અજવાળાનો ઓટોગ્રાફ:આત્મ-સુધાર માટે કરેલો ખર્ચ, એ જાતમાં કરેલું રોકાણ છે

11 દિવસ પહેલાલેખક: ડૉ. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક

ફ્લેશબેક : મમ્મીની એક વાત મને ક્યારેય સમજાતી નહીં. રિક્ષાના પચાસ રૂપિયા બચાવવા માટે એ છેક સુધી ચાલી નાખતી પણ પાંચસો રૂપિયાનું પુસ્તક ખરીદતા પહેલાં એકવાર પણ વિચારતી નહીં. એક બાજુથી આવી કરકસર અને બીજી બાજુ આવા બિન્દાસ્ત ખર્ચા. મમ્મીની આ વિચિત્ર ‘ફાઈનાન્સ સ્ટ્રેટેજી’ મને ક્યારેય ગળે જ ન ઉતરતી. કટ ટુ પ્રેઝન્ટ : અત્યારે મમ્મી મારી Unpaid નાણાકીય સલાહકાર છે. મૂડીરોકાણ, ટેક્સેશન અને ખર્ચને લગતા તમામ નિર્ણયોમાં હું સૌપ્રથમ મમ્મીની સલાહ લઉં છું. એટલા માટે નહીં કારણ કે વર્ષો સુધી તે બેંકમાં ઓફિસર હતી. એટલા માટે પણ નહીં કે તે અર્થશાસ્ત્ર ભણી છે અને ઇકોનોમિક્સ આજની તારીખે તેનો પ્રિય વિષય છે. ક્રેડિટ-ડેબિટ, ઇન્વેસ્ટમેન્ટ અને ફાઈનાન્સને લગતી તમામ બાબતો એ વધારે સારી રીતે જાણે છે, એટલે પણ નહીં. એની જે ખાસિયત મને આર્થિક, શૈક્ષણિક અને વૈયક્તિક સ્તરે સતત ઉન્નત કરતી રહી છે, એ છે એનું વાંચન. તે કાયમ એવું માનતી આવી છે કે શિક્ષણ, કલા, કેળવણી, તાલીમ કે આત્મ-સુધાર પાછળ ખર્ચેલા નાણા ક્યારેય વ્યર્થ નથી જતા. એ હંમેશાં રિટર્ન્સ આપે જ છે. આ એટલે યાદ આવ્યું કારણ કે થોડા સમય પહેલાં મારી પત્નીએ મને કહેલું કે ‘યોગા ટ્રેઈનર એક સેશનના પાંચસો રૂપિયા કહે છે. થોડા વધારે નથી લાગતા?’ વાત એમ હતી કે બેઝિક યોગા શીખી ગયેલી અમારી દીકરી હવે એડવાન્સ યોગા શીખવા માગતી’તી. જે ટ્રેઈનર શ્રેષ્ઠ હતાં, તેમની ફી થોડી વધારે હતી. મેં પત્નીને કહ્યું, ‘જો કશુંક શીખવા માટે આટલા રૂપિયા ચૂકવવા પડતા હોય, તો એ નહીં શીખવાડવાની કિંમત આપણે ભવિષ્યમાં કેટલી મોટી ચૂકવવી પડશે!’ જાત અનુભવ પરથી એક વાત તો સ્પષ્ટ છે કે મૂડીરોકાણ કરવાનું શ્રેષ્ઠ સ્થળ આપણી પોતાની જાત છે. શેરમાર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ કે રીઅલ એસ્ટેટમાં પુષ્કળ ઇન્વેસ્ટમેન્ટ કરનારા તમે કહેશો કે ‘નિમિત્તભાઈ, આ તો થોડી અતિશયોક્તિ છે.’ બટ આઈ કેન એક્સપ્લેન. મૂડીરોકાણના જે સિદ્ધાંતોને વોરેન બફેટ અનુસરે છે, એ સિદ્ધાંતો સમજાવતું વર્ષો જૂનું એક પુસ્તક હમણાં મારા ધ્યાનમાં આવ્યું. જેની ગણના ‘Top 5 Personal Finance Books’માં થાય છે એવું આ પુસ્તક એટલે ‘The Richest Man in Babylon.’ 