મેનેજમેન્ટની abcd:સ્થિતપ્રજ્ઞ મેનેજર

બી.એન. દસ્તૂર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓર્ગેનાઈઝેશનલ બિહેવીયરના નિષ્ણાતોએ લીડરનાં લક્ષણોની (ટ્રેઈટ્સ)ની એક યાદી બનાવી છે, જે ઓળખાય છે ‘ધ બિગ ફાઈવ મોડલ’થી. આ પાંચ લક્ષણો છે- ‘એક્સ્ટ્રાવર્ઝન, કોન્શિયસનેસ, એગ્રીએબલનેસ, ઓપનનેસ ટૂ એક્સપિરિયન્સ, ઈમોશનલ સ્ટેબિલિટી. બિઝનેસના દરિયામાં સફર કરવી આજે આસાન નથી. નાવમાં આવડતનું એન્જિન, જ્ઞાનનું ઈંધણ હોય, પ્રતિભાશાળી સુકાની હોય તો પણ બિઝનેસનો દરિયો નાવને ખરાબે ચડાવવા, ડુબાડવા, જ્યાં જવું નથી ત્યાં ખેંચી જવા તૈયાર, તત્પર અને સક્ષમ છે. રોજબરોજના કારોબારમાં, મેનેજરને વિરોધાભાસી સિગ્નલો મળતાં રહે છે. આખો દિવસ ઈમોશનલ મજૂરી તો ચાલુ જ રહે છે. મેનેજરના અને એના મદદનીશો અને ઉપરીઓના કારકિર્દીના લક્ષ્યાંકો, સંસ્થાના લક્ષ્યાંકો સાથે બાખડતાં રહે છે. આખી દુનિયા એક રાક્ષસી માર્કેટપ્લેસ બની ગઈ છે. અમેરિકાનો પ્રેસિડન્ટ બજર સુંઘે તો અહીં ન્યુમોનિયાની નોબત આવે. મેનેજર ઉપર ડાઉનસાઈઝિંગ, રિએન્જિનિયરિંગ, ડિલેયરિંગ, રિસ્ટ્રક્ચરિંગ, ફ્લેટનિંગ વગેરેની તલવારો પાતળી દોરીથી લટકતી રહે છે. મેનેજરે લોકોની મદદથી, સ્ટેકહોલ્ડરના સાથે અને સહકારથી એના અંગત અને સંસ્થાના લક્ષ્યાંકો સર કરવાના છે. લોકો વાસણની જેમ ખખડતાં રહે છે. કોન્ફ્લિક્ટને ટાળવી, એને ફંક્શનલ અને પ્રોડક્ટિવ બનાવવી કે પછી મેનેજ કરવી એ મેનેજરને સમજાય નહીં. પાંચ હજાર વર્ષ પહેલાં, દુનિયાના પ્રથમ મેનેજમેન્ટ ગુરુ શ્રી કે.વી. યાદવ ઉર્ફે શ્રીકૃષ્ણને સ્થિતપ્રજ્ઞતાની અગત્યતાની ખબર હતી. પ્લેસિડ, સ્થિતપ્રજ્ઞ માનવીનાં લક્ષણોનું વર્ણન કરતા ઘણા બધા શ્લોકો ગીતામાં છે. ⬛ સુખમાં શાંત. ⬛ દુ:ખમાં ઉદ્વેગ રહિત. ⬛ રાગ, ભય, ક્રોધથી અલિપ્ત. (2/56) ⬛ શુભ અને અશુભ વસ્તુઓ પ્રાપ્ત કરી નથી થતો પ્રસન્ન, નથી કરતો ઉદ્વેગ. (2/57) ⬛ સંતોષી અને મમતા સહિત. (12/19) ⬛ પ્રસન્નચિત્ત, નિર્મળ. (2/65) ⬛ ધૈર્યવાન, માટી, પથ્થર અને સોનામાં સમાન ભાવ ધરાવનાર. ⬛ મિત્ર અને શત્રુ પક્ષમાં સમ., માન અને અપમાનમાં સમ., અભિમાનથી મુક્ત. (14/25) આજના માહોલમાં મેનેજરે નિર્મળ, પ્રસન્નચિત્ત અને ઈર્ષ્યારહિત બનવું પડશે. લોકો પાસે કામ લેતાં, કરાવતાં અને કઢાવતાં, પોતાના બિહેવીયર ઉપર કડક નિયંત્રણ રાખવું પડશે. જમાનો ક્રિએટિવિટી અને ઈનોવેશનની ઈજ્જત કરે છે, પણ જે કંઈ કરી તમે જ્યાં પહોંચ્યા છો તે માટે અભિમાન કરવાની ભૂલ કરવા જેવી નથી. થોરામાં ઘનું સમજવું હોય તો, નિંદા અને સ્તુતિ, સિદ્ધિ અને અસિદ્ધિ, સફળતા અને નિષ્ફળતા, સુખ અને દુ:ખ, પ્રિય અને અપ્રિયનો અનુભવ કરતો મેનેજર સ્થિર બુદ્ધિ, સ્થિતપ્રજ્ઞ નહીં હોય તો તૂટી જશે. ⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...