તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફબીટ:ટેલિફોનિક બેસણું

અંકિત ત્રિવેદી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘જ્યારે મળતાં ત્યારે છૂટાં પડતી વખતે એમને કોઈ એક જણના બેસણાનો પ્રસંગ સંભળાવતો!’

‘હેલો...’ ‘હા, બોલો, જયશ્રી કૃષ્ણ...’ ‘જયશ્રી કૃષ્ણ નહીં, જય અંબે બોલો, વડીલ, તેઓ કાયમ જય અંબે કહેતા.’ ‘હા, જય અંબે.’ ‘હા... હવે બરાબર, બહુ સારા માણસ હતા બંસીભાઈ.’ ‘હા... સાચી વાત છે.’ ‘તમે દીકરા છો એમ ને! તો તો તમને બધી ખબર ના પણ હોય...’ ‘એવું તમે કેમ માની લીધું?’ ‘તમને આજના લીંબુનો ભાવ ખબર છે?’ ‘ના.’ ‘બસ, તો પછી તમને બંસીભાઈની બધી વાત ખબર ના પણ હોય!’ ‘પણ, બંસીભાઈનો લીંબુનો રેફરન્સ સમજાયો નહીં.’ ‘તે, ના જ સમજાય ને! તમે દીકરા રહ્યા એટલે.’ ‘એટલે?’ ‘એટલે એમ... કે બંસીભાઈને શાક લેવા જવાનો ખૂબ શોખ હતો.’ ‘હા, પપ્પા ક્યારેક-ક્યારેક શાક લેવા જતા.’ ‘અરે ભાઈ, અમારી ભાઈબંધી જ શાકની લારીએથી શરૂ થયેલી.’ ‘અચ્છા અચ્છા... એમ બોલોને અંકલ.’ ‘લોકડાઉનના સમયે શાકની એક જ લારીમાં ફુદીનો હતો. એ પણ 500 ગ્રામ...’ ‘જુઓ એનું અત્યારે...’ ‘એનું અત્યારે જ અગત્યનું છે... અમે બંને એ 500 ગ્રામ ફુદીના માટે ઝઘડ્યા. પછી સમાધાન કર્યું અને બંનેએ 250 ગ્રામ ફુદીનો લેવાનું નક્કી કર્યું. આમ, અમારી દોસ્તીની શરૂઆત...’ ‘જુઓ! એના માટે શાંતિથી ફોન કરીશ, વડીલ!’ ‘કરી રહ્યા તમે... આ સમયમાં છેલ્લે-છેલ્લે એમને મળાયું નહીં, ને બેસણામાં જવાના મારા શોખ વિશે એમને ખબર છે. જ્યારે મળતાં ત્યારે છૂટાં પડતી વખતે એમને કોઈ એક જણના બેસણાનો પ્રસંગ સંભળાવતો!’ ‘એનું અત્યારે શું છે પણ?’ ‘આ ટેલિફોનિક બેસણું મને સમજાતું જ નથી. ફોન કરીને આપણા ઘરમાં મૃત્યુ પામેલી વ્યક્તિ માટે બેસવાનું!’ ‘જુઓ... બધું સરખું થશે ત્યારે...’ ‘ત્યારે હું સરખો નહી હોઉં...!’ ‘જુઓ...’ ‘સાંભળો, ટેલિફોનિકમાં સાંભળવાનું હોય! અને વિડીયોકોલ તો કહેવા પૂરતા હોય. સામેવાળી વ્યક્તિનો ચહેરો નેટવર્કે સ્થિર કરી નાખ્યો હોય અને વ્હોટ્સએપ કોલિંગમાં આપણું નસીબ સારું હોય તો જ અવાજ સંભળાય બાકી, ખબર નથી પડતી આ મોબાઈલ કંપની ખોટ કેમ ખાય છે!’ ‘સાંભળો...’ ‘એ જ કરંું છું. આ ટેલિફોનિક બેસણું છે. બીજાના પણ ફોન આવતા હોય. તમે ઘરના સભ્ય થઈને નથી સમજતા? બીજાનાં ટેલિફોનિક બેસણાંમાં ઘરેથી હાજરી આપવાની છે! ચલો! બંસીભાઈના આત્માને જય અંબે.’⬛ ઑન ધ બીટસ દાદનો આભાર, કિન્તુ એક શિકાયત છે મને, મારા દિલની વાતને તેં શાયરી સમજી લીધી. -મરીઝ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...