1926માં જ્યોર્જ ક્લાસન દ્વારા લખાયેલું આ અદ્ભુત પુસ્તક આજે પણ બેસ્ટસેલર છે. આ પુસ્તકમાં વાર્તાઓ અને કાલ્પનિક પાત્રો દ્વારા આર્થિક નીતિ અંગેની સમજણ આપવામાં આવી છે. કેટલો ખર્ચ કરવો? કેટલી બચત કરવી? આવકના કેટલા ટકાનું રોકાણ કરવું? જેવા આપણને સતાવતા દરેક સામાન્ય પ્રશ્નોના તર્કસંગત જવાબો આ પુસ્તકમાં છે. બેબીલોન નામના સામ્રાજ્યમાં રહેતા એક અત્યંત ગરીબ લેખક ‘આર્કડ’ નામના કાલ્પનિક પાત્રની આ વાત છે. પોતાની મહેનત અને સૂઝપૂર્વકની આર્થિકનીતિ દ્વારા આર્કડ દારુણ ગરીબીમાંથી બેબીલોન સામ્રાજ્યનો સૌથી ધનવાન વ્યક્તિ બની જાય છે અને પછી તે લોકોને નાણાકીય સલાહો આપે છે. એ મૂલ્યવાન નાણાકીય સલાહોનું સંપાદન કરીને વાર્તાના સ્વરૂપમાં લખાયેલું પુસ્તક એટલે ‘ધ રિચેસ્ટ મેન ઈન બેબીલોન.’ એ પુસ્તકમાંથી મને ગમેલો સૌથી મહત્ત્વનો પાઠ તમારી સાથે શેર કરું છું. આર્કડ કહે છે ‘Invest in Yourself.’ (જાતમાં રોકાણ કરો.) પણ એવું એ શું કામ કહે છે? તો એનો જવાબ એ છે કે જાતમાં કરેલું રોકાણ આપણી આવક-ક્ષમતા અને રોજગારની તક બંને વધારે છે. જાતમાં સમયસર રોકાણ કરીએ, તો ભવિષ્યમાં આપણે વધુ કમાઈ શકવાને લાયક બનીએ છીએ. આ વાત જો મારે એક જ વાક્યમાં સમજાવવાની હોય તો, ‘જે સૌથી વધુ Learn કરે છે, એ સૌથી વધુ Earn કરે છે’. અહીંયા Learning એટલે માત્ર ઔપચારિક શિક્ષણ નહીં. કોઈપણ નવી સ્કિલ, કલા, કારીગરી કે એવું કશુંક જે આપણી લાયકાત વધારી શકે. સમય, ઊર્જા અને નાણાનું રોકાણ કરવા માટેની શ્રેષ્ઠ અને ભરોસાપાત્ર જગ્યા આપણી પોતાની જ જાત છે, એટલું સમજવામાં ક્યારેક વર્ષો નીકળી જાય છે. થોડું ચોકસાઈપૂર્વક કહીએ તો આપણી કુલ આવકના 10% આપણે આત્મ-સુધાર માટે ઈન્વેસ્ટ કરવા જોઈએ. જાતમાં ઈન્વેસ્ટ કરવું એટલે શું? તો જે પ્રવૃત્તિઓ કરવા કે શીખવાથી આપણું સુધરેલું અને અપડેટેડ વર્ઝન બની શકે એવી પ્રવૃત્તિઓ પાછળ કરેલો ખર્ચ. જે કાંઈ કરવા, શીખવા કે વાંચવાથી આપણી જાત ઉન્નત બની શકે, એ બધું જ ‘સ્વ’માં કરેલું રોકાણ છે. જેમકે જીમની એન્યુઅલ ફી, પુસ્તકોની ખરીદી, યોગા કે મેડિટેશન માટેનો ખર્ચ, કોઈ નવી તાલીમ, સ્કિલ કે કલા શીખવા માટે ચૂકવેલા નાણા, શિક્ષણ કે કારકિર્દી પાછળ કરેલો ખર્ચ, કોઈ ઓનલાઈન કોર્સ કરવો, નવી ભાષા, રમત કે કારીગરી શીખવી અને એવું બધું જ જે આપણી વર્તમાન જાત કરતાં ભવિષ્યની જાતને ઉન્નત, લાયક અને પ્રવીણ બનાવે. પારંગત, કાબેલ, નિપુણ કે સમર્થ બનાવે. સમૃદ્ધ લોકોની એક ખાસિયત હોય છે. તેઓ મનોરંજન કરતાં શિક્ષણ અને તાલીમ પાછળ વધુ નાણા ખર્ચે છે. સ્વાસ્થ્ય, જ્ઞાન કે કૌશલ્ય વધારવા માટે ચૂકવેલા નાણાની ગણના ક્યારેય ‘ખર્ચ’માં ન કરવી. એ જાત પાછળ કરેલું એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જેના રિટર્ન્સ એક દિવસ તમને અચંબિત કરી નાખશે.⬛vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...