ડૉક્ટરની ડાયરી:ટકોરા વાગે ગગનમાં ટકોરા વાગે, સુણતા હૈ કોઈ ધ્યાની ગગનમાં ટકોરા વાગે

12 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • યુવાન ડો. વિનોદનું લોહી તપી ગયું, ‘મારા માટે મારા ગુરુદેવનો સંદેશો એ જ આદેશ છે. આસમાની આદેશ આગળ તમારો આદેશ શી વિસાતમાં?'

1957નું વર્ષ. પંદર વર્ષનો વિનોદ પોતાના મિત્રો સાથે એડલ્ટ ઇંગ્લિશ ફિલ્મ જોવાનો કાર્યક્રમ ઘડીને બેઠો હતો. અચાનક એના પપ્પાનું ફરમાન છૂટ્યું, ‘બેટા, આપણે પાંચ-સાત દિવસ માટે ઈન્દોર જવાનું છે. કાલે સવારે નીકળીશું. બેગમાં તારાં કપડાં ભરીને તૈયાર થઇ જજે.’

વિનોદનાં માતાપિતા મુંબઇમાં રહેતાં હતા. ખાધેપીધે સુખી વણિક પરિવાર હતો. આજથી પાંસઠ વર્ષ પહેલાંનો જમાનો રૂઢિચુસ્ત હતો. મુંબઇ જેવા આધુનિક શહેરમાં પણ સંસ્કારી પરિવારોમાં સંતાનોને પિતા સામે જીભ ચલાવવાનો અધિકાર ન હતો. વિનોદ ચૂપ રહીને સાંભળી રહ્યો અને અકળામણ સાથે બેગમાં કપડાં ભરવા લાગ્યો. પિતાને એ એટલું પણ પૂછી ન શક્યો કે ઈન્દોર શા માટે જવાનું છે? એવું કરવામાં સૌથી મોટો ડર એ વાતનો હતો કે પિતા વળતો સવાલ કરશે, ‘તારે એ બધું પૂછવાની શી જરૂર? તારે ઈન્દોર આવવું નથી? મુંબઇમાં શા માટે રહેવું છે? કારણ જણાવ.’

સૌથી અઘરો સવાલ છેલ્લો હતો. એનો જવાબ આપી શકાય તેવો ન હતો. મુંબઇના એક સિનેમાઘરમાં હોલિવૂડની એક ફિલ્મ પડી હતી. ફિલ્મનું નામ હતુંઃ ‘ગોડ ક્રિયેટેડ અ વુમન.’ મુંબઇના રસિક પુરુષ સમુદાયમાં આ ફિલ્મે ઉત્તેજનાનાં ઊંચાં ઊંચાં મોજાં ઉછાળ્યાં હતાં. વયસ્ક પુરુષોને પણ એ ફિલ્મનાં કેટલાંક દૃશ્યો જોઇને રોમાંચ અનુભવાતો હતો, તો પછી મુગ્ધ અપરિણીત યુવાનોની હાલત વિશે તો કહેવું જ શું? સેન્સર બોર્ડે ભારતમાં આ ફિલ્મ પ્રદર્શિત કરવા માટે ‘એ’ સર્ટિફિકેટ આપ્યું હતું. કિશોર વયના છોકરાઓમાં છાનીછપની ચર્ચા ચાલતી હતી. ટિકિટબારી પર કોઇ બર્થ સર્ટિફિકેટ તો માગવાનું ન હતું. વયમાં ભલે માયનર હોય, પણ દેખાવમાં મેજર વયનો લાગતો હોય, મૂછનો દોરો જાડો બની ગયો હોય, ગળામાં અવાજની ઘાંટી ફૂટી ગઇ હોય તો થિયેટરના બુકિંગ ક્લાર્કને છેતરવાનું કામ ખાસ અઘરું ન હતું. કાર્યક્રમ પાકા પાયે ઘડાઇ ગયો. ત્રણ દિવસ પછી સોમવાર આવતો હતો. ક્લાસરૂમમાંથી છટકીને ચાર-પાંચ મિત્રોની સાથે જીવનની પ્રથમ એડલ્ટ ફિલ્મ માણવાનું નક્કી થઇ ગયું.

