બ્લેક એન્ડ વ્હાઈટ:ધારો કે ગણપતિબાપા પ્રસન્ન થઈને કહે કે ‘માગ, માગ; માગે તે આપું તો?’

આશુ પટેલ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવું વરદાન મળે તો અમે ગણપતિબાપા પાસે કશી જ વ્યક્તિગત ડિમાન્ડ ન કરીએ, પણ આવું કશુંક માગીએ કે...

ગણેશોત્સવ શરૂ થાય એ સાથે આપણે સૌ ગણપતિમય બની જઈએ છીએ. વિધ્નહર્તાના આગમન ટાણે ‘ગણપતિ બાપ્પા મોરયા’ અને ગણપતિ વિસર્જન વખતે ‘પુઢચ્યા વર્ષી લવકર યા’ એવા નારાથી આપણે ગગન ગજાવી મૂકીએ છીએ. આ દિવસો દરમિયાન ભાવવિભોર બનીને લંબોદરાયની પૂજા કરતી વખતે ભક્તો વિધ્નહર્તા દેવ સમક્ષ આવનારા વર્ષ દરમિયાન તમામ પ્રકારનાં વિઘ્નો હરીને જીવનને સુખમય બનાવવાની યાચના કરતા હોય છે, પણ ધારો કે ગણપતિબાપા પ્રસન્ન થઈને કહે કે ‘માગ, માગ; માગે તે આપું’ તો તમે શું માગો? અમને બાપ્પા તરફથી આવું વરદાન મળે તો અમે ગણપતિબાપા પાસે કશી જ વ્યક્તિગત ડિમાન્ડ ન કરીએ, પણ કશુંક અલગ જ માગીએ. હવે વાચકમિત્રોથી તો શું છુપાવવાનું હોય? જોકે, ગણપતિબાપાને પ્રાર્થના કરીને તેમની પાસે કશુંક માગવા માટે એક લાબું લિસ્ટ બનાવ્યું છે એ આખું શબ્દમર્યાદાને કારણે વાચકમિત્રો સામે મૂકી શકીએ એમ નથી, પણ સૂંઢાળા સ્વામી પાસે અમે શું-શું માગવા ઈચ્છીએ છીએ એ પૈકી કેટલીક માગણીઓની વાત લો તમે પણ જાણી જ લો. હે વિધ્નહર્તા, સૌ પહેલાં તો તમે એવાં સરકારી ‘સજ્જનો’ને અને ‘સન્નારીઓ’ને તમારા ભક્ત તરીકે ના-લાયક ગણીને પાઠ ભણાવજો કે જેઓ પ્રજાના નોકર તરીકે ફરજ બજાવતા હોય, પણ તેમનો વ્યવહાર એવો હોય કે જાણે પ્રજા તેમના પિતાશ્રીની ગુલામ હોય! હે ગણેશજી, સાર્વજનિક ગણેશોત્સવને નામે દાદાગીરીથી પૈસા ઉઘરાવી જતા હોય એવા તમારા સો કોલ્ડ ભક્તોને તમારાથી બાર ગાઉ છેટા જ રાખજો. આવા ઘણા ‘ભક્તો’ મંડપની અંદર કે બહાર ભાઈલોગની જેમ ચકળવકળ આંખો ફેરવતા ‘ભાઈગીરી’ કરતા હોય એ જોઈને અમારું હૈયું વલોવાઈ જાય છે. પ્રામાણિક પોલીસ અધિકારીઓ તેમને ઊંધા લટકાવીને પબ્લિકની વચ્ચે ફટકારે એવું કાંક કરો તો અમારા જેવા અબુધ લોકોના જીવને થોડી ઠંડક થાય, બાપ્પા. હે રિદ્ધિ-સિદ્ધિના દેવ, સત્તાનો દુરુપયોગ કરીને સામાન્ય માણસોનાં જીવનમાં ઝેર ઘોળી દેતા હોય એવા ખેપાની નેતાઓને, ગુંડાઓને કે સરકારી ગુંડાઓને, સોરી, સરકારી અધિકારીઓને તમે ભલે નરકમાં ઉકળતા તેલની મોટ્ટી કડાઈમાં પકોડાની જેમ તળવાની સજા ન આપો, પણ તેમને ક્યારેક મોતનો ખોફ તો બતાવતા રહો જેથી તેમને યાદ આવતું રહે કે એક દિવસ અહીંથી જવાનું છે અને એ વખતે સેંકડો કે હજારો કરોડ રૂપિયા સાથે નથી આવવાના. આ જ બોધપાઠ પોતાને ભગવાન માનવાની હદ સુધી જનારા કરોડપતિ કે અબજપતિ પત્રકારોને, ઉદ્યોગપતિઓને કે બીજા કોઈ પણ ક્ષેત્રોના ભગવાનોને પણ આપજો, પ્લીઝ.હે વિધ્નહર્તા, આર્ટ અને પોલિટિક્સને મિક્સ કરતા નમૂનાઓને પણ થોડીઘણી બુદ્ધિ આપજો. તોફાની ‘બોયકોટવીરો’ને (અને વીરાંગનાઓને પણ) બુદ્ધિ આપજો કે કલા અને રાજકારણને મિક્સ ન કરે. અને સ્વતંત્રતા અભિવ્યક્તિના ઓઠા હેઠળ વિકૃત ફિલ્મો કે વેબસિરીઝ બનાવનારા ખેપાની સર્જકોને પણ થોડીક સદ્્બુદ્ધિ આપજો કે આર્ટમાં ભેળસેળ કરવાની ગુસ્તાખી ન કરે. હે લંબોદરાય, ફિલ્મમેકર લીના મેકમલાઈ દેવીને સિગારેટ પીતાં દર્શાવે કે એમ. એફ. હુસૈન જેવા ખેપાનીઓ વાહિયાત અને વિકૃત રીતે લોકોની લાગણી દુભાવતાં ચિત્રો દોરે ત્યારે તેને કલાની ઉચ્ચ અભિવ્યક્તિ ગણાવતા અને સલમાન રશદી કે બંગાળી લેખિકા તસ્લીમા નસરીનના ગળા ચીરવાના કે માથા વાઢવાના ફતવાઓ નીકળે ત્યારે ટેસમાં આવી જતા બૌદ્ધિક દુષ્ટોને પણ થોડાક સીધાદોર કરી દેજો. હે મહાદેવપુત્ર, સરકાર ખોટી હોય ત્યારે પણ આંધળા બનીને તેનું સમર્થન કરનારાં લોકોને થોડી અક્કલ આપજો કે સરકારના, કોઈ પક્ષના કે કોઈ નેતાના નહીં, દેશના હિતમાં વિચારવું જોઈએ. અને દેશભક્તિના નામે એવાં કૃત્યો ન કરવા જોઈએ કે જેને કારણે આપણો દેશ દુનિયાભરમાં બદનામ થાય (બાય ધ વે, ‘આ લેખ (કે ફોર ધેટ મેટર બીજો કોઈ લેખ) લખવા માટે તમને કેટલા રૂપિયા મળ્યા?’ એવા ઈમેલ તેઓ છો ને કરતા. અમને ગુજરાતી લેખકોને લખવા કે ન લખવા માટે શું મળે છે કે નથી મળતું એની તમને તો ખબર હોય જ ને, અંતર્યામી! એટલે તેમની સામે અમને કોઈ જ ફરિયાદ નથી‌). હે સિદ્ધિવિનાયક, સરકાર કે નરેન્દ્ર મોદી કે બીજા કોઈ પણ નેતાનો વિરોધ કરવા માટે આંધળાભીંત બનીને દેશની ઘોર ખોદવા સુધીની હદ સુધી પહોંચી જતા હોય એવા બૌદ્ધિક અને સેક્યુલર ગઠિયાઓને બોચીએથી લટકાવીને તેમને સમજાવજો કે સરકારનો વિરોધ ચોક્કસ કરી શકાય, પણ સરકારના વિરોધમાં છેલ્લી પાયરીએ ઊતરીને દેશના હિતને જોખમમાં ન મૂકી શકાય. અને હા, આ કોલમ બંધ કરાવવા માટે તેઓ પણ ભલે પત્રો લખે, ઈમેલ મોકલાવે કે કોલ કરે એની સામે અમને વાંધો નથી, દુંદાળા દેવ (શરૂઆતમાં જ કહી દીધું હતું ને કે અમે અમારી કોઈ વ્યક્તિગત ડિમાન્ડ તમારી સમક્ષ મૂકવા માગતા નથી). હે અર્ધદંતેશ્વર, બીજા માણસોને નડવા-કનડવા માટે જ અમારો જન્મ થયો છે એવું માનતા અને કારણ વિના પાડોશીઓને કે બીજા માણસોને કનડતા પાપીઓ ‘ભાઈઓ’ને (અને ‘ભગિનીઓ’ને પણ) તો માત્ર તમારા ભક્તજનોની યાદીમાંથી કાઢી મૂકીને વાત પૂરી ન કરતા. તેમને તો, પ્યોર કાઠિયાવાડી ભાષામાં કહીએ તો, તમે ભાઠાવાળી કરીને સીધા દોર કરી દેજો, બાપ્પા.{

અન્ય સમાચારો પણ છે...