અંદાઝે બયાં:ટકવું કે અટકવું? જીવતા રે’જો ને જાગતા રે’

સંજય છેલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ કોઈ પણ રેસમાં માણસ છેલ્લો આવે કે પહેલો, પણ નંબર બનીને રહી જાય છે!(છેલવાણી) સિકંદર વિશ્વવિજેતા બનવા નીકળ્યો ત્યારે એક ઝાડ નીચે તેના ગુરુજી સૂતા હતા. તેણે ઘોડા પરથી નીચે ઊતરીને આશીર્વાદ માગ્યાં. ગુરુએ પૂછ્યું,‘ક્યાં જાય છે?’ સિકંદરે ગુમાનમાં કહ્યું,‘વિશ્વવિજેતા બનવા…’ ગુરુ બોલ્યા,‘વિશ્વ જીતીને શું કરીશ?’ સિકંદરે કહ્યું, ‘જગત પર રાજ કરીશ…ખૂબ પૈસો, સંપત્તિ ને અસંખ્ય સેનાઓ ભેગી કરીશ.’ ગુરુએ ફરી પૂછ્યું, ‘પછી શું કરીશ?’ સિકંદર હસ્યો, ‘પછી હું મારા નામના સિક્કા પડાવીશ, મારાં પૂતળાં બનાવીશ ને અમાપ સત્તા ભોગવીશ!’ ગુરુએ પૂછ્યું, ‘એ પછી શું કરીશ?’ સિકંદરે કહ્યું, ‘પછી મારા સંતાનને મારી સત્તા સોંપીશ અને મારો વંશ વિશ્વવિજેતા બનશે.’ ગુરુએ કહ્યું, ‘એ પછી?’ સિકંદરે કહ્યું, ‘બસ…પછી રિટાયર્ડ થઇને એયને ઝાડ નીચે હું આરામ કરીશ.’ ગુરુ હસ્યા, ‘અત્યારે હું એ જ કરી રહ્યો છું. આવી જા, મારી બાજુમાં.’ તો સિકંદરે કહ્યું, ‘સોરી ગુરુજી, હમણાં હું બિઝી છું. અત્યારે સૂવાનો ટાઈમ નથી.’ આમાં છેલ્લી અમારી લાઇન ઓરિજિનલ છે પણ સિકંદરના નામે ચઢાવેલો જોક જૂનો છે, પણ એની પાછળ રહેલો સવાલ સદાયે નવો લાગે છે કે એ સવાલ સદાયે સળગતો રહે છે કે માણસે કેટલું મેળવવું ને કેટલું નહીં? આપણને નાનપણથી ચવાયેલી કવિતા શીખવવામાં આવે છે : ‘કરતા જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય, વણતૂટેલે તાંતણે ઉપર ચડવા જાય!’ ઇનશોર્ટ, જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા જ રહો. એક ધ્યેય સિદ્ધ થાય પછી બીજું ધ્યેય બનાવો, પછી ત્રીજું તે પછી ચોથું...પછી? ક્યાંક તો અંત લાવવો પડે ને? પણ એ જ ભુલાઈ જતું હોય છે. નાઓમી ઓસાક અમેરિકાની આગળ પડતી ટેનિસ પ્લેયર છે. મે માસમાં એણે ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટમાંથી પોતાની જાતને પાછી ખેંચી લીધી. પછી વિમ્બલડનમાં રમવાની પણ ના પાડી. તેણે જણાવ્યું કે છેલ્લે 2018માં યુએસ ઓપન ટુર્નામેન્ટમાં જીતી હતી, ત્યારથી તે સતત ડિપ્રેશન અનુભવી રહી છે. સફળતા મેળવી હોય એને ટકાવી રાખવાનું ટેન્શન, નં.1 બનવાની હોડ, પ્રેક્ષકોની અપેક્ષા- આ બધાથી સ્વાભાવિક રીતે જ ખેલાડીમાં સખત ટેન્શન ઊભું થતું હોય છે. આપણે ત્યાં ક્રિકેટર સુનિલ ગાવસ્કરે 10 હજાર રન