શબ્દના મલકમાં:સુરેશ દલાલની કવિતા- પ્રીતિને કોઈ આંબી નથી શક્યું

મણિલાલ હ. પટેલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેક ગામડાં સુધી તથા ઉત્સુક ભાવકો અને નવા વાચકો સુધી પુસ્તકો પહોંચાડવાની રીતભાત પણ સુરેશ દલાલે બધાંને શીખવી

કવિ ‘સુરેશ દલાલ’- ગુજરાતી કવિતાના ઈતિહાસમાં એક એવું નામ જેમણે મબલખ કાવ્યો લખ્યાં, ચાળીસથી વધારે કાવ્યસંચયો આપ્યાં… ને વિવિધ સર્જકો, સાહિત્ય સ્વરૂપો, અનેક વિષયોને લઈને ત્રીસથી વધારે સંપાદનો આપ્યાં. એમણે ‘કવિતા’ દ્વૈમાસિક વડે અનેક ગુજરાતી નવકવિઓને ઓળખાવ્યા, આગળ કર્યા ને ગુજરાતે એમાંથી ઘણાને વધાવ્યા! સુરેશ દલાલની કવિતા પ્રીતિને કોઈ ન આંબી શકે! સુરેશ દલાલને સેંકડો કાવ્યો કંઠસ્થ હતાં. છેક ગામડાં સુધી તથા ઉત્સુક ભાવકો અને નવા વાચકો સુધી પુસ્તકો પહોંચાડવાની રીતભાત પણ એમણે બધાંને શીખવી. ગ્રંથો-મહાગ્રંથોનું પ્રોડક્શન એમણે કરી બતાવ્યું. વિશ્વ કવિતા, ગુજરાતી કવિતા સમૃદ્ધિ, નિબંધ વિશ્વ, યાદગાર પ્રવાસ નિબંધો જેવાં વીસથી વધુ સંપાદનો આપીને એમણે ગ્રંથાલયોની રંકતા દૂર કરવા, દાતાઓ મેળવીને મફત પુસ્તક વિતરણ કરવાનું સાહસ કરેલું, આ પણ એમનું મોટું સેવાકાર્ય છે. કૃષ્ણ અને રાધા-ગોપીને વણી લઈને સુરેશ દલાલે પ્રણય કવિતાનાં હાર્દસમાં ગીતો આપ્યાં છે: દા.ત. ‘રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ/સાંજ ને સવાર નિતનિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!/વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત/લોકો કરે છે શાને દિવસ ને રાત એક મારા મોહનની પંચાત/વળી વળી નીરખે છે કુંજગલી: પૂછે છે, કેમ અલી! ક્યાં ગઈ’તી આમ?/રાધાનું નામ…’ ‘એકાંત’, ‘તારીખનું ઘર’, ‘અસ્તિત્વ’, ‘નામ લખી દઉં’, ‘હસ્તાક્ષર’, ‘સિમ્ફની’, ‘રોમાંચ’, ‘સાતત્ય’, ‘પિરામિડ’, ‘રિયાઝ’, ‘વિસંગતિ’, ‘સ્કાયસ્ક્રેપર’, ‘ઘરઝુરાપો’, ‘એક અનામી નદી’, ‘ઘટના’, ‘કોઈ રસ્તાની ધારે ધારે’, ‘રાધા શોધે મોરપિચ્છ’ અને ‘પવનના અશ્વ’ તથા ‘અખંડ ઝાલર વાગે’ (અકાદમી એવોર્ડ) જેવાં અનેક સંચયો આપનારા કવિ સુરેશ પુરુષોત્તમ દલાલનો જન્મ 11મી ઓક્ટોબર, 1932માં થાણે ખાતે થયો હતો. 1955માં એમ.એ. થઈને મુંબઈની વિવિધ કોલેજોમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા. 1973થી નિવૃત્તિ સુધી સુરેશ દલાલ એસ.એન.ડી.ટી. વીમેન્સ યુનિ.ના ગુજરાતી વિભાગના અધ્યક્ષપદે રહેવા સાથે અનેક પદો અને સંસ્થા-પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હતા. 1969માં પીએચડી થયા એ પહેલાં 1966માં ‘એકાન્ત’ કાવ્યસંચય આપીને જાણીતા થઈ ગયા હતા. આ કવિ સભાસંચાલનો અને સાહિત્ય સમારંભોના સંયોજક તરીકે છેક યુકે ને યુએસએ સુધી લોકપ્રિય વક્તા હતા. ‘કિરાત વકીલ’ અને ‘રથિત શાહ’ જેવાં ઉપનામથી પણ કવિતા લખનાર સુરેશ દલાલે અનેક વિભાષી કવિતાના ગુજરાતીમાં અનુવાદો કર્યા હતા. એમનાં પત્ની સુશીલા દલાલને નામે પણ કાવ્ય-અનુવાદો બોલે છે. એમની બે દીકરીઓ કવિતા નથી લખતી. સુરેશ દલાલે બાળકાવ્યો લખ્યાં છે, જેનાં સાત સંચયો છે. ‘પિનકુશન’માં એમની ધ્યાનપાત્ર વાર્તાઓ છે. ‘મારી બારીએથી’ કોલમ લખતા. એ લેખો-નિબંધોના છ જેટલાં સંચયો છે. સાત જેટલા વિવેચનલેખોના સંગ્રહો આપનાર આ કવિએ ઉમાશંકર અને સુન્દરમ્્ની કવિતા વિશેના લેખો સમાવતાં સંપાદનો આપેલાં: ‘કવિનો શબ્દ’ અને ‘તપોવન’ ઉપરાંત એમણે જયંત પાઠક, રમેશ પારેખ, મકરંદ દવે વગેરેની ઉત્તમ કવિતાનાં ચયનો કરી આપેલાં. એમનું કવિત્વ જેમાં ઝીલાયું હોય એવાં ગીતોમાં ‘લીલ લપાઈ બેઠી જળને તળિયે’/સૂર્યકિરણને એમ થયું કે લાવ, જઈને મળિયે!’ ખૂબ ધ્યાનપાત્ર છે. સુરેશ દલાલે ‘સભારંજની’ કવિતા પણ લખી છે: દા.ત. ‘એક ડોસો ડોસીને હજી વ્હાલ કરે છે…’ વગેરે. આ કવિના સોનેટ કાવ્યો પણ ગમી જાય એવાં છે: દા.ત. ‘તમારા પત્રો’- ‘તમારા પત્રોમાં ઝરમર ઝરે વ્હાલ નભનું/અહો! શબ્દે શબ્દે સજલ ઊઘડે શાંત તડકો/તમે પાસે પાસે, તદપિ દૂરનાં દૂર રહીને/અહીં મારી વીણા રણઝણી રહે એમ અડકો!’ સુરેશ દલાલની ‘ઓળખમુદ્રા- સિગ્નેચર પોયમ’ બની રહેલું ગીત પણ લોકજીભે અને ગાયકોને કંઠે સંભળાતું-ગવાતું રહે છે. જોઈએ: ‘નજરું ના કાંટાની ભૂલ મારા વ્હાલમા, વીંધે હૈયું ને તોય ફૂલ મારા વ્હાલમા! તું જે કહે તે કબૂલ મારા વ્હાલમા!’ નગર જીવનની એકવિધતાને હરાવવા પ્રેમની કવિતામાં ગળાડૂબ રહેતા આ કવિનું જન્માષ્ટમીની મધરાતે જ 10-8-2012માં મુંબઈ ખાતે અવસાન થયું હતું. ⬛manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...