાર આવશે ખરું ?

વિક્રમ વકીલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાર્કો એનાલિસિસ ટેસ્ટમાં એક રાષ્ટ્રીય કક્ષાના, મોટા રાજકારણી વતી કામ કરતો હોવાનું તેલગીએ કબૂલ કર્યું હતું

હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ પરથી બનેલી વેબસિરીઝ અને ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યા પછી હવે કેટલાક નિર્માતાઓ સ્ટેમ્પ પેપર કૌભાંડ અથવા તો તેલગી કૌભાંડ તરીકે ઓળખાતા કેસ પરથી વેબસિરીઝ બનાવી રહ્યા છે. આ તબક્કે ઘણાંને તેલગી કૌભાંડ વિશે કદાચ પૂરી જાણકારી નહીં હોય. બનાવટી સ્ટેમ્પ પેપરો છાપીને અબજો રૂપિયાનું કૌભાંડ કરનારના મુખ્ય પાત્ર તરીકે અબ્દુલ કરીમ તેલગી હતો. 2001ના વર્ષમાં આ કૌભાંડ બહાર પડ્યું હતું. 2017ના વર્ષમાં જેલવાસ દરમિયાન જ તેલગીનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું. નવાઈની વાત એ છે કે 2008માં નાસિકની સેશન્સ કોર્ટે અબ્દુલ તેલગી અને બીજા છને કોઈ યોગ્ય પુરાવા ન હોવાથી નિર્દોષ જાહેર કર્યા હતા. કર્ણાટકના ખાનપુર ખાતે જન્મેલા તેલગીના પિતા ભારતીય રેલવેમાં નોકરી કરતા હતા. પૈસાની તંગીને કારણે નાનપણમાં તેલગી શાકભાજી અને ફળો વેચતો હતો. જોકે, એણે ત્યાર પછી બી.કોમની ડિગ્રી પણ મેળવી હતી. મુંબઈ આવ્યા પછી એણે બનાવટી પાસપોર્ટ બનાવવાનું કામ પણ થોડા સમય સુધી કર્યું હતું. સાઉદી આરબ જઈને ત્યાં એણે ટ્રાવેલ એજન્સી ખોલી હતી અને ત્યાં પણ એણે નાનાં-મોટાં ફ્રોડ કર્યાં હતાં. ત્યાર પછી મુંબઈ આવીને પણ એ સુધર્યો નહીં અને છેતરપિંડીના ગુનામાં પોલીસે એને જેલ ભેગો કર્યો. ત્યાં એની મુલાકાત રામરતન સોની સાથે થઈ હતી. રામરતન, સરકારી સ્ટેમ્પ પેપર વેચવાનું કામ કરતો હતો. એ જ ઘડીએ તેલગીના ફળદ્રુપ ભેજામાં એક મોટા કૌભાંડે આકાર લીધો હતો. દેશમાં દરરોજ વિવિધ કાયદાઓને લીધે કરોડો રૂપિયાનાં સ્ટેમ્પ પેપરોનું વેચાણ થાય છે. એકવાર સ્ટેમ્પ પેપરનો ઉપયોગ થઈ ગયા પછી વર્ષો સુધી એને કબાટમાંથી કાઢવાની જરૂર પડતી નથી. તેલગી એ સમજી ગયો કે બનાવટી સ્ટેમ્પ પેપર છાપીને વેચવામાં કોઈ ખાસ જોખમ નથી. સ્ટેમ્પ પેપર ઓરિજિનલ છે કે નહીં એની પણ કોઈ તપાસ કરતું નથી. બનાવટી સ્ટેમ્પ પેપરની સાથે તેલગી કેટલાંક ઓરિજિનલ સ્ટેમ્પ પેપર પણ રાખતો હતો. 1996ના વર્ષમાં તેલગીએ સ્ટેમ્પ પેપર છાપવા માટે પોતાનું પ્રેસ પણ ઊભું કર્યું હતું. ઓરિજિનલ સ્ટેમ્પ પેપર નાસિક ખાતે છપાતાં હતાં. કાયદો એવો છે કે, ચલણી નોટો અને સ્ટેમ્પ પેપર છાપતી અને જૂની થઈ ગયેલી પ્રેસની મશીનરીને ફરીથી વેચવામાં નથી આવતી, પરંતુ એનો નાશ કરવામાં આવે છે. તેલગીએ કોઈ પણ રીતે આ મશીનો અકબંધ ખરીદ્યાં અને એના પર સ્ટેમ્પ પેપર છાપવાનું ચાલુ કર્યું. નવેમ્બર 2001ના અજમેર ખાતેથી તેલગીની ધરપકડ થઈ. બેંગ્લુરુ ખાતે એણે વેચેલાં બોગસ સ્ટેમ્પ પેપર પકડાઈ જવાથી પગેરું તેલગી સુધી પહોંચ્યું હતું. છેવટે આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો. આખા કૌભાંડની કિંમત લગભગ રૂ. 30,000 કરોડ જેટલી હતી. 2006ના વર્ષમાં એને અને એના સાથીઓને 30 વર્ષની સજા થઈ હતી. તેલગીનો જ્યારે નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે એક રાષ્ટ્રીય કક્ષાના ખૂબ જ મોટા મહારાષ્ટ્રના રાજકારણી વતી એ કામ કરતો હોવાનું એણે કબૂલ કર્યું હતું. નવાઈની વાત એ છે કે આટલો મોટો પુરાવો હોવા છતા પેલા રાજકારણી હજી સુધી જેલની બહાર છે અને દિવસે ને દિવસે વધુ શક્તિશાળી થતા જાય છે. કેટલાંકનું માનવું છે કે તેલગી પોતે સ્ટેમ્પ પેપર છાપતો હતો એ વાત ઉપજાવી કાઢેલી છે. ખરેખર તો નાસિકની પ્રેસમાંથી પેલા રાજકારણી મોટા પાયે સ્ટેમ્પ પેપરની ચોરીઓ કરાવીને તેલગી મારફતે દેશ આખામાં વેચતાં હતાં. સત્ય જે હોય તે પરંતુ વેબસિરીઝોને કારણે જૂનાં કૌભાંડો ફરીથી પ્રકાશમાં આવી રહ્યાં છે એ નક્કી! ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...