સ્ટાર્ટઅપ ટોક:સ્ટાર્ટઅપ્સ માટે નેટવર્કિંગ અને બ્રાન્ડિંગ જરૂરી!

વિરલ શાહ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં સ્ટાર્ટઅપ્સના પબ્લિક ઈસ્યૂનું પ્રમાણ વધતાં સામાન્ય લોકોમાં પણ સ્ટાર્ટઅપને લઈને કુતૂહલ ઊભું થયું છે. હમણાં સુધી એમ માનવામાં આવતું હતું કે પબ્લિક ઈસ્યૂ ત્યારે જ લોકોમાં લઈ જવાય જ્યારે કંપની નફો કરતી હોય અથવા કોઈ મોટા કોર્પોરેટ જૂથનું નવું સાહસ હોય. પરંતુ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે આ વાત સાચી નથી. હાલમાં ઝોમેટો, પોલિસી બજાર, પેટીએમ વગેરે જેવા નુકસાન કરતા સ્ટાર્ટઅપને પણ સામાન્ય લોકો દ્વારા સ્વીકૃતિ મળી અને મોટા પ્રમાણમાં લોકોએ ભરણું ભર્યું. રૂઢિગત કરતાં અલગ સ્ટાર્ટઅપને જબરદસ્ત પ્રતિસાદ મળવાનું મુખ્ય કારણ છે તેમની વિશેષ ઓળખ અને નવીનતમ સેવા. આજે સામાન્ય માણસના મોબાઈલફોનમાં પણ ઝોમેટો અને પેટીએમની એપ્લિકેશન ડાઉનલોડ થયેલી જોવા મળતી હોય છે. સ્ટાર્ટઅપ રૂઢિગત સાહસો કરતાં ઘણું જુદી રીતે કામ કરે છે. ખાસ કરીને ટેક્નોલોજી અને ત્યાર બાદ માર્કેટિંગનો ઉપયોગ મોટા પ્રમાણમાં પોતાની નવીનતમ સેવાઓને લોકો સુધી પહોંચવામાં મદદ કરે છે. ભવિષ્યનો ખર્ચ આજનો યુવા વર્ગ નવા વિચારો સાથે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે ત્યારે ઘણી વખત માત્ર સેવા કે વસ્તુની નવીનતાને જ ધ્યાનમાં રાખતા હોય છે. તેમની પાસે એક સમય પછી ટેક્નોલોજી અને માર્કેટિંગના ખર્ચની સમજનો અભાવ પણ જોવા મળે છે. આ સમયે ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબત છે ભવિષ્યનાં ત્રણથી પાંચ વર્ષમાં ટેક્નોેલોજી અને માર્કેટિંગના ખર્ચનો અંદાજ. આજે પણ ઘણા ઉદ્યોગ સાહસિકો ખૂબ જ ઉત્સાહથી પોતાના નવા વિચારોને ફળીભૂત કરવા સ્ટાર્ટઅપ શરૂ કરે છે અને શરૂઆતના તબક્કે થોડા સફળ પણ થાય છે, પરંતુ થોડાક જ સમયમાં એક ફિક્સ બોક્સમાં મૂકાઈ જાય છે, કારણ કે જે વિચારથી શરૂ કર્યું હતું તેમાં ટેક્નોલોજી અને માર્કેટિંગના ભવિષ્યના ખર્ચનો અંદાજ માંડવામાં પૂરતો સમય અને ધ્યાન નથી આપ્યા હોતા. માર્કેટિંગ અને બ્રાન્ડિંગનો ખર્ચ આજે કોઈ પણ ધંધામાં માર્કેટિંગનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. ઓલા, ઉબેર, બાયજુસ, પેટીએમ, ઝોમેટો, સ્વિગી વગેરે જેવાં સ્ટાર્ટઅપ્સ નુકસાન કરી રહ્યાં છે કે ભૂતકાળમાં ઘણા સમય સુધી મોટા પાયે નુકસાન કર્યું છે છતાં આજે તેમનાં નામ લોકોની જીભે ચઢી ગયાં છે. આમ થવાનું મુખ્ય કારણ છે તેમની માર્કેટિંગની ટીમની સમજ. અપગ્રેડ, અનએકેડમી વગેરે જેવાં સ્ટાર્ટઅપ્સ આજે નિયમિત રીતે ટેલિવિઝન પર પોતાની જાહેરાત કરતા જોવા મળે છે. આજની ધંધો કરવાની રીત બદલાઈ છે. લોકોનાં મન પર મોટી અસર લાંબા ગાળા સુધી ઊભી થાય એની જરૂરિયાત દેખાય છે. રોજ નવી સેવા કે વસ્તુ બજારમાં ઉપલબ્ધ થઈ જાય છે. જાહેરાત ખર્ચનું પેટીએમનું બજેટ એક સમયે 1300 કરોડની આસપાસ હતું અને આજે પણ લગભગ 1500 કરોડ જેટલો ખર્ચ જાહેરાત પાછળ કરવામાં આવે છે. ઝોમેટો જાહેરાત અને બ્રાન્ડ પ્રમોશન માટે લગભગ 1200થી 1300 કરોડનો ખર્ચ કરે છે. એજ્યુકેશન સ્ટાર્ટઅપ બાયજુસનો જાહેરાત પાછળનો ખર્ચ લગભગ 800 કરોડ જેટલો છે. શરૂઆતના તબક્કામાં સ્ટાર્ટઅપ્સ માટે મોટા પાયે માર્કેટિંગ કે જાહેરાત પાછળ ખર્ચ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આ સંજોગોમાં અલગ અલગ માર્કેટિંગની રચનાઓ અપનાવવાની જરૂરિયાત ઊભી થાય છે. જ્યારે તમારી સેવા કે વસ્તુની ગુણવત્તા ખૂબ જ ઉચ્ચ કક્ષાની હોય ત્યારે ‘word of mouth’ એટલે કે ઉપભોક્તા દ્વારા જ તમારી કંપનીનું માર્કેટિંગ થતું હોય છે જે લાંબા ગાળાના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. આજના ડિજિટલ યુગમાં ‘online marketing’ ખૂબ જ મહત્ત્વનું બન્યું છે. આજે એક સાથે હજારો ઈમેલ કરીને સેવા કે વસ્તુને લોકો સુધી પહોંચાડી શકાય છે. અલગ અલગ પ્રકારના માર્કેટિંગ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કરવાનું ચલણ મોટા પ્રમાણમાં વધ્યું છે. એસોશિએશનની મદદ ધંધાકીય એકમોનાં અલગ અલગ એસોશિએશન હોય છે. આવાં એસોશિએશનની મેમ્બરશિપ લઈ પોતાની સેવા કે વસ્તુને લોકો સુધી પહોંચાડી શકાય છે. ફીક્કી, સીઆઈઆઈ, ચેમ્બર ઓફ કોમર્સ, યંગ ઈન્ડિયન્સ, અલગ અલગ યૂથ વિંગ્સ, વીમેન એસોસિએશન વગેરેમાં મેમ્બરશિપ લઈને ધંધાનું વિસ્તરણ કરી શકાય છે. {

અન્ય સમાચારો પણ છે...