ક્રાઈમ ઝોન:અજવાળામાં સ્ટુડન્ટ, અંધારામાં રેપિસ્ટ

પ્રફુલ શાહ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભણાવવાના ઓથા હેઠળ ધનવાન નબીરો કરતો હતો જાતીય શોષણ. મીઠી વાતમાં આવી ગયા 159 જણા, પણ એને પસ્તાવો નથી

દરેક આપણું અમદાવાદ એશિયાના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હતું એ માન્ચેસ્ટરનો ચોંકાવનારો કિસ્સો છે આ. માન્ચેસ્ટર શહેરના સેન્ટરમાં આવેલી પ્રિન્સેસ સ્ટ્રીટમાં આલ્બર્ટ સ્ક્વેર, બાર્સ, દુકાનો, રેસ્ટોરાંનો ધમધમાટ. યુવાનોના સૌથી લોકપ્રિય ચાઈના ટાઉન અને ગે વિલેજ. એનાથી આગળ આવે ફેક્ટરી, ફિફ્થ, જોશુઆ બ્રુક્સ જેવી નાઈટ ક્લબ. અહીંની રાત વધુ દમદાર. નજીકમાં શહેરની બે યુનિવર્સિટી અને આસપાસ વિદ્યાર્થીઓના ભાડાનાં રહેણાંક. રાતના અંધારામાં એક ટીનેજર ખુલ્લી હવામાં શ્વાસ લેવા ક્લબની બહાર નીકળ્યો. ખબર નહીં દોસ્તો ક્યારે બહાર આવશે. એક સ્માર્ટ ભલા યુવાને પ્રેમભર્યો ઉકેલ બતાવ્યો, ‘રસ્તાને બદલે મારા ફ્લેટમાં દોસ્તોની રાહ જોઈ શકે છે તું.’ બંને ફ્લેટમાં ગયા. થોડી વારમાં અંદરથી બૂમાબૂમ સંભળાવા માંડી : ‘હેલ્પ-હેલ્પ.’ તરત ટીનેજર ઉતાવળે પગલે બહાર ભાગ્યો. ફરિયાદ કરીને પોલીસને લઈને પાછો આવ્યો. પોલીસે અંદર જોયું કે ભલો યુવાન અર્ધબેભાન અવસ્થામાં પડ્યો હતો, ગંભીર ઈજા થઈ હતી. પોલીસે ગુસ્સામાં ટીનેજરની ધરપકડ કરી. હોસ્પિટલમાં હોશમાં આવ્યા બાદ એ યુવાન પોલીસ ઓફિસરને વારંવાર વિનંતી કરે : પ્લીઝ, ફ્લેટમાંથી મારો મોબાઈલફોન લાવી આપો. પોલીસને એનું વર્તન વિચિત્ર લાગ્યું. મોબાઈલફોન લાવ્યા બાદ પોલીસે પાસવર્ડ પૂછ્યો, તો એ યુવાન પાસવર્ડ આપવા માંડ્યો પણ ફોન ખૂલવાનું નામ ન લે. એક પાસવર્ડથી ફોન ખૂલવા માંડ્યો, ત્યાં તેણે ફોન આંચકી લેવાનો પ્રયાસ કર્યો. પોલીસની શંકા વધી ગઈ. મહત્ત્વના પુરાવા તરીકે ફોન જપ્ત કરી લીધો. ગેલેરી જોઈ તો એમાં એક વિડીયો જોઈને પોલીસ સ્તબ્ધ થઈ ગઈ. આ યુવાન ફરિયાદી ટીનેજર પર બળાત્કાર કરતો હતો. પોલીસે અકસ્માતે અભૂતપૂર્વ ક્રાઈમ કેસ ઉકેલી નાખ્યો. યુવાન હતો રીનહાર્ડ સિનાગા. મૂળ થાઈલેન્ડનો રહેવાસી. 36 વર્ષનો રીનહાર્ડ સાત વર્ષથી આ વિદ્યાના ધામમાં હતો. ચાર ડિગ્રી બાદ ડબલ ગ્રેજ્યુએશન કરતો હતો. આ ભણ‘વા’ પાછળ શિક્ષા-પ્રાપ્તિને બદલે મલિન ઈરાદા હતા. આ મલિન કરતૂતોનો અંત આવ્યો. 2017ની બીજી જૂને, પેલા ટીનેજરની ફરિયાદથી. રીનહાર્ડ સિનાગા વિદ્યાર્થીના મુખવટા નીચે ભયંકર વિકૃત માનસ ધરાવતો અપરાધી નીકળ્યો. આ સીરિયલ સેક્સ ઓફેન્ડર વિરુદ્ધ 49 ટીનેજર અને યુવાનને છેતરીને ડ્રગ્સ આપવા, બળાત્કાર કરવા અને સેક્સ્યુઅલ અસોલ્ટના ગુના સાબિત થયા. પોલીસના મત મુજબ રીનહાર્ડે ઓછામાં ઓછા 159 જણાને પોતાના શિકાર બનાવ્યા છે. આ ચોક્કસ આંકડા પર આવવાના કારણો, પુરાવા અને સાબિતી આ બદમાશે જ પૂરાં પાડ્યાં. એ પોતાની પાપલીલાનો મોબાઈલફોનમાં વિડીયો ઉતારતો હતો. શિકારની એકાદ વસ્તુ સંભારણાં કે ટ્રોફી તરીકે રાખે. રાખી લેતો હતો. સિનાગા પોતાના ફ્લેટની આસપાસના વિસ્તારમાં રહેતા પુરુષોને પસંદ કરતો. આસપાસની નાઈટ ક્લબમાં બે-પાંચ પેગ મારીને નશામાં બહાર ટહેલવા કે ઘેર જવા નીકળનારાઓને ટાર્ગેટ કરતો એ. ઘણા નશામાં ધૂત હોય કે સિનાગા સાથે શું વાતચીત થઈ, એ ક્યાં લઈ ગયો કે શું કર્યું એનું ભાન સુદ્ધાં ન રહે. શિકારને ફ્લેટમાં લઈ જવા એ નિતનવા નુસખા અજમાવતો. પાછો એ દેખાવમાં ફ્લેમ બોય. પાતળો, સામાન્ય કદ-કાઠી, ચર્ચ જનારો, હસતો અને એકદમ નિરુપદ્રવી સજ્જન લાગે. આ ઈમેજ શિકારને ફ્લેટમાં લઈ જવા માટે પૂરતી હતી. કોઈકને ડ્રિંક પીવડાવે, તો કોઈકને ડ્રગ આપે. મોટાભાગના શિકાર ભૂલી જાય કે પોતાની સાથે શું થયું છે, તો અમુકને યાદ આવે ત્યારે શરમ, માથાકૂટ અને ઈમેજ બગડવાના કારણોસર ફરિયાદ ન કરે. તેમ છતાં કોર્ટમાં 48 શિકારે જુબાની આપી. આ બધા હેટરેસેક્સ્યુઅલ અર્થાત્ વિપરીત લિંગકામી, ટૂંકમાં એકદમ નોર્મલ પુરુષો. એટલે પોલીસમાં જતા વધુ ફફડાટ રહે કે ઘર, સમાજ કેવી રીતે રિએક્ટ કરશે. કોર્ટમાં સિનાગાની પેટર્ન સ્પષ્ટ થઈ. એક યુવાન ફિફ્થ એવન્યૂ નાઈટ ક્લબમાં બહાર ગર્લફ્રેન્ડની પ્રતીક્ષામાં હતો. સિનાગાએ સ્માઈલ સાથે પોતાના ફ્લેટમાં બેસવાનું આમંત્રણ આપ્યું, કંઈક પીવા આપ્યું અને પછીનું એને કંઈ યાદ ન રહ્યું. બીજો માણસ દોસ્તની રાહ જોતો હતો, ત્યારે સિનાગાએ દયામણા મોઢે વાત કહી, ‘મારો ફોન ડેડ થઈ ગયો. ટેક્સી બોલાવવા તમારો ફોન વાપરી શકું? ત્યાં સુધી તમે મારા ફ્લેટમાં બેસો.’ અન્ય એક યુવાનને પરેશાન જોઈને સિનાગાએ ઓફર કરી, ‘ફોનનું ચાર્જિંગ ઉતરી ગયું હોય તો મારા ફ્લેટમાં કરી લો. ગપ્પા મારીશું, એકાદ પેગ સાથે.’ સતત સ્માઈલ અને શિક્ષણ સહિતના બૌદ્ધિક વિષયોની ચર્ચા, પછી કોને શક જાય? બ્રિટનના ઈતિહાસમાં આ બળાત્કારની સૌથી મોટી તપાસ હતી. અદાલત અને પોલીસના મત મુજબ સિનાગા દુનિયાનો સૌથી વધુ પ્રોલિફિક રેપિસ્ટ છે. જાકાર્તાના ધનવાન બેન્કરના ચાર સંતાનોમાં રીનહાર્ડ આર્કિટેક્ચરની ડિગ્રી મેળવ્યા બાદ અર્બન પ્લાનિંગનું ભણવા લંડન આવ્યો હતો. એને કામકાજ કરવાની જરૂર ન પડી ક્યારેય. હ્યુમન જ્યોગ્રોફીમાં આગળ ભણવા સાથે આ માણસે જી.એચ.બી. (ગામા હાઈડ્રોક્સીબ્યુટીરેટ) નામની પ્રતિબંધિત, રંગહિન, સુગંધરહિત પાઉડર/પ્રવાહી પાણીમાં ભેળવીને ઘણાંનું શોષણ કર્યું. આનો ઓવરડોઝ બેહોશીથી લઈને મૃત્યુમાં પરિણમી શકે. રીનહાર્ડને લીધે કોઈ મરી ગયું હોય એવી શક્યતા પોલીસ નકારી કાઢતી નથી. એના બે ફોનમાંથી 800 વિડીયો મળ્યા, પણ પોલીસ માંડ 100 જણાને જ ઓળખી શકી. અને રીનહાર્ડ સિનાગાનું બચાવનામું શું છે? ‘2014ની નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મને ન્યૂ યર કિસ ન મળી, પણ 2015થી મેં ગે વર્લ્ડ (સમલિંગી વિશ્વમાં) હાહાકાર મચાવી દીધો.’ કોર્ટમાં બડાશ પણ મારી, ‘મારું ડ્રિંક પીઓ, હું તમને પ્રેમમાં પાડી દઈશ.’ કુદરત વિરોધી કૃત્ય કરનારાનો વિશ્વાસ જુઓ. કોર્ટમાં એ ખુલ્લેઆમ કહેતો કે આઈ એમ ઓલવેઝ અવેલેબલ. કોર્ટમાંથી આવતા-જતા હસતો રહે, જાણે કે આખી પ્રક્રિયાને દિલથી માણી રહ્યો છે! { praful shah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...