ગુજરાત સરકાર નવો કાયદો લાવી છે કે રાજ્યની દરેક સ્કૂલમાં હવે એકથી આઠ સુધીનાં ધોરણમાં ગુજરાતી વિષય ભણાવવાનું ફરજિયાત રહેશે. સારી વાત છે. માતૃભાષા શીખવી જોઈએ, એવી જ રીતે જે રાજ્યમાં રહેતાં હોઈએ ત્યાંની સ્થાનિક ભાષા શીખી લઈએ તો કમસે કમ વ્યક્તિની પોતાની રોજબરોજની જિંદગી થોડી સરળ થઇ જાય, પણ હવે એ પ્રશ્ન થાય છે કે જેમની માતૃભાષા ગુજરાતી છે, જેમનો પોતાનો અને પૂર્વજોનો જન્મ અને ઉછેર પણ અહીં થયો છે, એમનાં બાળકોએ ગુજરાતી શીખવું જોઈએ, એ પણ સરકારે વિચારવું પડે? માબાપ પોતે શું કરે છે કે કરતાં હતાં?
આગળ વધતાં પહેલાં અહીં એક વાત સ્પષ્ટ કરી લેવાની કે બાળકે ગુજરાતી માધ્યમમાં ભણવું કે અંગ્રેજીમાં, એની ચર્ચા અહીં નથી કરવાની. એ તો જે તે માબાપે નક્કી કરવાનું અને ઇંગ્લિશ મીડિયમ ધરાવતી સ્કૂલ પસંદ કરતા વડીલોની ટીકા હું તો ક્યારેય નથી કરતી. આપણને ગમે કે ન ગમે, પણ ભણી લીધા બાદ બહારની દુનિયામાં નીકળો ત્યારે અંગ્રેજીનું મહત્ત્વ સમજાય છે. અરે, ગુજરાતની અંદર, ગુજરાતી છાપાંમાં કામ કરવું હોય તોયે અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે. નેશનલ, ઇન્ટરનેશનલ ન્યૂઝ મોટેભાગે અંગ્રેજીમાં આવે છે. એનું ભાષાંતર કરનાર ગુજરાતી ભાષાનો પંડિત હોય પણ અંગ્રેજી ન આવડતું હોય તો અર્થનો અનર્થ થઇ શકે અને થાય પણ છે. મોટી કંપનીમાં નોકરી શોધો તોયે આ જરૂરત પડે.
જોકે, એનો અર્થ એવો નહિ કે ઈંગ્લિશ મીડિયમમાં ભણીએ તો જ ઉદ્ધાર થાય. ગુજરાતી માધ્યમમાં ભણેલાં લોકો પણ ઇન્ટરનેશનલ લેવલે સિદ્ધિ મેળવે છે, પરંતુ એક વાત નોંધજો કે આ લોકોએ પણ ક્યારેય અંગ્રેજીનું મહત્ત્વ ઓછું નથી આંક્યું. અંગ્રેજી ભાષાને ઉતારી પાડવાનો ધંધો અમુક કથાકારો, કથિત હાસ્યકલાકારો અને જેમને ક્યારેય પોતાના જીવનમાં અંગ્રેજીની જરૂર નથી પડી એ લોકો જ મોટેભાગે કરે છે. અને એ નવી પેઢીને ખોટો સંદેશ આપે છે. બાકી જે લોકો બીજા ક્ષેત્રમાં આગળ વધ્યાં છે, એમણે પોતે ભલે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં લીધું હોય પણ પછી અંગ્રેજી શીખવા માટે મહેનત કરી છે. અને ઘણાં લોકો મારાં જેવાં નસીબદાર છે જેમને ગુજરાતી માધ્યમની સ્કૂલમાં પણ સારું ઇંગ્લિશ ભણાવતાં ટીચર અને ઘરમા પણ ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી જેવી બીજી ભાષાઓ પણ સરખી રીતે લખવા-વાંચવાનો આગ્રહ રાખતાં માબાપ હતાં. પપ્પા સાથે બહાર જતી વખતે રસ્તાની બંને બાજુ હિન્દી-અંગ્રેજીમાં લખેલાં બોર્ડ્સ વાંચવાની આદત નાનપણથી પડાયેલી. બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવવાનો આગ્રહ રાખતા કેટલા વડીલો આવી તસ્દી લે છે?
અને આ જ વાત સંતાનોને ઈંગ્લિશ મીડિયમમાં ભણાવવાનો આગ્રહ રાખતાં માબાપોને પણ લાગુ પડે છે. ઘરમાં ગુજરાતી બોલાતું હોય, ગુજરાતી છાપું આવતું હોય, માત્ર ગુજરાતી બોલતાં દાદા-દાદી ને નાના-નાની હોય, તોયે બાળકને ગુજરાતી લખતા-વાંચતા ન આવડે, ગુજરાતી ભાષાનો કક્કો પણ ન શીખવાડાતો હોય એવી સ્કૂલોની સંખ્યા વધતી જાય એમાં વાંક કોનો? ગુજરાતી પરિવારનાં બાળકો થોડુંઘણું ગુજરાતી લખતાં-વાંચતા શીખે એ જોવાની જવાબદારી પણ સરકારે લેવાની? અઘરાં, અને મોટી વયનાં ગુજરાતીઓને પણ ન સમજાય એવાં કાવ્યોનું રસપાન કરાવવાની વાત નથી. ‘મેં એક બિલાડી પાળી છે’ જેવી સીધાસાદાં જોડકણાં જેવી કવિતા પણ ન શીખવી શકે, ઘેર આવતાં ગુજરાતી છાપાંમાં મોટે અક્ષરે લખેલા શબ્દો પણ બાળકને વંચાવવા જેટલી મહેનત ન કરે એવાં ગુજરાતીઓ છે. એટલે ગુજરાતી ભાષા સાચવી રાખવા માટે સરકારે કાયદો લાવવાની ફરજ પડે, એમાં શું ખુશ થવા જેવું છે? અને કાયદો પણ સ્કૂલોને લાગુ પડે છે, મતલબ બાળકને પોતાનું અને માતાપિતાનું નામ ગુજરાતીમાં લખવા જેટલું જ્ઞાન મળી રહે એ જોવાની જવાબદારી પણ સ્કૂલમાં શિક્ષકની છે. ઘરના વડીલોએ કંઈ કરવાનું જ નહીં?
નવો કાયદો અમલમાં આવ્યા પછી ઘરમાં ગુજરાતી શીખવાડીને બાળકને પરીક્ષામાં સારા માર્ક્સ લાવવા જેટલી મહેનત કરાવી શકે એવા ટ્યૂશન ટીચરની શોધ શરૂ થશે. થોડાં લોકોને રોજગારી મળી રહેશે એમ માનીને રાજી થવાનું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.