જ્યાં સુધી મહિલાઓનું સશક્તિકરણ કરવાની વાત છે ત્યાં સુધી તો બધું બરોબર જ હતું, પણ જ્યાં મહિલાઓને ‘પુરુષ સમોવડી’ બનાવવાની વાત છે ત્યાં બહુ મોટા લોચા છે ભૈશાબ!
આ મહિલા ક્રિકેટનો જ દાખલો લ્યો ને! T20 મહિલા કપની મેચો અમે એટલા માટે જોતા હતા કે આપણી મહિલા ટીમ ફાઈનલમાં પહોંચે તો એ બહાને આપણે પોતપોતાની પત્નીઓ પાસે પાર્ટીઓ માગી શકીએ! એટલું જ નહીં, આપણા ભાયડાઓની મેચોમાં પણ એમને રસ પડે તો આગળ જતાં આપણાં રિમોટો છીનવાય નહીં!
ખેર, મહિલા ટીમ તો ફાઈનલમાં ના પહોંચી પણ એ જ ખેલાડીઓને જ્યારે અમે કપિલ શર્માના શોમાં જોઈ ત્યારે દંગ થઈ ગયા કે બોસ, આ બધીઓ આટલી બ્યૂટીફૂલ અને સ્ટાઈલિશ છે? કોઈકે વાળમાં જેલ લગાવીને શેપ આપેલો, તો કોઈનો મેકઅપ જોઈને જ આપણા ડાંડિયા ડૂલ થઈ જાય એવું હતું!
સવાલ એ છે કે બહેનો, જ્યારે તમે મેદાનમાં હોવ છો ત્યારે આ બધું કેમ ગાયબ થઈ જાય છે? શા માટે તમે કોહલીઓ, શર્માઓ અને સૂર્યકુમારો જેવાં ટી-શર્ટ અને ટ્રાઉઝર પહેરીને હાલ્યાં આવો છો? (ઉપરથી ટી-શર્ટની સાઈઝો પણ કોહલીઓ, શર્માઓ અને સૂર્યકુમારો જેવી જ હોય!) અમારો વાંધો એ છે કે જો ટેનિસમાં સાનિયા મિર્ઝાઓ અને બેડમિંગ્ટનમાં પી. વી. સંધુઓ સરસમઝાનાં ફ્રોક પહેરી શકતી હોય તો ક્રિકેટમાં કેમ નહીં? ચાલો માન્યું કે પગ ઉપર પેડ પહેરવાં પડે, પણ તો સલવાર-કમીઝ પણ પહેરી શકાય ને? અને ભલે, ટી-શર્ટ ટ્રાઉઝરો પહેરવાં જ હોય તો પહેરો પણ સાવ આવાં કેમ? શું દીપિકા પદુકોણો અને કિયારા અડવાણીઓની સ્ટાઈલો નથી અપનાવી શકાતી? (જો એમ હોત તો વિમેન્સ IPL માટે જેની બોલી માત્ર 3 કરોડની લાગી હતી એમની શરૂઆત જ 12-15 કરોડથી થઈ હોત! બોલો ખોટું કીધું?)
આવો જ લોચો ન્યૂઝચેનલોમાં વર્ષોથી ચાલી રહ્યો છે. અરે બહેન, તમારી પાસે પહેરવા માટે લાલ-કાળા-ભૂરા કોટ સિવાય બીજું કંઈ છે જ નહીં? અને કોટ ઠઠાડ્યો એટલે એની અંદર શર્ટ કે ટી-શર્ટ પ્લેઈન જ હોય! એ પણ સફેદ કે લાલ જ! હેરસ્ટાઈલો પણ એની એ જ! આ ન્યૂઝચેનલોના માલિકો TRP...TRP... કરતાં વ્યૂઅરશીપની પાછળ આટલા દોડે છે તો સાહેબો, ફક્ત તમારી એન્કરોનાં કપડાં અને હેરસ્ટાઈલોનાં ‘મહિલાકરણ’નો ટચ ઉમેરો તો એની મેળે સૌની TRP વધી જશે! કેમકે માત્ર પુરુષો જ નહીં, હવે તો બહેનો પણ એ જોવા માટે ચેનલ ઉપર આવશે કે આજે ફલાણીએ શું પહેર્યું છે!
દૂરદર્શનના જમાનામાં તો ન્યૂઝરીડરો સાડીઓ જ પહેરતી હતી પણ આજે તમને કઈ ભારત સરકારની ગરિમા નડે છે કે ન્યૂઝરીડરો સ્લીવલેસ બ્લાઉઝ અને શિફોનની સાડી પહેરીને પણ સમાચારો ના વાંચી શકે? અરે, તહેવારો હોય ત્યારે તો કેવી રંગત જામે! નવરાત્રિના નવે નવ દિવસ આપણી મહિલા ન્યૂઝ એન્કરો મસ્ત મસ્ત ચણિયાચોળી પહેરીને આવે! અને તો પછી બેઠી બેઠી સમાચારો શેની વાંચે? મોટા ઘેરવાળો ઘાઘરો લહેરાવીને ફૂદડી ફરતાં જ ન્યૂઝ ના આપે? (બેકલેસ ચોલી પણ તો જ દેખાય ને?)
સ્હેજ આંખો બંધ કરીને કલ્પના તો કરો... આહાહા... ઓણમના તહેવારે વાળમાં મોટી મોટી વેણીઓ અને કાંજીવરમ સાડીઓ... ગણેશોત્વ ટાણે મસ્ત મરાઠી નવ-વારી સાડીઓ સાથે ડેકોરેટિવ પાઘડીઓ (ગોગલ્સ પણ ખરા!)... અને દિવાળીના દિવસોમાં તો ભભકાદાર ટ્રેડિશનલ સાડીઓની રીતસર હરીફાઈ ચાલતી હોય એવું લાગે! જો ન્યૂઝચેનલોના ભેજામાં અમારો આઈડિયા ક્લિક થાય તો હાલમાં જે કાળા-ભૂરા કોટ બ્લેઝરો પહેરે છે ને, એનો વારો ફક્ત ક્રિસમસ વખતે જ આવે. બોલો સેક્યુલરિઝમની જય!
તમને ભલે અમારી વાતો શેખચલ્લીના હવાઈ કિલ્લા જેવી લાગતી હશે, પણ મને કહો, મહિલા કેબ-ડ્રાઈવરોને ખાખી શર્ટ, ખાખી પેન્ટ અને માથે કેપ પહેરાવવામાં કયું લોજિક છે? શું કેબ કંપનીઓના માલિકોએ ભારતમાં સરસમઝાની મોંઘી સાડી પહેરીને કાર ચલાવતી મહિલાઓને જોઈ જ નથી? આવું જ મહિલા રિક્ષા ડ્રાઈવરોનું છે. શું એ ડ્રાઈવર બહેનો શહેરમાં સ્કૂટી અને સ્કૂટરો ચલાવતી મહિલાઓની જેમ ચહેરા ઉપર બુકાની બાંધીને ‘મહિલા ફેશન’ ના અપનાવી શકે? (અહીં તમે ખાસ માર્ક કરજો, ભરઉનાળો હોવા છતાં કોઈ ભાયડો પોતાના ચહેરા ઉપર સાદો નેપકિન પણ બાંધીને નીકળે છે?)
આ તો તમને અત્યારથી ચેતવી રહ્યા છીએ, નહીંતર એક દિવસ એવો આવશે કે મહિલા ટ્રાફિક પોલીસો નકલી દાઢી-મૂછ રાખતી હશે! તમે એની સામું આંખો ફાડીને જોયા કરતા હશો તો એ ભારે અવાજે કહેશે ‘ક્યૂં? કભી કોઈ લડકી કો દાઢી મેં નહીં દેખા ક્યા?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.