આવતી કાલે ‘મહિલા દિન’ છે એટલે બે દેવીઓની દંતકથા યાદ આવે છે. ‘એથીના’ નામની ગ્રીક દેવીએ, એક બીજી ખૂબ સુંદર દેવી ‘મેડૂસા’ને શાપ આપેલો કે ‘જો કોઈપણ માણસ મેડૂસાની આંખમાં જોશે તો પથ્થર બની જશે!’ એક કિંવદંતી એ પણ છે છે દેવી મેડૂસા એટલી બધી સુંદર હતી કે એને જોનાર વ્યક્તિ જોતાંવેત જ સ્તબ્ધ કે મંત્રમુગ્ધ થઈને પથ્થરની મૂર્તિ બની જતી. દેવી એથીનાની મદદથી પર્સ્યૂઅસ નામના યોદ્ધાએ દેવી મેડૂસાને એક ચમકતા આયના જેવી ઢાલ દેખાડીને એને જ પથ્થર બનાવી દીધી અને પછી મેડૂસાનું માથું કાપીને પર્સ્યૂઅસે એના દુશ્મનોને દેખાડીને સૌને પથ્થરની મૂર્તિ બનાવી નાખેલા!
આપણો દેશ પણ મૂર્તિઓનો દેશ છે. જેવું ઇલેક્શન આવે કે દર વખતે કર્ણાટકમાં શિવાજી અને ટીપુ સુલતાનની મૂર્તિઓ વિશે વિવાદ વારે વારે ઉપડે રાખે છે. થોડાં વરસ અગાઉ મુંબઇના દરિયામાં શિવાજીની વિશાળ મૂર્તિ બનાવવાની યોજના જાહેર થયેલી. ઘણાં કહે છે કે આંબેડકરજીની પણ વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ બનવી જોઈએ. ક્યારેક દક્ષિણમાંથી કોઈ કહેશે પેરિયાર કે એન. ટી. આર.ની સૌથી ઊંચી મૂર્તિ બનાવો. આ દેશમાં મૂર્તિઓ, પથ્થરોમાંથી અંગડાઈ લઈને આકાશમાં ઊગતી રહેશે. વોટબેંકનો ખેલ રમાતો રહેશે. બીજી બાજુ ગાંધી-નેહરુની પ્રતિમા કે પ્રતિભાને તોડવાનું છાનેપગલે કામ ચાલે જ રાખશે. બસ, મૂર્તિ બનાવો ને મૂર્તિ તોડો!
1964માં ફિલ્મકાર વી. શાંતારામે મૂર્તિકારના જીવન પર ‘ગીત ગાયા પથ્થરોં ને' ફિલ્મ બનાવેલી. એમાં શીખાઉ એક્ટર જીતેન્દ્ર હતો. ફિલ્મ આવી ત્યારે જીતેન્દ્રની ખરાબ એક્ટિંગ જોઈને લોકોએ મજાકમાં કહ્યું કે ‘ગીત ગાયા પથ્થરોં ને'માં જીતેન્દ્રના એકદમ પથ્થર જેવા જ સ્થિર હાવભાવ હતા. આને કહેવાય ‘પરફેક્ટ કાસ્ટિંગ!' મૂર્તિઓનો આ જ તો પ્રોબ્લેમ છે, એકવાર એમાં કોઇ ભાવ કોતરી લો, પછી એ કદીયે બદલાય જ નહીં. માણસનો ચહેરો, ઉંમર સાથે બદલાતો રહે છે. હાલાતના થપેડા, લાગણીઓની લીપાપોતી અને આરઝુઓના ઓથારથી ચહેરો પળ પળ બદલતો રહે પણ સમય વીતે, યુગો વીતે તોયે મૂર્તિઓના હાવભાવ બદલાય નહીં. હા, જોકે, ભારતમાં મૂર્તિઓમાં જાન આવી શકે છે- ખાસ કરીને ઈલેક્શન સમયે.
ઈન્ટરવલ
અય ખુદા, રેત કે સેહરા કો સમંદર કર દે,
યા છલકતી હૂઈ આંખો કો ભી પથ્થર કર દે. (શાહિદ મીર)
મંદિરમાં પૂજા-પ્રાર્થના કરવા ઇશ્વરની મૂર્તિઓ શોભે પણ આપણે તો માણસને ઈશ્વર બનાવવા ઠેર ઠેર મૂર્તિઓ બનાવીએ છીએ. આપણા વર્તમાનને ઢાંકવા ભૂતકાળની ગરિમાને યાદ કરીએ છીએ અને એ પણ પાછું દિલથી નહીં, દિમાગથી કે ગણતરીથી. ગાંધીજી કે સરદાર પટેલ જેવી વિભૂતિઓનાં સ્મારક બને એ તો સારી જ વાત છે પણ યુ.પી.માં માજી મુખ્યમંત્રી માયાવતીએ જીવતાંજીવત પોતાનાં જ અનેક પૂતળાં બનાવી નાખેલાં. વળી, જે પૂતળાં સારાં નહોતાં દેખાતાં એને ફરી ફરી બનાવેલાં. આવું માત્ર આપણે ત્યાં જ શક્ય છે. દક્ષિણમાં એક મંદિર છે જ્યાં કોઇ મૂર્તિ જ નથી, ત્યાં માત્ર એક અરીસો છે. ભક્તે, અરીસા પર જાઈને પુષ્પમાળા પહેરાવવાની અને ‘અહમ્-બ્રહ્માસ્મિ’ બોલીને પોતાના પ્રતિબિંબને વંદન કરવાના. કદાચ માયાવતીએ કે પછી રોડ પર ઠેર ઠેર પોતાના રંગીન ફોટા મૂકનારા રાજકારણીઓએ ‘અહમ્-બ્રહ્માસ્મિ’વાળા મંદિરમાંથી જ પ્રેરણા લીધી હોવી જોઈએ. મૂર્તિ એટલે શું? મહાન શિલ્પકાર હેન્રી મૂર કહે છે કે શિલ્પ તો દરેક પથ્થરમાં હોય છે. મૂર્તિકાર, માત્ર આસપાસની માટી-પથ્થર-કંકર હટાડીને એને બહાર કાઢે છે! શિલ્પકાર શિલ્પ ઘડતો નથી, એને માત્ર પ્રગટ કરે છે! એક મૂર્તિકારે એક સેનાપતિનું વિચિત્ર પૂતળું બનાવ્યું. બે પગ પહોળા કરીને એ સેનાપતિ જાણે કમોડ પર જાજરૂ માટે બેઠો હોય એવો એનો પૉઝ હતો. મૂર્તિનું અનાવરણ થયું ત્યારે આવી વિચિત્ર મૂર્તિ જોઇને લોકોએ પૂછયું: ‘આ શી મજાક છે? મહાન સેનાપતિ આવી કઢંગી હાલતમાં કેમ ઊભો છે?’ ત્યારે મૂર્તિકારે કહ્યું, ‘એકચ્યુઅલી, સેનાપતિને ઘોડા પર બેસાડવાનો હતો, પણ સરકારે કહ્યું કે એટલું બધું બજેટ નથી એટલે મેં ઘોડા વિનાનો સેનાપતિ બનાવ્યો છે. સેનાપતિની ટાંગ નીચે ઘોડા તમે કલ્પી લેજો…’ પણ આપણે ત્યાં તો કરોડો-અરબોનું બજેટ મળી રહે છે એટલે ચિંતા નથી. જે બજેટમાં અનેક સ્કૂલો કે હોસ્પિટલો બની શકે એને બદલે ઠેર ઠેર મૂર્તિઓ બનતી જ રહે છે. એક સમયનો આદર્શવાદી શિક્ષક, એક નાચનારીના પ્રેમમાં પડીને એના ગ્રૂપમાં ભળી જાય છે, ત્યાં શરાબ-જુગાર વગેરે લતમાં ખૂંપીને અપમાનો સહે છે. પછી એક ખૂનના આરોપસર ફરાર થઈને સાવ ગુમનામ મુફલિસીવાળું જીવન જીવવા લાગે છે. વર્ષો પછી ભિખારી જેવા બદલાયેલા વેશમાં એ શિક્ષક જ્યારે પોતાના જ ગામમાં ફરી પ્રવેશે છે ત્યારે એ જુએ છે કે ગામનાં લોકોએ એને મરેલો માનીને એની ‘મહાન માસ્તર’ તરીકે મૂર્તિ બનાવી છે અને એનું અનાવરણ કરી રહ્યાં છે! એક ભાગેડુ ગુનેગાર પોતાના જ ભવ્ય ભૂતકાળની મૂર્તિને જોઈને ભાંગી પડે છે. પથભ્રષ્ટ માણસ પોતાની જ જૂની મૂર્તિ જોઈને જે રીતે દુ:ખી થાય છે એવી જ હાલત વીતેલા સમયના મહામાનવોની મૂર્તિઓમાં સતત રાચનારા સમાજોની પણ થતી હોય છે. યાદ છે, નાનપણમાં આપણે એક રમત રમતાં: ‘સ્ટેચ્યૂ’ નામની? જેમાં સામેનો ખેલાડી ‘સ્ટેચ્યૂ’ કહે એટલે તમારે જ્યાં હોવ ત્યાં મૂર્તિ કે સ્ટેચ્યૂની જેમ સ્તબ્ધ થઈ જવાનું. ચૂંટણીઓ આવે કે ત્યારે આપણે સૌએ પણ બધા પ્રશ્નો ભૂલીને ઈતિહાસની યાદમાં થઈ જવાનું- ‘સ્ટેચ્યૂ!’
એન્ડ ટાઈટલ્સ
ઇવ: મારી મૂર્તિ સુંદર બનશે?
આદમ: ઈશ્વરની ભૂલને કોણ સુધારે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.