બ્લેક એન્ડ વ્હાઈટ:બોલો જોઉં, ધર્મ મોટો, વિજ્ઞાન મોટું કે લાગણી મોટી?

20 દિવસ પહેલાલેખક: આશુ પટેલ
  • કૉપી લિંક
  • બાંગ્લાદેશમાં ધર્મ અને વિજ્ઞાનનો તફાવત સમજાવનારા એક શિક્ષકને જેલમાં ધકેલી દેવાયો અને એ મુદ્દે આખા બાંગ્લાદેશમાં વિવાદ જાગ્યો છે!

બાંગ્લાદેશમાં એક મહિનાથી એક શિક્ષકની ધરપકડનો મુદ્દો ગાજી રહ્યો છે. 20 માર્ચ, 2022ના દિવસે બાંગ્લાદેશના મુન્શીગંજના પંચાસર વિસ્તારમાં બિનોદપુર રામકુમાર હાઈસ્કૂલના કેટલાક ખેપાની વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન લઈને સ્કૂલના ક્લાસમાં ગયા. તેમણે વિજ્ઞાન અને ગણિતના શિક્ષક હૃદય ચંદ્ર મોંડલને સવાલ કર્યો કે ‘ધર્મ અને વિજ્ઞાન વચ્ચે તફાવત શું? ધર્મ અને વિજ્ઞાન વચ્ચે શું સંબંધ?’ વિદ્યાર્થીઓના એ સવાલના જવાબમાં મોંડલે કહ્યું કે ‘ધર્મ એ શ્રદ્ધાનો વિષય છે, જ્યારે વિજ્ઞાન પુરાવા અને લોજિક માગે છે.’ વિદ્યાર્થીઓએ એ વાત મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી. પછી તેમણે શિક્ષકના એ વિધાનવાળી ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધી. એ ઓડિયો ક્લિપ થોડી વારમાં આખા બાંગ્લાદેશમાં વાઈરલ થઈ ગઈ અને પછી વિદ્યાર્થીઓએ તે શિક્ષક મોંડલની ધરપકડ કરીને તેમને સજા આપવાની માગણી સાથે દેખાવો કર્યા. સ્થાનિક લોકો પણ એ દેખાવમાં જોડાયા અને 22 માર્ચે વિદ્યાર્થીઓએ સ્કૂલના હેડમાસ્ટરને આવેદનપત્ર આપ્યું કે ‘આ શિક્ષકે અમારી ધાર્મિક લાગણી દુભાવી છે, તેની સામે પગલાં લો.’ એ સ્કૂલની બહાર મોટી સંખ્યામાં દેખાવ કરનારાઓ જમા થઈ ગયા. બીજી બાજુ સ્કૂલના ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ચોથા વિભાગના કર્મચારી મોહમ્મદ અસદે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે ‘મોંડલે ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો કર્યો છે એટલે તેની ધરપકડ થવી જોઈએ.’ એના આધારે પોલીસે તરત જ શિક્ષક મોંડલની તેમના ઘરે જઈને ધરપકડ કરી. બીજી બાજુ સ્કૂલે મોંડલને સસ્પેન્ડ કરી દીધા!

મોંડલને 28 માર્ચે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા. જ્યાં મોંડલને જામીન આપવા માટે તેમના વકીલોએ અરજી કરી, પરંતુ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે તેમને જામીન આપવાની ના પાડી દીધી. ત્યાર બાદ મોંડલની ધરપકડને મુદ્દે ખૂબ વિવાદ જાગ્યો. યુનિવર્સિટીના પ્રોફેસર્સ, એક્ટિવિસ્ટ્સ, કાનૂન નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો મોંડલની વહારે થયા. તેમણે સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક સાથેના કન્વર્સેશનને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરવાની, ઓડિયો ક્લિપ રૂપે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કરવાની પ્રવૃત્તિ અને ત્યારબાદ થયેલા દેખાવો સામે મોંડલની ધરપકડ અને તેમને જામીન નહીં આપવાને મુદ્દે વિરોધ નોંધાવ્યો. બીજી તરફ બાંગ્લાદેશના વૈજ્ઞાનિકોએ પણ મોંડલની ધરપકડનો વિરોધ કરતાં કહ્યું કે, ‘આખા દેશના શિક્ષકોએ એક થઈને મોંડલની ધરપકડ સામે દેખાવો કરવા જોઈએ.’ યુનિવર્સિટીના પ્રોફેસર્સે કહ્યું કે ‘અમને મોંડલની ધરપકડથી આઘાત પણ લાગ્યો છે અને આ મુદ્દે અમે ચિંતિત પણ છીએ કે બાંગ્લાદેશમાં શિક્ષણનું ભવિષ્ય શું હશે?’