મજેદાર કાર્યક્રમ પર હથોડો વાગી ગયો. બીજા દિવસે પિતા-પુત્ર ટ્રેનમાં બેસીને ઈન્દોર જઇ પહોંચ્યા. જ્યાં એક આશ્રમ જેવી એક જગ્યામાં રહેવાની વ્યવસ્થા હતી ત્યાં રોકાયા. ત્યાં પહોંચ્યા પછી વિનોદને જાણવા મળ્યું કે આશ્રમમાં રણછોડદાસજી મહારાજ પધાર્યા હતા અને એકાદ મહિનો ત્યાં રોકાવાના હતા. વિનોદ જાણતો હતો કે એના પિતા આ મહારાજના પરમ ભક્ત હતા. જ્યાં અને જ્યારે તક મળે ત્યારે, ત્યાં અને ત્યારે આ ખ્યાતનામ મહાત્માને મળવા દોડી જતા હતા. એ અરસામાં ભારતના વિવિધ પ્રદેશોમાં ઉચ્ચ કક્ષાના સિદ્ધ મહાત્માઓ જાણીતા હતા. સંતરામ મંદિરના પૂ. શ્રી મોટા, નારેશ્વરના રંગ અવધૂત તેમજ ગણેશપુરીના મુક્તાનંદબાબા જેવા કેટલાય ધુરંધરો રણછોડદાસજી મહારાજના સમકાલીન હતા. મને જે વાત ખૂબ જ પ્રભાવિત કરી ગઇ તે આ હતીઃ આ બધા મહાત્માઓ માત્ર ધર્મ ધ્યાનમાં જ જીવન પૂરું કરવાને બદલે સામાજિક અને કુદરતી આપત્તિઓ વખતે અસરગ્રસ્ત લોકોની સહાય કરવા માટે પણ એટલા જ સક્રિય હતા.

સાંજના સમયે પિતાની સાથે વિનોદે મહારાજની મુલાકાતે જવાનું હતું. એ સમય દરમિયાન વિનોદના કાન પર મહારાજની સિદ્ધિઓ વિશે અને એમના જીવન વિશે અસંખ્ય કિવદંતીઓ પડી રહી હતી. ભક્તો કહેતા હતા કે મહારાજ સાડા ચારસો-પાંચસો વર્ષનું આયુષ્ય ધરાવે છે. એક ભક્તે તો એવું પણ કહ્યું કે મહારાજ અને જલારામબાપા મિત્રો હતા. વિજ્ઞાનનો વિદ્યાર્થી હોવાના નાતે હું આવી બધી જ કિવદંતીઓને સ્વીકારી શકતો નથી. કોઇ સંતથી પ્રભાવિત થવા માટે મને કોઇ ચમત્કારોનો સહારો લેવાની જરૂર પણ જણાતી નથી. કોઇ વ્યક્તિ સંત છે, પવિત્ર છે અને ઉચ્ચ કોટિના મહાપુરુષ છે તો એ એમના સદ્્ગુણો, સ્વભાવ અને સાત્વિકતાપૂર્ણ જીવનનાં કારણે છે; એણે અંધને દેખતો કર્યો કે બહેરાને સાંભળતો કર્યો એ બધાનું મહત્ત્વ મારે મન નહીંવત્ છે.

સાંજ પડી. વિનોદને લઇને એના પિતા મહારાજની કુટિરમાં જઇ પહોંચ્યા. કુટિર શ્રદ્ધાળુઓથી ખીચોખીચ ભરેલી હતી. મહારાજ આસન પર બિરાજીને બધાંની સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. વિનોદના પિતાને આવેલા જોઇને એમણે મોં મલકાવ્યું, ‘આવી ગયા પરીખસાહેબ? સાથે દીકરાને લાવ્યા છો?’

જવાબમાં વિનોદના પિતાએ પ્રણામ કર્યા. પછી દીકરાને આગળ કર્યો અને વિનંતી કરી, ‘બાપજી, મારા દીકરાને આશીર્વાદ આપો કે એ ખૂબ ભણે અને આગળ વધે.’

મહારાજ થોડીક ક્ષણો માટે વિનોદને જોઇ રહ્યા. પછી મસ્તક પર હાથ મૂકીને આશીર્વાદ પણ આપ્યા. એ આશીર્વાદ શું હતા, એ તો આગાહી હતી, ‘તું ડોક્ટર બનીશ. એમ. બી. બી. એસ. પૂરું કર્યા પછી તું વિદેશ જવાનો પ્રયત્ન કરીશ. તું એમાં સફળ નહીં થાય.

તારે ભારતમાં જ રહીને આપણા દેશવાસીઓની સેવા કરવાની છે. આ તારું ભવિતવ્ય છે અને આ જ મારી ભવિષ્યવાણી છે.’

પિતા-પુત્ર ખુશ થયા. રાત્રે ભોજન કરીને પોઢી ગયા. બીજા દિવસે રવિવાર હતો. મહારાજ ભરચક કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા. એવી વ્યસ્તતા વચ્ચે પણ વિનોદના પિતાએ એમની પાસે જઇને રજૂઆત કરી, ‘બાપજી, આપ મારા દીકરાને સમજાવો. હું એને મારી સાથે સાત દિવસનું વિચારીને લઇ આવ્યો હતો પણ એ તો આજે જ ભાગી જવાની વાત કરે છે. એને કોઇ પણ ભોગે આવતીકાલે સવાર સુધીમાં મુંબઇ પહોંચી જવું છે. હું તો અહીં રહેવાનો જ છું. પંદર વર્ષના દીકરાને એકલો જવા દેવાની મારી હિંમત ચાલતી નથી. તમે મહેરબાની કરીને એને સમજાવો.’

