અંદાઝે બયાં:સ્ટાર-કલાકાર ને ઘોસ્ટ-દોસ્ત મનનાં માનસરોવરમાં ડૂબકી!

13 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક

ટાઇટલ્સ દરેક સ્ટાર, એક ઉખાણું (છેલવાણી) ‘મેં એકવાર મારી પ્રતિષ્ઠા સમાજ સામે ખોઇ દીધી પણ પછી મને એની ક્યારેય જરૂર જ ના પડી.’ ***************** ‘હું સારી છું, ત્યારે બહુ સારી છું પણ ખરાબ હોઉં ત્યારે ઓર પણ બહેતર!’ ****************** ‘હું સિંગલ કે એકલી છું કારણ કે હું એ જ રીતે જન્મેલી.’ ******************** ‘સારી છોકરીઓ સ્વર્ગે જાય, ખરાબ તો બધે જ જઇ શકે.’ ********************* ... આવાં અનેક વિવાદાસ્પદ વિધાનો કરનાર બિન્દાસ્ત, સેક્સ સિમ્બોલ અભિનેત્રી-ગાયિકા-લેખિકા ‘મે વેસ્ટે’30-40ના દાયકામાં બેબાક લાઇફ સ્ટાઇલ કે ગુદગુદાત્મક વાતો દ્વારા આખા અમેરિકાને હલાવી નાખેલું. જેમ આપણા સફળ સ્ટાર વિનોદ ખન્નાને પણ થતું કે-આ બધાં સુખો પછી આખરે શું? એટલે આધ્યાત્મિકતામાં વિનોદને રસ જાગ્યો ને બોલિવૂડ છોડીને એ રજનીશજીના માર્ગે વળી ગયેલા. એ જ રીતે હોલિવૂડની સનસનીખેજ સ્ટાર ‘મે વેસ્ટને પણ થતું કે સેક્સ, સક્સેસ કે અમાપ પૈસો આખરે શું છે? એવામાં 1941માં, મે વેસ્ટ એના મેનેજર જિમ ટિમોની અને મિકી નામના દોસ્ત સાથે કોઇ ધાર્મિક સભામાં જઇ પહોંચી. એ સભાના પ્રમુખ હતા, જેક કેલી નામના સેલિબ્રિટી જેણે ભાષણની વચ્ચે એસ-‘S’ અક્ષરથી શરૂ થતું નામ લઈને મિકી તરફ ઈશારો કર્યો. મિકીએ ચોંકીને કહ્યું, ‘અરે, આ તો મારું ખરું નામ છે! આને કેવી રીતે ખબર?’ પછી કેલીએ કહ્યું, ‘S’ શબ્દથી શરૂ થતા નામવાળા માણસના પિતાનો આત્મા અહીં હાજર છે, જે પુત્રને કહેવા માગે છે કે એમની લાશ પાણીમાં નાખતા પહેલાં જ એમની હત્યા કરવામાં આવી હતી!’ મિકીએ કહ્યું કે એ પોતે પણ એવું જ માને છે! પછી એ જેક કેલીની વાતોથી ઈમ્પ્રેસ થઈને મે વેસ્ટે એક સાંજે એમને ઘરે બોલાવ્યા ને સેલિબ્રિટી મિત્રો ઉપરાંત એની બહેન બેવરલી વેસ્ટેને પણ આમંત્રી. કેલીએ, મે વેસ્ટના ઘરે પહોંચીને કહ્યું કે રૂમમાં હાજર લોકોની વર્તમાન ને ભવિષ્યનાં જીવન વિશે એ વાતો કહેશે પણ સૌને એક ખુરશી સાથે બાંધવામાં આવે ને સૌની આંખોને કપડાથી ઢાંકવામાં આવે, લોકો એમની જગ્યા બદલી નાખે! પછી, કેલીએ રૂમમાં હાજર દરેક વ્યક્તિ વિશે એવી એવી ગુપ્ત વાતો કહી, જેની ફક્ત એ લોકોને જ ખબર હતી! સૌથી છેલ્લે, કેલીએ એક બંધ કવર ઉપાડ્યું જેમાં મે વેસ્ટે, અમુક સવાલ પૂછ્યા. જેમ કે- ‘શું અમેરિકા વર્લ્ડ-વોરમાં ભાગ લેશે?’ કેલીએ કહ્યું, ‘ત્રણ મહિનામાં અમેરિકા પર હવાઈ ટાપુ પર અચાનક હુમલો થશે.’- ને એમ થયેલું. બીજો સવાલ, ‘આ મહાયુદ્ધ ક્યાં સુધી ચાલશે?’ કેલીએ કહ્યું, ‘પાંચ-છ વર્ષ સુધી ને પ્રેસિડન્ટ રૂઝવેલ્ટ થોડા સમયમાં જ મરી જશે!’ એમ જ થયું. ત્રીજો સવાલ, ‘અમેરિકાની મહાયુદ્ધમાં જીત થશે?’ કેલીનો જવાબ હતો, ‘હા, અમેરિકા ને ઈંગ્લેન્ડ મળીને લડાઈમાં જીતશે.’ જે પણ થયું! બીજા પ્રશ્નો પર્સનલ હતા પણ કેલીએ એમના જવાબ પણ સચોટ આપ્યા. ઈન્ટરવલ મોતનીયે બાદ તારી ઝંખના કરતો રહ્યો, તું જન્નતમાં મળે, એવી દુઆ કરતો રહ્યો. (બેફામ) હવે મે વેસ્ટને ખાતરી થઈ ગઈ કે કેલી, કોઇ અદ્્ભુત ક્ષમતાવાળો બંદો તો છે! એવામાં એક અજાણ્યો માણસ, મે વેસ્ટની બહેન બેવરલીના ફાર્મ પર મળવા આવ્યો. બેવરલીને ત્યારે ખબર નહોતી કે પેલો માણસ પોતાની પત્નીનું મર્ડર કરીને આવ્યો છે. જોકે, રેડિયો ને અખબારોમાં મર્ડરના સમાચાર વિશે વાત આવેલી, પણ પેલા માણસે બેવરલીના ઘરે અખબારો બંધ કરી દીધેલાં ને રેડિયો પણ બગાડી નાખેલો! પછી એ બેવરલીના ફાર્મ પર કામ કરવા માંડ્યો, પણ એની ધરપકડ કરવા માટે પોલીસવાળા મે વેસ્ટને મળ્યા, કારણ કે પોલીસને બેવરલીના ફાર્મનું એડ્રેસ ખબર નહોતું. જ્યારે પોલીસ બેવરલીના પોલ્ટ્રી ફાર્મમાં પહોંચી, એના બે દિવસ પહેલાં જ પેલો માણસ ભાગી ગયેલો! પછી મે વેસ્ટે, આ વિશે, જ્યારે જેક કેલીને પૂછ્યું, ત્યારે એણે કહ્યું, ‘ડોન્ટ વરી... એ માણસની વીસ મિનિટ પહેલાં ધરપકડ થઈ છે!’ મે વેસ્ટે, લોસ એન્જલસના પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો ને ખરેખર 25 મિનિટ પહેલાં જ એની ધરપકડ કરવામાં આવેલી! પછીથી જેક કેલી પાસે, મે વેસ્ટ જેવી સ્ટાર બધું છોડીને મેલીવિદ્યા શીખવા લાગી! દરમિયાન મે વેસ્ટના મેનેજર ને મિત્ર જિમ ટિમોનીનું મૃત્યુ થઈ ગયું. કેલીની મદદથી મે વેસ્ટે, ટિમોનીના આત્મા સાથે સંપર્ક કર્યો. ત્યારથી ટિમોનીનું ભૂત મે વેસ્ટની આસપાસ રક્ષકની જેમ રહેવા લાગ્યું! મે વેસ્ટ માનતી કે ટિમોનીએ જ એને નાટ્ય-લેખિકા બનાવી, સાંભળો મેની પોતાની કેફિયત: ‘એકવાર હું બોક્સિંગ મેચ જોતી હતી ને અચાનક લાગ્યું કે ટિમોની મારા કાનમાં એક વાર્તા સંભળાવી રહ્યો છે. વાર્તાના ડાયલોગ એવા ચોટદાર કે મને યાદ રહી ગયા. ઘરે જઈને મેં એને નાટક રૂપે લખી નાખ્યું અને નાટક હિટ થયું! બસ, પછી મને બીજાં નાટકો લખવાની પ્રેરણા મળી. એ પછી પણ ટિમોનીના ભૂત તરફથી મને એના હંમેશાં સંદેશાઓ મળતા રહ્યા, જે એટલા જ સચોટ હતા, જેટલી કેલીની ભવિષ્યવાણીઓ! આ જગતમાં હું જીવંત માણસો પર નહીં પણ ટિમોનીના ભૂત પર જ વિશ્વાસ કરું છું!’ હોલિવૂડ સ્ટાર મે વેસ્ટની અપાર સફળતા, અબાધ સેક્સ લાઇફ, બેફામ નિવેદનો વિશે આખો ગ્રંથ લખી શકાય પણ…કદાચ ટિમોનીનું ભૂત અમને એ બધું લખાવે તો. એન્ડ ટાઇટલ્સ આદમ: તું મને સમજાતી નથી. ઈવ: સમજવાનું છોડી દે, એડજસ્ટ કર! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...