તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યંગવિશ્વ:ચતુર માણસની મૂર્ખતા

ડૉ. જગદીશ ત્રિવેદી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અંબાલાલે ક્રોધમાં સ્કૂટરને લાત મારી એમાં સ્કૂટરથી વધુ પીડા એને જ થઇ

ચૂંટણી ઉપર નેતાઓનો વચનપ્રેમ પરાકાષ્ઠાએ હોય છે એમ શિયાળામાં અંબાલાલનો વસ્ત્રપ્રેમ ચરમસીમાએ હોય છે. જેમ ઠંડી વધતી જાય એમ એના શરીર ઉપર વસ્ત્રોની સંખ્યા વધતી જાય છે. એ ચટાપટાવાળી ચડ્ડી ઉપર લેંઘો અને લેંઘા ઉપર પેન્ટ પહેરે છે. શરીરના ઉપરના ભાગે સૌપ્રથમ કાણાંયુક્ત બનિયાન, એની ઉપર શર્ટ ત્યાર બાદ સ્વેટર અને સૌથી ઉપર કોટ પહેરે છે. એણે ખાખી રંગનો વળી મોટી સાઇઝના સોનેરી બટનવાળો સેકન્ડહેન્ડ કોટ ત્રણ શિયાળા પહેલાં જ લારીમાંથી ભાવસંબંધી રકઝક કરીને ખરીદ્યો છે. આ રીતે એક સુટકેસમાં ન સમાય એટલાં કપડાં એકસાથે પહેરી કોઇ પંચરની દુકાનવાળાએ ફેંકી દીધેલા ટાયરને સળગાવી એને તાપતાં-તાપતાં કહે છે કે આ વર્ષે જોઇએ એવી ઠંડી પડી નથી. ત્યારે આપણને કહેવાનું મન થાય કે ટાઢ તો ગાત્રો થીજી જાય એવી પડે છે, પણ તું આખો ડામચિયો ખડકીને બેઠો છે એટલે તને લાગતી નથી. જે રીતે સંપત્તિનો ડામચિયો ખડકીને બેઠેલા ગર્ભશ્રીમંતોને ગરીબીનો અનુભવ થતો નથી.શિયાળાની એક રાત્રે પહેરાય તેટલાં વધુ વસ્ત્રો પહેરી અંબાલાલ એક લગ્નના ભોજન સમારંભમાં જમવા ગયો. એક જ દિવસે ભોજનના એકથી વધુ નિયંત્રણ હોય ત્યારે જે નિયંત્રણમાં ચાંદલા પ્રથા બંધ હોય તેના ઉપર પસંદગી ઉતારે છે. તે રાત્રે અંબાલાલ ત્રણ આમંત્રિતો જમે એટલું જ ભોજન એકલા પેટે આરોગી ગયો. ત્યાર બાદ ત્રણ કપ આઇસક્રીમ ખાધો અને છેલ્લે મુખવાસના કાઉન્ટર ઉપર મૂકેલા તમામ મુખવાસ ખાઇને સળીથી દાંત ખોતરતો સળીખોર અંબાલાલ બહાર આવ્યો. સાવ મફતમાં ત્રણ માણસ જેટલું ખાઇને ત્યાં કરેલા ડેકોરેશનમાં આઠ-દસ સેલ્ફી લઇને સોશિયલ મીડિયામાં એવી રીતે અપલોડ કરી કે જોનારાને લાગે કે અંબાલાલના ઘરે પ્રસંગ છે.અંબાલાલે પાર્ટી પ્લોટના પાર્કિંગમાં આવી સ્કૂટરની ડેકીમાં શાલ અને મફલર કાઢ્યાં. ત્યાર બાદ કોટ ઉપર શાલ ઓઢી, વાંદરાટોપી ઉપર મફલર બાંધી સ્કૂટરને પોતાની તરફ નમાવીને હળવેથી કીક મારવા લાગ્યો.એણે આઠ-દસ કિક મારી ત્યાં સુધી એ નિષ્ફિકર હતો, પરંતુ વીસ-પચાસ કિક માર્યા પછી ઠંડી ઊડવા લાગી અને ચિંતા વધવા લાગી. ત્યાર બાદ અંબાલાલે શાલ ઉતારી આઠ-દસ કિક મારી અને સમયાંતરે મફલર, કોટ અને સ્વેટર સુધીના વસ્ત્રો ઉતાર્યાં. એણે અડધા કલાકમાં દોઢસોથી વધુ વખત કિક મારી, આઠ-દસ વખત સ્કૂટરને નમાવ્યું, એક વખત તો પ્લગ ખોલીને સાફ કરીને લગાવ્યો, પણ સ્કૂટર મચક આપતું નહોતું. એક વાર કિક છટકી એમાં ચંપલની પટ્ટી તૂટી ગઇ. સ્કૂટરની કિક અને અંબાલાલની કમાન બંને સાથે છટક્યાં. અંબાલાલે ક્રોધમાં સ્કૂટરને લાત મારી એમાં સ્કૂટરથી વધુ પીડા એને જ થઇ.અંતે કંટાળીને અંબાલાલે સ્કૂટરને દોરીને ચાલવાનું શરૂ કર્યું. આશરે દોઢ કિલોમીટર ચાલ્યા પછી એક ‘દ્વિચક્રી વાહન ચિકિત્સાલય’ એટલે કે સ્કૂટરનું ગેરેજ શોધવામાં સફળ થયો. અંબાલાલે ગેરેજમાં જઇને સ્કૂટર ઊભું રાખ્યું ત્યારે એ કડકડતી ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ હતો. આ સમયે એ સ્કૂટરની ઘોડી ચડાવીને ઊભું રાખવા જેટલી ક્ષમતા પણ ગુમાવી ચૂક્યો હતો. અંબાલાલ કારીગર સામે જોઇને શિયાળામાં ઓશિયાળા મોંઢે બોલ્યો કે, ‘ભાઇ, જરા જુઓ ને, આમાં શું તકલીફ છે?’મિકેનિકે પોતાની અનુભવી આંખથી જોઇને કહ્યું કે, ‘ખાસ કોઇ તકલીફ નથી. તમે સ્કૂટરમાં ચાવી પણ ભરાવી છે, પરંતુ એને થોડી ફેરવીને ઓન કરવાનું ભૂલી ગયા છો.’ ⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો