તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમયના હસ્તાક્ષર:રાજ્ય વિરુદ્ધ કેન્દ્ર કે બાકી પક્ષો વિરુદ્ધ ભાજપ?

4 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
 • કૉપી લિંક
 • અત્યારના સંજોગોમાં જે વિરોધ પક્ષોની સરકારો બચી છે તેને કેન્દ્ર કરતાં પણ વધુ વાંધો ભાજપનો છે

મમતા બેનરજીનો એક પત્ર બાર જેટલા રાજકીય પક્ષોને મોકલાયો તે ઘટના દર્શાવે છે કે સંભવિત પરાજય પછીનો એક નવો રાજકીય ખેલ શરૂ કરવાની તેમની ઇચ્છા છે. માની લઈએ કે બંગાળમાં પુન: તૃણમૂલ કોંગ્રેસ સત્તારૂઢ થાય તો પણ ‘હું તમામનો બદલો લઇશ’ એવી જાહેર ઘોષણા કરીને મમતા બેનરજીએ ભવિષ્યની રાજનીતિના નકશાનો સંકેત આપી દીધો છે. હારી જાય તો આ એકમાત્ર કામનો પોર્ટફોલિયો તેમની પાસે રહેશે. જુદાજુદા વિપક્ષોને એક સાથે લઈને બંગાળ અને બીજે મમતા ભાજપ- વિરોધી મોરચો રચવા માંગે છે.

તેનો પ્રથમ પ્રયાસ તો નંદીગ્રામ બેઠકના મતદાન પૂર્વે જ શરૂ કરી દીધો. બારેક રાજકીય પક્ષોના વડાને તેમણે એક પત્ર લખ્યો કે ‘લોકશાહીની રક્ષા માટે આપણે સૌ એકઠાં થવું પડશે, કેમ કે ભાજપ કેન્દ્રમાં પોતાની સત્તા દ્વારા ‘એક પક્ષની તાનાશાહી’ ચલાવી રહ્યો છે. પત્રમાં ઉદાહરણ આપ્યું છે કે જુઓ, જુઓ, દિલ્હીમાં ‘નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (જીએનસિટીડી) વિધેયક લાવીને લેફ્ટનન્ટ ગવર્નરને વધુ સત્તાઓ આપવામાં આવી છે. દિલ્હીની ચૂંટાયેલી સરકારની સત્તા આમ છીનવી લેવામાં આવી છે. ભાજપ તમામ બિનભાજપી સરકારોની પાસેથી રાજકીય સત્તા છીનવી લેવાનો ઇરાદો ધરાવે છે. મમતાનો આ પત્ર કેજરીવાલને તો ગમે તેવો છે, પણ બીજાઓ શું વિચારે છે અને આ સંઘ કોઈ રીતે દ્વારિકા પહોંચી શકે તેનો વિચાર કરવા જેવો છે. મમતાએ જેમને પત્ર લખ્યો તેમાં કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, આમ આદમી પક્ષના અરવિંદ કેજરીવાલ, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ, ડીએમકેના એમ.કે. સ્ટાલિન, પીડીપીના મહબૂબા મુફતી અને એનસી પ્રમુખ ફારૂક અબ્દુલ્લાનો સમાવેશ થાય છે. ડાબેરી પક્ષોને તેમાં સામેલ કર્યા નથી. કોંગ્રેસના બંગાળ એકમના પ્રમુખ અધીર રંજન ચૌધરીએ તો આ પત્રને જ હસી કાઢ્યો અને કહ્યું કે ભાજપની સામે લડવામાં તેમને નિરાશા મેળવી છે, પણ આ પત્ર આટલો મોડો કેમ લખ્યો હશે? અધીર રંજનના કહેવા પ્રમાણે તો અત્યારની પરિસ્થિતિમાં તો બંગાળમાં ‘ત્રીજો મોરચો’ મજબૂતીથી આગળ વધી રહ્યો છે. મૂળમાં તો કોંગ્રેસે ડાબેરીઓને સાથે લીધા છે અને હેતુ મમતા બેનરજીને પરાસ્ત કરવા પૂરતો છે. પોતાનાથી અલગ પાડીને મમતાએ આટલાં વર્ષો રાજ કર્યું તેનું સૌથી વધુ દુ:ખ કોંગ્રેસને હોય તે સ્વાભાવિક છે, પણ કેરળમાં જે ડાબેરીઓની સામે તે લડે છે તેને બંગાળમાં સાથે રાખવાની રાજકીય મજબૂરી છે એટલે મમતાના પત્રમાં તેને રસ શાનો પડે? પણ વાત એટલેથી પૂરી થઈ જતી નથી. કોંગ્રેસમાં બે છાવણી છે. એક વર્ગ મને છે કે સોનિયાજી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં એકલા અથવા બીજા થોડાક પક્ષોને સાથે લઈને મોરચો રચવો. બિહાર, કાશ્મીર, બંગાળ, આસામ અને તામિલનાડુમાં તેવા પ્રયોગો સાથે કોંગ્રેસ પ્રવૃત્ત તો થઈ છે, પણ પોતાનામાં વિશ્વાસ ખોઈ બેઠી છે.

મમતાને ભરોસો એવો છે કે કેન્દ્ર સરકારની સામે પડવામાં કેટલાક પક્ષો અને રાજ્ય સરકારો તૈયાર છે. ખેડૂત વિધેયકથી માંડીને નાગરિકતા કાનૂન સંશોધન વિધેયક જેવામાં તેમણે કેન્દ્રની ખિલાફ અવાજ કર્યો, હવે દિલ્હી સરકાર વિશેના વિધેયકમાં પણ તેવું થઈ રહ્યું છે. કેન્દ્ર અને રાજ્યના સંબંધો કેવા હોવા જોઈએ તેની ઊંડી ચર્ચા બંધારણ સભામાં થઈ હતી. ધારા 356નો દુરુપયોગ ઘણા સમયથી શરૂ થયો અને અણગમતી વિપક્ષી સરકારોને યેન કેન પ્રકારે સત્તાથી વંચિત કરવામાં આવી અને તેમાં રાજ્યપાલોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. પંડિત હૃદયનાથ કુંઝરું અને ડો. આંબેડકર વચ્ચેની ચર્ચા મહત્ત્વની હતી, પણ સંસદીય લોકતંત્રના આદર્શોના ધુમ્મસમાં એ બધું ખોવાઈ ગયું. જ્યાં સુધી સર્વત્ર કોંગ્રેસનું શાસન હતું ત્યાં ખાસ વાંધો આવ્યો નહીં, પણ પંજાબમાં અકાલી દળ-જનસંઘની પ્રથમ સંયુક્ત સરકારથી માંડીને 1967માં લોહિયા-દીનદયાળના પ્રયાસોથી બિનકોંગ્રેસી સરકારોનો ઉદય થયો ત્યારે અને તે પછી કોંગ્રેસ વિભાજન પછી આ રાજકીય રોગ શરૂ થયો. મીનું મસાણીએ નાસિકમાં સમગ્ર ભારતના ચિંતકોની પરિષદ 1968માં બોલાવી હતી. તેમાં કેન્દ્ર-રાજ્ય સંબંધોની ગંભીર ચર્ચા થઈ હતી. રાજ્ય સરકાર ઘણીવાર કેન્દ્રનું માનતી નથી હોતી. અત્યારના સંજોગોમાં જે થોડી ઘણી વિરોધ પક્ષોની સરકારો બચી છે તેને કેન્દ્ર કરતાં પણ વધુ વાંધો ભાજપનો છે. 1952નો આ ટચૂકડો પક્ષ આવડી મોટી સત્તા ભોગવે અને કેન્દ્ર તેમજ રાજ્યોમાં પણ બહુમતી મેળવે એ પરિણામે મુખ્યત્વે કોંગ્રેસને અને બીજા પ્રદેશિક પક્ષોને ચોંકાવી દીધા છે. અટલ બિહારી વાજપેયીના એન.ડી.એમાં 32 નાના મોટા રાજકીય પક્ષો સામેલ હતા, તેમાં મમતા અને જય લલિતાના પક્ષો પણ હતા. આજે તેઓ અલગ છે. શિવસેનાએ પણ સત્તા પર રહેવા કોંગ્રેસ અને એન.સી.પી સાથે બેસવું પડ્યું છે. કોંગ્રેસે તમિળનાડુમાં 1975ની કટોકટી સમયે ડી.એમ.કે સરકારને ઊથલાવી હતી તેની સાથે હાથ મેળવ્યા છે.

આવા સંજોગોમાં ત્રીજો મોરચો કે ભાજપ-વિરોધી મોરચો કેટલો અને કેવો સફળ બને? મમતાએ હાકલ કરી છે કે હું હૃદયપૂર્વક આ એકતા માટે કામ કરીશ. ચૂંટણી પછી તેને માટે સંયુક્ત કાર્યનું આયોજન કરીએ. વાત થોડાક એવા પક્ષોને તો પસંદ પડે તેવી છે, જેમની પાસે કોઈ સમયે સત્તાનું નસીબ હતું, આજે નથી. મહબૂબા મુફતી કે તેજસ્વી યાદવ કે અખિલેશ એવા પાત્રો છે. ઉદ્ધવ ઠાકરે હમણાં એન.સી.પીના કારણે ભીંસમાં છે તેમણે કહ્યું કે કોંગ્રેસ અને પવાર આમાં વધુ મજબૂતી લાવી શકે, પણ મુખ્ય બીમારી એકબીજાથી ચઢિયાતા હોવાની અને રહેવાની બધે હાજર છે. શરદ પવારની રાજકીય મહત્ત્વાકાંક્ષાનો પાર નથી. વડા પ્રધાન બનવા તેમણે અગાઉ જે પ્રયાસ કર્યા હતા તે જોતા એવું લાગે છે કે એવી તક મળે તો કોંગ્રેસ કે ભાજપની સાથે પણ થઈ શકે. આજકાલ તેમના સમર્થક પવાર યુ.પી.એના વડા બને તેવી કોશિશ કરી રહ્યા છે. વાસ્તવિક્તા એ છે કે માત્ર ભાજપનો વિરોધ કરવાનું કેન્દ્રમાં રાખીને વર્તમાન રાજનીતિમાં સફળ થવું અઘરું જ નહીં, અસંભવ થઈ ગયું છે અને તેના એક નહીં, અનેક કારણો છે. તેને સમજવાની શક્તિ મમતા સહિતના નેતાઓ ખોઈ બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો