તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવાન-એ-ખાસ:તાલિબાન, અફઘાનિસ્તાન અને ભારત

વિક્રમ વકીલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઇસી –814 વિમાનના અપહરણ સમયે ભારતના વિમાનને કંદહાર લઈ જવામાં આવ્યું ત્યારે તાલિબાનો સાથે વાતચીત કરવા માટે ભારત પાસે કોઈ માધ્યમ નહોતું

આ લખાય છે ત્યાં સુધી તાલિબાની આતંકવાદીઓએ અફઘાનિસ્તાન ઉપર સત્તા જમાવ્યા બાબતે ભારત સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ઘાની દેશ છોડીને ભાગી ગયા ત્યારે જ નક્કી થઈ ગયું હતું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો વિજય હાથવેંત છે. ભારતનું વિદેશ મંત્રાલય તેમજ સંરક્ષણ સલાહકારો અફઘાનિસ્તાનની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યાં છે, પરંતુ હમણાંના સમયમાં ભારતની પ્રાથમિકતા અફઘાનિસ્તાનમાં ફસાયેલાં ભારતીયોને ત્યાંથી કાઢવાની છે. તાલિબાનો કાબુલમાં પ્રવેશ્યા અને પ્રમુખના મકાન ઉપર કબજો કરી લીધો એને પગલે કાબુલના હમીદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ઉપર અંધાધૂંધી ફેલાઈ ગઈ. થોડા સમય માટે એરપોર્ટ બંધ કરી દેવું પડ્યું. હજારો અફઘાનીઓ દેશ છોડીને ભાગવા માગતા હતા. કઈ રીતે વિમાન પર તેઓ ચડી બેઠા એના વિડીયો પણ હવે તો વાઇરલ થઈ ગયા છે. ભારતનું સત્તાવાર સ્ટેન્ડ એ છે કે અફઘાનિસ્તાનનાં હિન્દુ અને શીખ લઘુમતીઓને ભારતમાં શરણ આપવી, પરંતુ તમામ અફઘાનીઓને ભારતમાં શરણ આપવી શક્ય બની પણ નહીં શકે. જો આમ થાય તો હજારો શરણાર્થીઓ ભારત આવે અને ભારતની અર્થવ્યવસ્થા પર એની ગંભીર અસર થાય. થોડા દિવસો પહેલાં વિશ્વના 12 જેટલા દેશોએ અફઘાન પ્રતિનિધિઓ અને તાલિબાન સાથે દોહા ખાતે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં ભારતનું વલણ એવું હતું કે જો અફઘાનિસ્તાનની સરકારને બળજબરીથી ઊથલાવી નાંખીને કોઈ નવી સરકાર બને તો એને માન્યતા આપવી નહીં. અફઘાનિસ્તાનની પરિસ્થિતિના જાણનારાઓને ખબર જ હતી કે અફઘાનિસ્તાનની પોલીસ અને લશ્કર તાલિબાની આતંકવાદીઓનો સામનો કરવાના નથી. ભારત, યુએસ, યુકે, ચીન, પાકિસ્તાન, તુર્કી, ઉઝબેકિસ્તાન, તાજીકિસ્તાન, તુર્કમેનિસ્તાન, જર્મની, નોર્વે અને કતાર જેવા દેશોએ તાલિબાનના શાસનને માન્યતા આપવી કે નહીં એ બાબતે મૌન રાખ્યું હતું. જોકે, હવે પાકિસ્તાન, રશિયા અને ચીન જેવા દેશોએ તાલિબાનની સરકારને માન્યતા આપી દીધી છે. ભારત માટે આ બાબતે કોઈ પણ નિર્ણય લેવો સહેલો નહીં હોય. અમેરિકાએ મોકલેલાં લશ્કરની કાર્યવાહી પછી અફઘાનિસ્તાનમાં થોડાં વર્ષો શાંતિ રહી હતી. એ વખતે ભારત સરકારે તત્કાલીન અફઘાન સરકાર સાથે સંબંધ સ્થાપવાની કોશિશ પણ કરી હતી. અફઘાનિસ્તાનમાં જે રીતે સ્ત્રીઓ અને બાળકો ઉપર અત્યાચાર થયા એ બાબતે પણ ભારતે પોતાની ચિંતા રજૂ કરી હતી. હમણાંના એક મહિના માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલનું પ્રમુખપદ ભારત પાસે છે, એટલે ભારતની જવાબદારી વધી જાય છે. તાલિબાની સરકાર અને અફઘાનિસ્તાન પર કેવાં નિયંત્રણો લાદવાં એ ભારત માટે અગત્યનું બની ગયું છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ભારત તાલિબાની સરકારને માન્યતા આપે કે નહીં, પરંતુ એમની સાથે સંવાદ કરવાની ચેનલ ખુલ્લી રાખવી પડશે. આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હિત ધરાવનારાં અલગ-અલગ જૂથો સાથે ભારત વિચાર વિનિમય કરી શકે છે. જોકે, ભારતની પ્રાથમિકતા ભારતીયોની અને ભારતની એમ્બસીના કર્મચારીઓની સલામતી સૌથી વધુ અગત્યની રહેશે. આ ઉપરાંત ભવિષ્યમાં અફઘાનિસ્તાનની એરસ્પેસ કે વેપાર વિનિમય બાબતે પણ ભારતે વિચારવાનું રહ્યું. આઇસી–814 વિમાનના અપહરણ સમયે ભારતના વિમાનને કંદહાર લઈ જવામાં આવ્યું ત્યારે તાલિબાનો સાથે વાતચીત કરવા માટે ભારત પાસે કોઈ માધ્યમ નહોતું. એ વખતનો અનુભવ ભારતના રાજદ્વારીઓ યાદ રાખશે જ. અફઘાનિસ્તાનમાં શાંતિ સમય દરમિયાન ભારતે અબજો રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. ભારતને હેરાન કરવા માટે પાકિસ્તાન ટાંપીને જ બેઠું છે, ત્યારે તાલિબાની આતંકવાદીઓ વધુ મજબૂત નહીં થાય તેનું ધ્યાન પણ ભારતે રાખવું પડશે. ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...