તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફબીટ:સફળતા

એક મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
 • કૉપી લિંક
 • ચૂપચાપ પોતાની મેળે જીવતાં આવડે છે એને માટે સફળતા બહુ નાનો શબ્દ બની જાય છે

દરેક માણસ એણે નક્કી કરેલી નિતિમત્તા પ્રમાણે સકુળ હોય છે જ અને મનથી મોટ્ટેભાગે નિષ્ફળ અને નાખુશ હોય છે. સફળતાની પારાશીશી અને માપદંડો જુદાં છે. ચંન્દ્રકાન્ત બક્ષી કહેતા કે ‘સુખમાં પહેલો નંબર નથી અને પહેલો મહા સુખી જ હોય એવું પણ જરૂર નથી.’ સફળતા માટે પણ આ નિયમને લાગુ પાડી શકાય. જેને પથ્થરમાંથી પાણી નહીં, અત્તર કાઢતાં આવડે એ માણસ સફળતાની રેસમાં આગળ ન પણ હોય. સરખામણી અને સ્પર્ધા બધામાં જરૂરી નથી પણ સફળતાની બાબતમાં એ અનિવાર્ય થઈ પડે છે. સફળતા જૂનો શરાબ છે. જે સદીઓથી પીવાય છે. કોઈ ધરાતું નથી અને ભાનમાં અવાય ત્યારે ઉંમરનો મોટો તકાજો પૂરો થઈ ગયો હોય છે.

મહેમાન બનીને જઈએ છીએ ત્યારે ઘરના wifiનો પાસવર્ડ પૂછી લેતાં હોઈએ છીએ. સફળતાનો પાસવર્ડ આપણા સિવાય બધાં પર થતી ઈર્ષ્યા છે. વિરોધીઓ હોય તો તબિયતથી જીવાય છે. થોડાક ઘાવ શરીરની આબરૂ વધારી દેતા હોય છે. એની પ્લાસ્ટિક સર્જરી કરીને દેખાવડા થવાની ભૂલ ન કરવી. અજાતશત્રુ બનવામાં ક્યારેક નોંધ ન લેવાય એવું બને! (અજાતશત્રુ બધાંની નોંધ રાખે છે એટલે જ એ સફળ છે) આપણી ગેરહાજરી આપણા સિવાય બધાંને ખૂંચવી જોઈએ. લેબલ આપણે જ દુનિયાને માર્યાં છે હવે આપણાંથી ઊઘડી ગયાં છે, પણ એના ડાઘા પીછો છોડતા નથી! સામાન્ય થઈને જીવવાની મજા અસામાન્ય કરતાં વધારે છે એ સમજાય ત્યાં સુધીમાં પીઠમાં દુઃખાવો ઘર કરી ગયો હોય છે. ટેસથી જીવવું એ પણ સફળતા છે. પણ, ટેસની માત્રા નક્કી કોણ કરે? વાંક ઈચ્છાનો નીકળે છે ને ધાર્યું મન કરે છે. નામના, મોટું બેંકબેલેન્સ, કરોડોની જમીનો, શેરબજારના આંકડાઓ વગેરે જેવામાં જ સફળતા અટવાઈ જાય છે. નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહેલા જીવનની બહુ ઓછાને ખબર પડે છે. જેને પડે છે એ માટે સફળતા અગત્યની નથી પરંતુ એ જે કરે છે તે બધું જ અગત્યનું છે. એનો પ્રત્યેક શ્વાસ લગની સાથે જીવે છે. એને અરીસા વગર પોતાનો ચહેરો જોતાં આવડે છે.

સફળ થવાનો એક જ રસ્તો છે જાતમાં વિશ્વાસ અને કામમાં વફાદારી! બીજું બધું જ આ વાક્યની અંદર સફળતાના વાઘા પહેરીને લુચ્ચા શિયાળની જેમ વાઘની નાતમાં ફરે છે. જેઓને પોતાને ખલાસ થતાં આવડે છે, એકલા પડીને છલકાતાં અને છલકાવતાં આવડે છે, ‘આજનું રાશિભવિષ્ય’ જોયા વગર નસીબને અજમાવતાં આવડે છે, સંબંધોમાં ઘસાઈને ઊજળાં થતાં આવડે છે, ભરેલી જગામાં ખાલી અને ખાલી જગામાં મોકળાશને શોધતાં આવડે છે, ટૂંકમાં, ચૂપચાપ પોતાની મેળે જીવતાં આવડે છે એને માટે સફળતા બહુ નાનો શબ્દ બની જાય છે.
સંતાનોને મોટા કરવામાં સફળતા છે? ફરજમાં સફળતા ઓગળી જાય છે તો તમે એનું એ જ કરો છો જેમાં તમને સતત કંટાળો આવે છે. દેખાડો કરવામાં અમૂલ્ય વર્ષો વીતી ગયાં એનું ધ્યાન કોણ રાખે છે. ‘જીવવું’ અને ‘મરવું’ જો એક જ વાર છે તો એ બંને વચ્ચે ઝીલવાના ઘણા વાર છે. જે એને વાર સમજીને સામનો કરે છે એને માટે હાથવગી છે સફળતા અને જે એને દોસ્ત બનાવીને કે અવગણીને પોતાના કામમાં રચ્યા-પચ્યા રહે છે એને સામેથી મળવા જાય છે સફળતા! અનુભવ ઘરડા કરે છે કે દિવસે ને દિવસે વધારે જુવાન – એ જોવાનું કામ સફળતાનું છે.
ઓન ધ બીટ્સ
લીલી સૂકી તો શૂન્ય છે ચૈતન્યનું પ્રમાણ,
કબરોના ભાગ્યમાં કોઈ માઠું વરસ નથી.
- શૂન્ય પાલનપુરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો