અત્ર-તત્ર-સર્વત્ર:સાબદા રહેજો, હવે તમારાં સપનાંમાંય થશે જાહેરખબરોનો મારો...

20 દિવસ પહેલાલેખક: ભરત ઘેલાણી
  • કૉપી લિંક
  • ધરાર તમારાં સપનાંમાં પ્રવેશીને પોતાની બ્રાન્ડસ વેચવાની આ નવી ટેક્નિકને કોર્પોરેટજગત વધાવે છે ત્યારે વિજ્ઞાનીઓ એને કેમ વખોડે છે?

‘જીવનમાં સફળ થવું હોય તો સપનાં જોવાં જરૂરી છે, પણ સપનાંને સાકાર કરવા હોય તો ખરે ટાંકણે ઊંઘ ત્યાગીને ઊઠી જવું પણ એટલું જ જરૂરી છે…’ આવી એક પરિચિત ઉક્તિમાં થોડા શબ્દોના સાહજિક ફેરફાર કરીને અમિતાભજી એમના આગામી KBC શોની જાહેરાતમાં આવું આજકાલ કહે છે. વાત સાચી છે. હાથમાં લીધેલું મહત્ત્વાકાંક્ષી કામ સફળ નીવડે એનાં સપનાં તો આપણે બધાં સતત જોઈએ છીએ. તેથી જ સપનાં એવાં હોવાં જોઈએ, જે તમને સૂવા ન દે. આપણે તંદ્રામાં સરકી જઈએ ત્યારે સબકોન્શિયસ માઈન્ડમાં આપણી જાણ બહાર સતત ક્રિયા-પ્રક્રિયા ચાલે છે. જાગ્રત અવસ્થામાં કોઈ સાથે થયેલી વાતચીતનો કોઈ અંશ કે આપણને આવેલો વિચાર, જોયેલી ઘટના કે કંઈક વાંચ્યું હોય એનું પૃથક્કરણ આપણાથી અજાણતા જ અર્ધજાગ્રત મન કરતું રહે છે.

હવે આ જ્ઞાન-વિજ્ઞાનને કામે લગાડી રહ્યા છે મલ્ટિનેશનલ કંપનીવાળા. એ તમારી પરવાનગી વગર વણનોતરેલા મહેમાનની જેમ ધરાર પોતાનાં ઉત્પાદન-બ્રાન્ડસની લાંબી-પહોળી જાહેરખબર કરશે, જ્યારે તમે મીઠી નિદ્રા માણતાં હશો! આ ચોંકાવનારી વાતને વ્યવસ્થિત સમજવા માટે આપણે એક આડ-વાત તરફ જરા ફંટાવવું પડશે. તમને ખબર અને અનુભવ પણ હશે કે કોઈ પ્રોડક્ટની માહિતી મેળવવા તમે ઈન્ટરનેટ પર સર્ચ કરો એના ગણતરીના કલાકોમાં એ જ પ્રોડક્ટને લાગતી-વળગતી જાહેરખબરો તમને તમારા ‘ફેસબુક’ પેજ કે તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં જોવા મળશે. આ કમાલ ‘એલ્ગોરિધમ’ની છે. એ માટે સરળ શબ્દોમાં કહીએ તો આ એક પ્રકારનું એવું કમ્પ્યૂટર વિજ્ઞાન છે, જે ગણિત અને ડેટાનું તબક્કાવાર વિશ્લેષણ કરીને એનો ઉકેલ રજૂ કરે છે. અમુક પ્રકારની એફબી પોસ્ટ જ વાઈરલ થાય કે અમુક જ ફીડ્સ તમારા સુધી પહોંચે એની પાછળ ‘એલ્ગોરિધમ’નું વ્યવસ્થિત વિજ્ઞાન હોય છે.

આ ‘એલ્ગોરિધમ’ અને ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (કૃત્રિમ બુદ્ધિમત્તા)ના સથવારે ‘ ટાર્ગેટેડ ડ્રીમ ઈન્ક્યુબેશન’ (TDI) તરીકે ઓળખાતી એક પદ્ધતિ દ્વારા જાહેરખબરો આપણાં સપનાંમાં પ્રવેશે એવા પ્રયોગનો પ્રારંભ થઈ ગયો છે. બ્રાન્ડ્સનાં ચિત્ર-ઓડિયો કે પછી વિડીયો ક્લિપ્સની મદદથી તૈયાર થયેલી એડ્સનો છાપાં-રેડિયો-ટીવી-સાઈબર સ્પેસ પર જબરો મારો ચલાવવામાં આવે છે. આની અસર અર્ધજાગ્રત કે સુષુપ્ત મન પર ઝીલાય છે.

થોડા મહિના પહેલાં ફૂટબોલ ‘સુપર બોલ’ લીગની ફાઈનલ મેચની આગલી રાત્રે એક અમેરિકન કંપનીએ એના ફેમસ ‘કૂર્સ’ બિયરની ટીવી માટે એ રીતે જબરી જાહેરાતો કરી કે ફૂટબોલ પ્રેમીઓને સપનાં પણ એના જ આવે. પોતે આ પ્રકારનો પ્રયોગ કરી રહ્યા છે એવી આગોતરી જાણ પણ બિયર કંપનીએ મીડિયાને કરી હતી. ‘કૂર્સ’ બિયર કંપનીએ તો પોતાનો ‘આ પ્રયોગ અમુક અંશે સફળ થયો છે’ એવું પોરસાઈને જાહેર કર્યું પછી તરત જ ‘સ્લીપ એન્ડ ડ્રીમ’ના સંશોધકો અને એ ક્ષેત્રના 40થી વધુ વિજ્ઞાનીએ સાગમટે એક જાહેરપત્ર લખીને લોકોને આવા પ્રયોગની આડઅસર વિશે ચેતવ્યા છે. એમનું કહેવું છે કે તંદ્રા કે નિદ્રામાં આપણું મન અરક્ષિત અવસ્થામાં હોય ત્યારે આવી ‘ડ્રીમ એડ્સ’ની નકારાત્મક અસર થઈ શકે છે. આ રીતે પોતાની પ્રોડક્ટ જબરદસ્તી વેચવાના પ્રયાસને લીધે સ્મૃતિભ્રંશ તથા દુ:સ્વપ્નની અસર થાય છે. અર્ધજાગ્રત મનના મૂળ વિચારને હાઈજેક કરીને પોતાની એડ્સને આપણી ઈચ્છા વિરુદ્ધ આ રીતે ઘુસાડવાની આ ટેક્નિક અનૈતિક છે.

જોકે, બીજી તરફનો સિનારિયો પણ જાણવા જેવો છે. સપનાંમાં આ રીતે પોતાનો માલ વેચનારા સોદાગરોની રીતિ-નીતિ વિશે પણ એક સર્વે થયો તો 400 જેટલા કન્ઝ્યુમર્સમાંથી માત્ર 32% ગ્રાહકોએ આવા ‘ડ્રીમસેલર્સ’નો વિરોધ કર્યો છે, તો અન્ય એક ‘ફ્યુચર માર્કેટિંગ’ના સર્વેમાં અમેરિકાની 400 જેટલી માર્કેટિંગ ફર્મ્સમાંથી 77%એ ‘સપનાંમાં ધંધો’ કરવાની વાતને વધાવી લીધી છે! bharatm135@gmail.com

અન્ય સમાચારો પણ છે...