ઓફબીટ:ગુજરાતી ગઝલની વસંત

અંકિત ત્રિવેદીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં ફૂરસદ મને જો મળે તમારા વિચારથી આજે આદિલ મન્સૂરીની ગઝલો વિશે લખવાની ફૂરસદને માણવી છે. ગુજરાતીમાં એમને ગઝલ લખતાં ચિનુ મોદી ‘ઈર્શાદ’ કરે છે. અને પછી એવું બને છે કે મુશાયરો હોય કે સંગીતની મહેફિલ આદીલ સાહેબની ગઝલ કે શેર વગર એમાં નૂર ન આવે. પાતળો તીણો અવાજ – પઠનમાં કોઈ અસરકારકતા નહીં પણ શેરમાં જાન એવી કે દાદ જાણે દરિયામાંથી આવતા મોજાની જેમ સ્ટેજ ઉપર આવીને છાલક મારે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. આ શેર જાણે ગઝલની વ્યાખ્યા બની ગયો! આ જ ગઝલનો બીજો શેર પણ આટલો જ ઉત્કટ છે. ઉતરી ગયા છે ફૂલના ચ્હેરા વસંતમાં તારા જ રૂપ રંગ વિશે વાત થઈ હશે. પ્રેમને અને પ્રેમીને જાણે એમ લાગે કે આદિલ સાહેબ આપણા વતી લખી રહ્યાં છે. એમણે પરંપરાને ઉવેખી પણ એમાં આદિલીયત ઊમેરી. વાયરાની જેમ એમના તોફાનો છૂપા અને મક્કમ એ જ તોફાનોએ જીવનના ઝંઝાવાતો સામે બાથ ભીડી. ગઝલના રંગમાં એમણે નવી ભાત ઊમેરી. એનું આથમવું અશક્ય છે. દિલ છે ખાનાખરાબ, માગે છે પાનખરમાં ગુલાબ, માગે છે ગઝલને રૂપકડાં પ્રતિકોમાં વાસ્તવિક પ્રતિકો આપી શણગારે છે. વધુ બોલકી અને બળુકી બનાવે છે. ખુરશી, પલંગ, મેજ, કલમ, ચાંદ, ચાંદની સઘળું ઉદાસ લાગે છે તારા ગયા પછી દોસ્તીની વાત દરેક તબક્કાને માફક આવે છે. આદિલ સાહેબ શેર લખીને એકલતાને ગરિમા બક્ષે છે. ‘‘આદિલ’ હવે તો સ્પર્શનો આનંદ પણ ગયો પથ્થરની દોસ્તીમાં ત્વચા પણ મરી ગઈ’ ગુલાબી મસ્તીના આ શાયર પાસે ગઝલનો પ્રલંબ પટ છે. એ જ્યારે પરંપરાના શાયરોની સામે પ્રેમની નજાકતને હુન્નરમાં ઉતારે છે ત્યારે કેવો કમાલ કરે છે, જુઓ! આપનું મુખ જોઈ મનમાં થાય છે ચાંદ પર લોકો અમસ્તા જાય છે મહામારીના આ સમયને એમણે વર્ષો પહેલાં ગઝલમાં અવતરીત કરેલો! મકાનોમાં લોકો પુરાઈ ગયા છે કે માણસને માણસનો ડર હોય જાણે! આદિલ સાહેબે ગઝલને ગુજરાતી ઘાટ આપ્યો છે. આંસુની જબાનમાં ખુમારીને પ્રગટાવી છે. મારાથી તો એ આંસુ વધુ ખુશનસીબ છે જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ આદિલ સાહેબને યાદ કરીએ અને આ ગઝલના બે શેર યાદ ન કરીએ એ તો કેમ ચાલે? નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો-, પછી આ માટીની ભીની અસર મળે ન મળે ગુજરાતી ભાવકોને યાદ રહેલી કવિતામાં આદિલ મન્સૂરી આજે પણ જીવે છે. ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...