તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયન્સ અફેર્સ:પૂંછડી : જરૂરતથી અનુકૂલન સુધી

નિમિતા શેઠ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગતી વખતે પૂંછડી દબાવવાની હોય કે ઊભી રાખવાની હોય?

ડરીને પલાયન થવા માટે હિંદી ભાષામાં રૂઢિપ્રયોગ છે : ‘દૂમ દબાકર ભાગ ગયા’ પણ સમાન ભાવ દર્શાવવા માટે ગુજરાતીમાં કહેવાય છે, ‘ઊભી પૂંછડીએ ભાગી ગયો.’ ભાગતી વખતે પૂંછડી દબાવવાની હોય કે ઊભી રાખવાની હોય? આ મૂંઝવણ દૂર કરવા મેં ઈન્ટરનેટ પર એવા વિડિયો શોધીને જોયા કે જેમાં પ્રાણીઓ દોડતાં હોય. મેં જોયું કે દોડતી કે કૂદતી વખતે પ્રાણીઓની પૂંછડીમાં જાણે જીવ આવી જાય છે મતલબ કે, ગુજરાતી કહેવત જ સાચી છે. કહેવત તો એવી પણ છે કે કૂતરાની પૂંછડી ક્યારેય સીધી ન થાય, પરંતુ દોડતી વખતે ઘણા કૂતરાની પૂંછડી સીધી થઈ જતાં પણ મેં જોઈ. પ્રાણીઓની ગતિ દરમિયાન સંતુલન, ઝડપ અને દિશા બદલવામાં પૂંછડીની ભૂમિકાનો અભ્યાસ કરતાં ઘણા સંશોધનો થયાં છે. 1998માં અમેરિકાના ફ્લોરિડામાં બે ન્યુરોસાયન્ટિસ્ટ્સ પ્રયોગ કરવા ચાર બિલાડીઓ પકડી લાવ્યા. એવી પાતળી પટ્ટી પર એમણે બિલાડીઓને ચલાવી, જેના પર સહેજ પણ આડોઅવળો પગ પડે તો બિલાડી હેઠી પડે. બિલાડી એ પટ્ટી પર ચાલતી હતી એ દરમિયાન વૈજ્ઞાનિકોએ પટ્ટીને એક તરફ હળવો ધક્કો માર્યો અને નોંધ્યું કે દર વખતે બિલાડીની પૂંછડી ધક્કાની વિરુદ્ધ દિશામાં વળાંક લે છે અને બિલાડી પડતાં પડતાં બચી જાય છે. ત્યાર બાદ એમણે ઓપરેશન કરીને ચારેય બિલાડીઓની પૂંછડીમાં પેરાલિસીસ કરી નાખ્યો. (પ્રયોગ માટે જરૂરી હતું) ફરીથી ચારેયને એ જ પટ્ટી પર ચલાવીને પટ્ટીને એ જ રીતે ધક્કો માર્યો. પરિણામ તમે કલ્પી શકો છો. ચાર બિલાડીઓની કુરબાનીથી એ સાબિત થયું કે પાળી પર ચાલતી બિલાડી સંતુલન માટે પૂંછડીનો ઉપયોગ કરે છે. આવા જ પ્રયોગો ગરોળી પર કરીને નોંધવામાં આવ્યું છે કે, ગરોળીની પૂંછડી એને દીવાલ પર સરકતી વખતે ધક્કો લાગે ત્યારે પડતાં બચાવે છે. ગતિ અને સંતુલન ઉપરાંત ગરોળી જેવા જીવ માટે પૂંછડી સુરક્ષા કવચ છે. ગરોળી ખતરો જણાય તો જાતે પોતાની પૂંછડી કાપી શકે છે. આ રીતે પૂંછડી ગુમાવ્યા બાદ બીજી નવી પૂંછડી પણ ઊગતી હોય છે. જંગલી પ્રાણીઓ શિકાર કરતી વખતે પોતાની ઝડપ અને દિશા પૂંછડીના બળથી મેળવે છે. વાઘ, સિંહ, દીપડાની પૂંછડી એમના જીવનનિર્વાહ માટે અગત્યની છે જ, પણ પૂંછડી પર સૌથી વધુ આધાર ચિત્તો રાખે છે. શરીરની લંબાઈથી લગભગ અડધી લંબાઈની ચિત્તાની જાડી પૂંછડીનું વજન 50 કિ.ગ્રા. જેટલું હોય છે. શિકાર પાછળ દોડવા દરમિયાન સ્ટીયરિંગ તરીકે કામ કરતી પૂંછડીનાં કારણે ચિત્તો નાના-મોટા વળાંક આસાનીથી લઈ શકે છે. પૂંછડી કપાઈ જાય તો ચિત્તાએ દીપડાની જેમ શિકારની ખૂબ નજીક જઈને છુપાઈને હુમલો કરતાં શીખવું પડે, નહીં તો ભૂખે મરે. ઝાડ પર ચડનારા વાંદરાઓને પૂંછડી ડાળી પર પકડ જમાવવાના અને કૂદવા દરમિયાન સંતુલન જાળવવામાં ઉપયોગી છે. માણસ બે પગે ચાલવા માંડ્યો ત્યારથી એણે પોતાનું બધું વજન પગ ને કરોડરજ્જુ પર લઈ લીધું, એણે ચોપગા પ્રાણીઓની જેમ ગુરુત્વાકર્ષણને સમાંતર આખું શરીર ઘસડવાનું નથી હોતું. હવે ઝાડ પર કૂદવાનું કામ પણ નથી હોતું એટલે કુદરતે એની પૂંછડી ગાયબ કરી દીધી છે.⬛nimitasheth21@gmail.com

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો