કેન્દ્ર તથા રાજ્ય સરકારનાં વિવિધ ખાતાં તેમજ તેનાં હસ્તકનાં જાહેર સાહસોમાં બેરોકટોક તથા બેધડક ચાલી રહેલી સંખ્યાબંધ ગેરરીતિઓના ઓથા હેઠળની ભ્રષ્ટાચારી રીતરસમોના વિરુદ્ધમાં અવાજ ઊઠાવનાર એક સાહસિક ‘વ્હીસલ બ્લોઅર’નું આ ધરતી ઉપરથી કેવા સંજોગોમાં નામોનિશાન મિટાવી દેવામાં આવ્યું હતું તેની કથા પ્રસ્તુત કરી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ આજથી છ વર્ષો પૂર્વે ચાલી ગયેલા એક કેસના છ આરોપીને ગુનેગાર ઠરાવીને આજીવન કઠોર કારાવાસની સજા ફટકારવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશમાં ભારે ચકચાર મચાવનાર આ ઘટનાની ફરી એક વાર કડીબદ્ધ કહાણી પ્રકાશમાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ એસ. જે. મુખોપાધ્યાય તથા ન્યાયમૂર્તિ એન. વી. રામન્નાની ડિવિઝન બેન્ચે તા. 10મી માર્ચ-2015ના રોજ અપરાધીઓને જન્મટીપની સજા ફરમાવતા આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે- પેટ્રોલ પમ્પના માલિક તથા તેના મળતિયાઓએ ‘પોઈન્ટ બ્લેન્ક’ ફાયરિંગ કરીને સત્તાવીશ વર્ષના એક હોનહાર યુવાનની હસ્તી મિટાવી દીધી હોવાનો ફરિયાદ પક્ષનો કેસ-આક્ષેપનો સ્વીકાર કરવામાં ક્યાંય કોઈ જ શંકા જોવા મળતી નથી. ઉત્તર પ્રદેશના લખનઉ શહેરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી મંજુનાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. ત્યાર બાદ અનેકવિધ કંપનીમાં ઊંચા પગારની આરામદાયક ‘જોબ’માં જોડાવાના બદલે તેમણે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈ. ઓ. સી.)માં સેલ્સ મેનેજર તરીકે જોડાઈને સંનિષ્ઠ સેવા કરવાનો સંકલ્પ લીધો હતો. યુ.પી.ના લખીમપુર જિલ્લાના મેસર્સ મિત્તલ ઓટોમોબાઈલ્સ કંપની દ્વારા સંચાલિત પેટ્રોલ પમ્પની મંજુનાથે સૌપ્રથમ મુલાકાત લીધી ત્યારે પેટ્રોલ-ડીઝલના વેચાણમાં ગરબડ-ગોટાળા અને ભેળસેળ ચાલી રહ્યાની હકીકત જાણવા મળી હતી. આથી મંજુનાથે આઈ. ઓ. સી.માં તેમનો રિપોર્ટ રજૂ કરીને કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી હતી, જેના પગલે આ પેટ્રોલ પમ્પને પેટ્રોલ તથા ડીઝલનો પુરવઠો પહોંચાડવાનંુ બંધ કરી દેવામાં આવ્યું હતું. તા. 19 ઓક્ટોબર, 2005ના રોજ ઈંધણનો પુરવઠો ફરી શરૂ કરવામાં આવ્યો ને મહિનો વીતી ગયા પછી મંજુનાથે આ પેટ્રોલ પમ્પનું ચેકિંગ કરવાનું નક્કી કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પણ પેટ્રોલ-ડીઝલના વેચાણમાં બેફામ ભેળસેળ ચાલતી હોવાનો પર્દાફાશ થયો હતો. ભેળસેળ સાબિત કરવા પેટ્રોલ-ડીઝલના નમૂના પણ કબ્જે લઈને તેનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવા