મેનેજમેન્ટની abcd:સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યૂ, ઈમ્પ્રૂવ

બી.એન. દસ્તૂરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે સોમવાર છે, તમે તમારું કામ કરતા રહો છો, સહકર્મચારીઓ જોડે ગોસિપ કરો છો, બોસનું ઠોબરું રંગવાનો વિચાર કરતા રહો છો, મેનેજમેન્ટની મૂર્ખાઈની વાતો કરો છો. અને આવતી કાલે તમે મેનેજર બની બેસો છો. હવે બધું જ બદલાઈ જશે. તમે બોસ બની જશો, લીડર બની જશો. લીડરશિપ ઉપર લાખો શબ્દો, હજારો આર્ટિકલો અને સેંકડો પુસ્તકો લખાતાં રહે છે. જેના ઉપર સરસ્વતીજીની કૃપા છે તે એકની એક વાત અલગ-અલગ રીતે કરતા રહી લીડરશિપના વિષયના નિષ્ણાત બની જાય છે. લીડરે શું કરવું, શું ન કરવું એના આ જંગલમાંથી રસ્તો શોધવો આસાન નથી. છતાં લીડરશિપ કોઈ રોકેટ સાયન્સ નથી. છ દાયકાના અનુભવો ઉપર આધારિત ચંદ સૂચનો કરું છું. શરૂઆતના દિવસોમાં અજમાવવા જેવો છે. મેનેજમેન્ટ માનવીઓનું કરવાનું નથી, માનવીઓના જ્ઞાનનું, અનુભવોનું, આવડતોનું કરવાનું છે. કમનસીબે મોટા ભાગની સંસ્થાઓમાં કર્મચારીઓના જ્ઞાન, અનુભવ, આવડતનો ઉપયોગ કરાતો નથી. તમને રિપોર્ટ કરતા કર્મચારીઓને જણાવો, જણાવતા રહો કે તમારી નજરમાં, તમારા પર્સેપ્શનમાં એ બધાં કર્મચારીઓ નથી, નોલેજ વર્કરો છે. એ બધાં પાસે જે નોલેજ છે તે તમારી પાસે નથી. સેવન સ્ટાર હોટલના જનરલ મેનેજરને કોકટેલ બનાવતા આવડતું નથી અને એરપોર્ટના જનરલ મેનેજરને પ્લેનની હેડ લાઈટનો બલ્બ બદલતાં આવડતું નથી. વાણી અને વર્તનથી પુરવાર કરો કે તમારી આ માન્યતા ખૂબ જેન્યુઈન છે. હવે કરો એક એનોનિમસ સર્વે. દરેક નોલેજ વર્કર પાસે ચાર ડોક્યુમેન્ટ્સ માગો, જેના ઉપર એમનું નામ લખવાની મનાઈ છે. આપણી સંસ્થામાં આપણે શું શરૂ કરવાની જરૂર છે?, આપણી સંસ્થામાં આપણે શું કરવાનું બંધ કરી દેવું જોઈએ?, આપણી સંસ્થામાં શું કરવું ચાલુ રાખવું જોઈએ?, આપણી સંસ્થામાં શું સુધારવું જોઈએ? સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યૂ, ઈમ્પ્રૂવ મેનેજરને નાતે તમારું કામ છે અસરકારક બનવાનું અને બનાવવાનું, નક્કી કરેલાં પરિણામો મેળવવાનું. રૂલ્સ, રેગ્યુલેશન્સ, પ્રોસિઝર્સ અને પોલિસિસના ચક્કરમાં અટવાતા રહેતા મોટા ભાગના મેનેજરોને શું કરવું, શું બંધ કરવું, શું ચાલુ રાખવું અને શું સુધારવું એનો વિચાર કરવાની નથી હોતી આવડત, નથી હોતી ઈચ્છા. નોલેજ વર્કરો પાસે આ ચાર સવાલોના જવાબ માગવામાં કંઈ જ ગુમાવવાનું નથી. સંસ્થા એમના દિમાગનો ઉપયોગ કરવા માગે છે એવો અહેસાસ નોલેજ વર્કરોને મોટિવેટ કરશે. અનુભવી નોલેજ વર્કરોની એક ક્રોસ ફંકશનલ ટીમ બનાવો. ટીમમાં અલગ અલગ વિભાગોના પ્રતિનિધિઓ હોય. આ ટીમને બધાં જ સૂચનો ઉપર ચર્ચા-વિચારણા કરવા મોટિવેટ કરો. જેના ઉપર અમલ કરવામાં ફાયદો જણાય તે સૂચનો આ ટીમ પાસે મેળવો. ઘનામાંથી થોરું મેળવતાં આવડશે તો થોરામાં ઘનું કરી શકશો. ⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...