માતૃભાષાનો મહિમા આપણાપણાંના ગૌરવનો મહિમા છે. ગુજરાતી ભાષાનું કૌવત નર્મદની પાઘડીવાળીને ચિંતન કરતી એની આંગળીઓમાં છે. દરેક પ્રાદેશિક ભાષાનું ગૌરવ થવું જ જોઈએ. દલપતરામ તો એમ લખે...
‘આવ ગિરા ગુજરાતી
તને, અતિ શોભિત હું શણગાર સજાવું;
જાણની પાસ વખાણ કરાવું;
ગુણીજનમાં તુજ કીર્તિ ગજાવું;
ભારતવર્ષ વિશે બીજી ભારતી,
માનવતીતણું માન તજાવું;
દેશ વિશે દલપત કહે,
ભયકો તુજ જો ભલીભાત ભજાવું.’
કવિ દલપતરામના શબ્દો અને છંદમાં ગુજરાતી કવિતાનો ભલીભાતનો ભયકો છે. ‘મને ગુજરાતી નથી આવડતું’ – એમ કહીને જે અંગ્રેજી ખોટું બોલે છે ત્યારે દયા આવે છે. અંગ્રેજી આખા વિશ્વને જોડતી કડી છે. એને આવડવી જ જોઈએ પણ માતૃભાષામાં માતાના ધાવણની સુગંધ છે. એના સંસ્કારો છે. એ ઊછીના ક્યાંથી મળે? આ ભાષામાં કવિ નર્મદ પહેલો નિબંધ લખે છે અને પ્રવાસયાત્રી ભોળાભાઈ પટેલ એને પોતાના નિજધર્મથી આગળ ધપાવે છે. હેમચન્દ્રાચાર્ય વ્યાકરણ બાંધી આપે છે. નરસિંહ મહેતાને આ ભાષામાં ‘નામરૂપ જૂજવા’ લાગે છે. રા.વિ. પાઠકના અનેક ઉપનામોથી ગુજરાતી ભાષાને ઉપલબ્ધિનો ઓડકાર આવે છે. મીરાંબાઈને કૃષ્ણ પ્રેમની કટારી ગુજરાતી ભાષામાં વાગે છે. પન્નાલાલ પટેલ જેવા ઓછું ભણેલા વિદ્વાન આ ભાષાના સાહિત્ય નવલને પરિપ્લાવિત કરે છે. મેઘાણીભાઈ જેવા સમૃદ્ધ પત્રકાર અને વિદ્વાન લોકસાહિત્યકાર ‘સૌરાષ્ટ્રની રસધાર’ છલકાવે છે. જયંત ખત્રીનો વાર્તા દેહ આ ભાષામાં કાઠું કાઠે છે. કલાપીની પહેલી નજર આ ભાષામાં પડે છે એની યાદી હજુય ફૂલોની પાંખડીઓમાં ભરાય છે.
માતૃભાષાનો મહિમા અનેરો છે. આજે ગુજરાત સરકારે માતૃભાષાને એકથી આઠ ધોરણમાં ફરજીયાત કરીને નર્મદની ભાષામાં ‘પ્રેમ-શૌર્ય-અંકિત’ કરવાનું કામ કર્યું છે. ગુજરાતી ભાષા આપણા આત્મવિશ્વાસની બળકટતા પૂરવાર કરે છે. એની પાસે જોમ અને જુસ્સો બંને છે. એ આપણી લપટી પડી ગયેલી લાગણીઓને ટટ્ટાર રાખે છે. નિરંજન ભગત જેવા કવિની વિશ્વ કવિતાની ગુજરાતીમાં છલકેલી ખુમારી છે. ગુજરાતી ભાષા એકાગ્ર થવાની, એકાગ્રતા કેળવવાની ભાષા છે. ‘આપણાપણાં’નું ગૌરવ એ માતૃભાષાનો પાલવ છે.⬛
ઑન ધ બીટ્સ
મને મારી ભાષા ગમે છે
કારણ કે બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સ્હેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ લખી શકતી.
બા બૅન્કમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું પણ યાદ નથી.
બા ‘નવી’ ડિશ શીખવા કૂકિંગ ક્લાસમાં ગઈ હોય એવું પણ યાદ નથી.
છતાં ‘અંગ્રેજી’ નામનો ખડકલો કર્યા વગર
એ થાળીમાં જે કંઈ મૂકતી એ બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે
કારણ કે મારી બાને હું બા કહી શકું છું.-વિપિન પરીખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.