મોકલી આપ્યા હતા. પેટ્રોલ પમ્પના માલિક પવનકુમાર મિત્તલને સખ્ત શબ્દોમાં આવી ગેરરીતિઓ બંધ કરવા ચેતવણી પણ આપી હતી. સેલ્સ મેનેજર ફરી આઈ. ઓ. સી. સમક્ષ ફરિયાદ રજૂ કરશે તો પેટ્રોલ પમ્પનો પુરવઠો કાયમી ધોરણે બંધ કરી દેવા સાથે આકરો દંડ ફટકારશે તેનો ખ્યાલ પવનકુમાર મિત્તલને આવી ગયો હતો. આથી સત્યવાદી હરિશ્ચંદ્ર બની રહેલા નવયુવાન મંજુનાથને પતાવી દેવાનું કાવતરું ઘડ્યું હતું, જેના પગલે મંજુનાથ ઉપર પોઈન્ટબ્લેન્ક ફાયરિંગ કરીને તેને મોતના મુખમાં ધકેલી દીધો હતો તથા પુરાવાનો નાશ કરવા માટે નજીકની ગીચ ઝાડીમાં લાશ ફેંકી દીધી હતી. મંજુનાથની હત્યાની આ ઘટનાના પગલે ઉત્તર પ્રદેશમાં ભ્રષ્ટાચાર અને ભેળસેળને નાબૂદ કરવા માટે અવાજ બુલંદ કરનાર નવયુવાન માટે ‘વ્હીસલ બ્લોઅરો’માં જબરદસ્ત રોષ ભભૂકી ઊઠ્યો હતો. એટલું જ નહીં, મંજુનાથની હત્યાના પ્રત્યાઘાત દેશભરમાં પડ્યા હતા. કાળા બજારિયા, ભ્રષ્ટાચારિયાનાં કાળાં કારનામાં વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં સરકારી તંત્ર પણ કેટલું લાચાર અને બેબશ છે તે વરવી વાસ્તવિકતા પણ પ્રકાશમાં આવી હતી. આથી યુ. પી.ના પોલીસ તંત્રે પણ હત્યારાને ઝડપી લેવા દોડધામ શરૂ કરી દીધી હતી. પોલીસે ‘વ્હીસલ બ્લોઅર’ મંજુનાથની હત્યા તથા પુરાવાનો નાશ કરવા બદલ ઈ. પી. કો. કલમ 302 તથા 201 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ત્યાર બાદ (1) પેટ્રોલ પમ્પના માલિક પવનકુમાર મિત્તલ તથા તેના ચાર સાગરીતો (2) દેવેશ અગ્નિહોત્રી, (3) રાકેશકુમાર આનંદ, (4) શિવકેશ શર્મા અને (5) રાજેશ વર્માની ધરપકડ કરીને તમામને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ટ્રાયલ કોર્ટે આ કેસમાં છ આરોપીને ગુનેગાર ઠરાવીને આજીવન કઠોર કારાવાસની સજા ફટકારી હતી. સજાનો હુકમ ગેરકાયદેસર અને રદબાતલ ઠરાવવાની દાદ માંગતી અપીલ તમામ આરોપીએ અલાહાબાદ હાઈકોર્ટમાં કરી હતી, જેની આખરી સુનાવણી હત્યાની ઘટનાને દસ-દસ વર્ષો પસાર થઈ ગયાં પછી ન્યામૂર્તિ એસ. જે. મુખોપાધ્યાય તથા ન્યાયમૂર્તિ એન. વી. રામન્નાની ડિવિઝન બેન્ચ સમક્ષ નીકળી હતી. ડિવિઝન બેન્ચે આરોપીઓની અપીલ ફગાવી દઈને ટ્રાયલ કોર્ટે ફરમાવેલી જન્મટીપની સજા કાયમ રાખતો ચુકાદો આપીને ભેળસેળ તથા ભ્રષ્ટાચારની કાળી કરતૂતો કરતા તત્ત્વોને આવી કરતૂતો વહેલી તકે બંધ કરવા મોઘમ ચેતવણી આપી હતી. આજે તો હાઈકોર્ટના ચુકાદાને પણ છ-છ વર્ષો વીતી ગયાં છે. આમ છતાંય દેશભરમાં કાળાબજાર, ભ્રષ્ટાચારની કાળી કરતૂતોનો ખેલ ખુલ્લેઆમ ચાલુ રહ્યો છે. {
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.