દાંપત્ય જીવનમાં પ્રેમ અને સંભાળ એ એક સિક્કાની બે બાજુ છે. માત્ર પ્રેમ લગ્નજીવન ટકાવી શકવા સક્ષમ નથી. ગાંધીધામ નિવાસી હસ્મિતાબેન દિનેશ કલવાના જીવનની કંઈક આવી જ વાત છે. જ્યાં હસ્મિતાએ ન માત્ર પોતાના પતિને પ્રેમ કર્યો પણ સંભાળ લેવાના મક્કમ નિર્ણય સાથે આદર્શ પત્નીત્વનું ઉદાહરણ ખડું કરી દીધું છે. એ પત્ની કે જેણે પતિની સમસ્યાને પોતાની સમજી ખરા અર્થમાં પોતાને અર્ધાંગિની સાબિત કરી છે. લગ્નનાં ત્રીજા જ વર્ષે અકસ્માતના લીધે કદી ન ભરાય એવી ખોટ દંપતીના જીવનમાં આવી, દિનેશની પેરાપ્લેજીક પરિસ્થિતિમાં હસ્મિતાએ પોતાના પતિની આજીવન સેવા કરવાની નેમ લઈ તેનો અડીખમ સહારો બની છે. મહિલા દિવસે આ મહિલાને યાદ કરતા સો સો સલામ કરવાનું મન થઈ જાય છે.
વાત અઢાર વર્ષ પહેલાંની છે. જ્યારે હસ્મિતાની કૂખે ત્રણ માસનું ગર્ભ ધબકારા લઈ રહ્યું હતું. હજુ ત્રણ વર્ષ પહેલાં જ તો હસ્મિતા અને દિનેશ પ્રેમ પરિણયમાં બંધાયાં હતાં. અને બાળક જન્મની ખુશી સાથે પતિપત્નીના સંબંધથી એકદમ આગે માતાપિતા તરીકેની જવાબદારી લેવા તરફ આગળ વધી રહ્યાં હતાં. બરાબર એ જ વખતે એટલે કે 2005માં દિનેશની કાર અકસ્માતમાં થયેલ મોટા પાયે શારીરિક ઈજાએ દંપતીના જીવનમાં અંધાર ઘેરો ઘાલ્યો. દિનેશ હવે સામાન્ય મનુષ્યમાંથી પેરપ્લેજીક દર્દી બની ગયો હતો.
સગર્ભા હસ્મિતાનાં શારીરિક અને માનસિક સુખ બંને છીનવાઈ ચૂક્યાં હતાં. પોતાની મેળે પડખું પણ ન ફેરવી શકે એવી હાલતમાં દિનેશને રાત્રે દસથી બાર વાર હસ્મિતા જાગીને મદદ કરે, આમ કરતાં અધકચરી ઊંઘ થાય. દિવસ આખો કામ અને પતિની સંભાળ રાખતા ક્યાં પૂરો થઈ જતો ખબર ન રહેતી. એકાએક આવી પડેલી અશક્તિએ દિનેશને ચીડિયો બનાવી દીધી હતો, સામે ખડેપગે સેવા કરતાં પત્ની હસ્મિતા પોતાની સંભાળ લેતાં તો ચૂકી જ ગઈ હતી. તેનો થાક, પતિની વ્યથા, ગર્ભધારણને લીધે શરીરમાં થતા ફેરફારો અને આર્થિક સામાજિક તંગદિલી, આ બધા વચ્ચે બંને ખટપટ કર્યા કરે અને દિવસો પસાર થતા જાય. સૌ કોઈ એવું બોલતા કે, ‘હસ્મિતા તો હજુ જુવાન છે, પતિની જીવનભરની અપંગતાને એ વધારે સમય સહન નહિ કરી શકે.’ ખરેખર થયું પણ એવું જ. એક દિવસ સાવ સામાન્ય તકરારમાં હસ્મિતા પિયર જતી રહી, પણ ત્રણ ચાર દિવસમાં જ તેને એકાએક ભાન થયું કે પુરુષની ચાકરી કાં તો એની માતા કરી શકે અથવા ધર્મપત્ની. દિનેશના માતા તો બાળપણમાં જ ગુજરી ગયાં હતાં. બીજું કે એ બંનેને જોડતી કડી હસ્મિતેના કૂખે ધબકાર લઈ રહી હતી. આ વિચારે તે ઘેર પાછી આવે છે અને પોતાનું સર્વસ્વ ભૂલી માત્ર પતિની સંભાળને પ્રાધાન્ય આપે છે. પ્રેગ્નન્સીના આઠ મહિના સુધી તે દોડતી રહી પરંતુ અચાનક તેનું બ્લડપ્રેશર હાઈ થઈ જતાં હોસ્પિટલમાં દાખલ કરવી પડી અને ડોક્ટરે કહ્યું કે સમય કરતા વહેલાં પ્રસૂતિ કરવી પડશે. પરિસ્થિતિવશ હસ્મિતાને આઠમે મહિને પરી જેવી દીકરીએ જન્મ લીધો પણ દીકરીની હાલત ખૂબ નાજુક હતી એટલે એને આઈસીયુમાં રાખવામાં આવી હતી. સિઝેરિયન થયું હોવાથી પિયરમાં આરામ લેતી વેળાએ આ માતા બસ પોતાની પરી જેવી દીકરીના દિદારને ઝંખતી હતી પણ થોડા સમય પછી સમાચાર આવે છે કે દીકરી સ્વર્ગે સિધાવી છે. તમામ અરમાનોને ચીરતી આ ક્રૂર ખબર જનેતા માટે કોઈ કાળે સહન કરી શકાય તેમ ન હતી. તેનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો હતો. પોતાની દીકરીની અંતિમ વિદાય પણ નસીબ ન થઈ, અને કોઈએ પોતાને જાણ પણ ન થવા દીધી. દરરોજ આ દંપતી ફોનમાં ઝઘડો કરે, રડે અને આ રીતે પ્રેમાકારે એકબીજાનો અપ્રત્યક્ષ સાથ મેળવતાં હતાં. દીકરીની અકાળ વિદાયથી હવે નક્કી થઈ ગયું હતું કે આ બંને નક્કી છુટ્ટાં થઈ જશે. ખુદ દિનેશ પણ ગભરાતો હતો પરંતુ પત્નીનો સમર્પણ ભાવ, પ્રેમ અને અકળ નિશ્ચય થકી દાંપત્યના બે દાયકા વીતી ચૂક્યા છે. આઈવીએફની મદદથી હસ્મિતાએ ટ્વિન્સ બાળકો હસ્તી અને હર્ષિલને જન્મ આપ્યો છે. કેલિપરના સહારે દિનેશ ઓફિસના કામ સંભાળી શકે છે, પરંતુ હસ્મિતા આજે મહત્તમ સમય વ્હીલચેર પર સમય ગાળતા પતિની સર્વેસર્વા બની ચૂકી છે.
દિનેશ કહે છે, ‘ઈશ્વરે મારા જીવવાની પૂરપાટ ધસમસતી ગાડીને એક જ ઝાટકે એવી ક્રૂર બ્રેક મારી કે હું ક્યાંયનો ન રહ્યો, એક જ વર્ષમાં બે કરુણાંતિકા. અકસ્માત ને પછી પ્રથમ સંતાનની ચીર વિદાય કાળજું કંપાવી ગઈ, પણ મને જીવનનું બળ મળ્યું મારી પત્ની હસ્મિતા અને તેણે આપેલાં ટ્વિન્સ બાળકો થકી.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.