મોંડલની સામેનો કેસ પાછો ખેંચવા માટે અને તેમને જેલમાંથી છોડવા માટે દેખાવો પણ થયા અને તેમની ધરપકડ સામે સોશિયલ મીડિયા પર પણ વિરોધ નોંધાવાઈ રહ્યો છે. બાંગ્લાદેશ એસ્ટ્રોનોમિકલ એસોસિએશનના ચેરમેન મોશુરુલ અમીન મિલોને મીડિયાને કહ્યું કે, ‘આ ઘટના પૂર્વનિયોજિત અને ઈરાદાપૂર્વકની હતી અને મોંડલ સંજોગોના શિકાર બન્યા છે. તમામ શિક્ષકોએ મોંડલના સમર્થનમાં બહાર આવવું જોઈએ, કારણ કે વિજ્ઞાન શીખવનારા શિક્ષકે આવા કેસમાં જેલમાં જવું પડે એ બતાવે છે કે આપણી નૈતિકતા તળિયે જઈ રહી છે.’ બાંગ્લાદેશના વકીલો પણ આ મુદ્દે મોંડલની વહારે થયા છે. તો બાંગ્લાદેશના કેટલાય વિદ્વાનો અને બૌદ્ધિકો પણ મોંડલના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. સેન્ટર ફોર વિમેન જર્નલિસ્ટ્સના પ્રમુખ નસીમુન આરા હક મીનુએ પણ મોંડલની ધરપકડને મુદ્દે વિરોધ નોંધાવ્યો છે. વિજ્ઞાનને અનુસરનારાઓ અને ધર્મના ઠેકેદારો વચ્ચે આજકાલથી નહીં કેટલીય સદીઓથી ઘર્ષણ થતું આવ્યું છે. મહાન વૈજ્ઞાનિક ગેલીલિયોએ પ્રથમ વખત શોધી કાઢ્યું અને જાહેર કર્યું કે ‘ધર્મની જે માન્યતા છે કે સૂર્ય પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરે છે એ માન્યતા ખોટી છે. હકીકતમાં પૃથ્વી સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરે છે.’ ત્યાં સુધી આખું જગત એમ જ માનતું હતું કે સૂર્ય પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરે છે. પરંતુ ગેલીલિયોએ જ્યારે અલગ સૂર કાઢ્યો અને સાચી વાત કરી કે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે ત્યારે હાહાકાર મચી ગયો. ધર્મગુરુઓએ તેમની વિરુદ્ધ અવાજ ઊઠાવ્યો અને ગેલીલિયોને દેહાંતદંડની સજા આપવા માટે દબાણ કર્યું.

ગેલીલિયોને કહેવાયું કે, ‘તમે એ વાત સ્વીકારી લો કે સૂર્ય પૃથ્વી ફરતે ભ્રમણ કરે છે તો તમને છોડી દઈએ.’ ગેલીલિયોએ કહ્યું કે, ‘તમે ઇચ્છો છો તો હું કહી દઉં કે સૂર્ય પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરે છે.’ તેમણે એટલું કહ્યું એટલે ધર્મગુરુઓ ખુશ થઈ ગયા, પણ પછી તરત જ ગેલીલિયોએ કહ્યું કે, ‘જોકે વાસ્તવિકતા તો એ જ છે કે પૃથ્વી સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરે છે.’ એટલે ફરી ધર્મગુરુઓ ભડક્યા અને ગેલીલિયોએ કારાવાસમાં જવું પડ્યું. એ સમયથી માંડીને આજ સુધીમાં માણસ ઝાઝું કંઈ આગળ વધ્યો નથી એ આવી ઘટનાઓથી પરથી સાબિત થાય છે. ગેલીલિયોની જેમ બાંગ્લાદેશના શિક્ષકે સત્ય કહ્યું અને એના માટે તેમણે જેલની સજા ભોગવવી પડે છે અને આ લખી રહ્યો છું ત્યાં સુધી તેઓ જેલમાં જ છે!

અન્ય સમાચારો પણ છે...