મહારાજે સામે ઊભેલા મુગ્ધ કૂમળા કિશોરના ચહેરાને ધ્યાનથી જોયો. એના ભીડાયેલા હોઠોમાં કેદ થયેલી હઠને પારખી લીધી. આંખોમાં તરવરતા કોઇ અગમ્ય ભાવને વાંચી લીધો. ગંભીર મુખમુદ્રા ધારણ કરીને એમણે માત્ર આટલું જ કહ્યું, ‘બેટા, તારે જવું જ છે ને? તો અવશ્ય જા. એક વાતનું વચન આપતો જા.’

મુંબઇ પાછા ફરવાની સંમતિ મળી ગઇ એ વાતથી વિનોદનો ચહેરો ખીલી ઊઠ્યો. એણે પૂછ્યું, ‘બોલો, શું વચન આપું?’ ‘વચન આપ કે મુંબઇ જઇને તું એડલ્ટ ફિલ્મ જોવા નહીં જાય.’ વિનોદના માથા પર જાણે વીજળી ત્રાટકી! એનું દિમાગ ચકરાઇ ગયું. જે વાતને એણે તદ્દન ગુપ્ત રાખી હતી એ વાતની જાણ મહારાજને કેવી રીતે થઇ ગઇ. ગજબ થઇ ગયો! હવે મુંબઇ જવાનો કશો અર્થ રહ્યો ન હતો. મોટી ફસામણી તો એ થઇ હતી કે વિનોદ માટે હવે આશ્રમમાં રોકાઇ જવું એ પણ અશક્ય બની ગયું હતું. એડલ્ટ ફિલ્મ ન જોવાનું વચન આપ્યા પછી જો એ મુંબઇ જવાનું રદ કરે તો એના પિતા સમજી જાય કે કુંવર શા માટે મુંબઇ જવાના હતા? મહારાજ આ નિર્દોષ કિશોરની મનઃસ્થિતિ પામી ગયા. એમણે આદેશ આપીને વિનોદને આશ્રમમાં રોકી લીધો. રણછોડદાસજી મહારાજે વિનોદ માટે ભાખ્યું હતું એ બધું જ આગળ જતાં સાચું પડ્યું. વિનોદ ભણવામાં બ્રિલિયન્ટ પુરવાર થયો. મુંબઇની મેડિકલ કોલેજમાં મેરિટ ઉપર પ્રવેશ મેળવીને ડોક્ટર બન્યો. વિદેશ જવાની ઇચ્છા હતી પણ સંજોગોને માન આપીને એ ઇચ્છા છોડી દીધી. ટ્રોમ્બેની એક શાનદાર હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવ્યા પછી અચાનક એક ન સમજાય તેવા કારણથી તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું.

નોકરીમાં બધું સારું ચાલી રહ્યું હતું ત્યારે એક દિવસ મહારાજનો સંદેશો મળ્યો, ‘બે મહિનાની રજા લઇને મારી પાસે આવી જા. તારે મારી સાથે જ રહેવાનું છે.’

ડો. વિનોદે હોસ્પિટલના અધિકારી પાસે જઇને રજાની વાત મૂકી. અધિકારી અહંકારી ને તોછડા હતા. એમણે વિનંતી ફગાવી દીધી. ડો. વિનોદે રાજીનામું આપી દીધું. અધિકારીએ ઘૂરકાટ કર્યો, ‘હું તમારું રાજીનામું સ્વીકારતો નથી. મારો આદેશ ઉથાપીને તમે જઇ નહીં શકો.’

યુવાન ડો. વિનોદનું લોહી તપી ગયું, ‘મારા માટે મારા ગુરુદેવનો સંદેશો એ જ આદેશ છે. આસમાની આદેશ આગળ તમારો આદેશ શી વિસાતમાં?’

ડો. વિનોદ નીકળી ગયા. પૂરા બે મહિના ગુરુદેવની સાથે રહ્યા. બે મહિના પૂરા થયા ત્યારે એમને સમજાયું કે ગુરુદેવે શા માટે આટલી મુદત જ કહી હતી? ડો. વિનોદની નજર સામે મહારાજે દેહ ત્યાગ્યો. ડો. વિનોદભાઇ પરીખ દીર્ઘકાળપર્યંત મુંબઇ ખાતે ફેમિલી ફિઝિશિયન તરીકેની સફળ કારકિર્દી પૂરી કરીને હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે. વિશ્વના 33 દેશોનો પ્રવાસ કરી ચૂકેલા તેઓ અત્યારે 80 વર્ષની ઉંમરે પણ હરેફરે છે. તાજેતરમાં તેઓ મારા ઘરે પધાર્યા હતા ત્યારે રણછોડદાસજી મહારાજના એમના જીવન પરના પ્રભાવ વિશેના અનેક કિસ્સાઓ સંભળાવ્યા હતા. એક સાચા સંત સમાજ ઉપર આવી અસર પણ પાડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...