પૂરા થયા કે તરત એ મેચ પૂરી થયા પછી, કોઈ પણ જાતની હો- હા કર્યા વગર નિવૃત્તિ જાહેર કરી દીધેલી. વ્યક્તિને ક્યાં પૂર્ણવિરામ મૂકવું એની ખબર હોવી જોઈએ કે રેટ-રેસ યાને કિ ચૂહા-દોડ જેવી લાઇફમાં ક્યાં સુધી ટકવું ને ક્યાં અટકવું! ઈન્ટરવલ જીવન મેરા બીત ગયા જીને કી તૈયારી મેં! (બચ્ચન) 24 વર્ષની સિમોન બાઈલ્સ જાણીતી અમેરિકન એથ્લેટ છે. એણે પુષ્કળ માન-અકરામ અને એવોર્ડઝ મેળવ્યાં છે. ગયા વખતે તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવાની ઘસીને ના પાડી દીધી. ને કહ્યું કે- ‘આપણે આપણી જાત પર ધ્યાન આપવું જોઈએ. છેવટે તો આપણે માણસ છીએ ને?’ લેકિન, કિંતુ, પરંતુ, આપણા બધા સામાન્ય માણસોની હાલત વિચિત્ર છે. જિંદગી જીવવી છે પણ એને માણવાનાં સાધનો ભેગાં કરવામાં જ આખી જિંદગી નીચોવાઇ જાય છે. જ્યારે બધું ભેગું થઈ જાય છે ત્યારે જીવનમાં સમય પૂરો થઈ જાય છે અને જિંદગી જીવવાનું જ બાકી રહી જાય છે. ટૉલ્સટોયની એક દમદાર વાર્તા ‘હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ’માં સરસ વાત આવે છે કે એક જમીનદારે એના ખેતમજૂરોને કહ્યું કે આખા દિવસમાં તમે દોડીને જેટલી જમીન વર્તુળમાં પૂરી કરીને રોકી શકો, એટલી જમીન તમારી! બીજા દિવસે સવારે વહેલા ઊઠીને સૌએ દોડવા માંડ્યું. પણ મોટું ને મોટું વર્તુળ કરીને મોટી જમીન મેળવવાના લોભમાં ને લોભમાં એક મજૂરે છેલ્લા શ્વાસ સુધી દોડ્યે જ રાખ્યું. એક તરફ સૂરજ આથમે અને આ બાજુ માણસ હાંફે. પણ છેવટે સાંજ પડતાં મૂળ જગ્યાએ પાછો ન આવીને વર્તુળ પૂરું કરી ના શક્યો…ને છેવટે થાકીને ફસડાઈ પડ્યો ને મરણ પામ્યો. આખરે તો એ પોતાના શરીરને દફનાવવા પૂરતી જેટલી માત્ર 6 ફૂટ જમીન જ હાંસલ કરી શક્યો! ઘણાં લોકો સલામતીની બીકે કે પછી દુનિયા શું કહેશે એના ડરથી કે નિષ્ફળતાના ડરથી આખી જિંદગી અણગમતા વ્યવસાય-નોકરીમાં કે અણગમતા જીવનસાથી સાથે કાઢી નાખે છે ને પછી આખી જિંદગી અફસોસ કરતા રહે છે કે હું અમિતાભ કે તેંડુલકર બની શક્યો હોત પણ કાશ, સંજોગો એવા મળ્યા હોત! ઘણાં મનગમતું પાત્ર ન હોવા છતાં જિંદગીભર મન મારીને જીવતા રહે છે. રણ ના છોડી શકનારાં પણ ક્યારેક બહાદુર ગણાતાં હોય છે ને પછી અફસોસ કરતા હોય છે. તો બોલો યારોં, તમારામાં છે હિંમત અટકવાની? એન્ડ ટાઇટલ્સ આદમ: જીવનમાં બધું વ્યર્થ છે ઈવ: પેટ ભરીને ઝાપટી લીધાં પછી જ કેમ ફિલોસોફી સૂઝે છે? { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...