તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંદાઝે બયાં:બોલો ઇશ્વર બોલો: એ રાજદ્રોહી છે કે ક્રાંતિકારી?

3 મહિનો પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક
  • ઇશ્વરે જાણે જીવનનાં ઝેરી રસાયણોમાં ઓગાળીને ટોલરને બનાવેલો

ટાઇટલ્સ સવાર સુધારવી હોય તો છાપાં સાંજે વાંચવાં (છેલવાણી) આજે જ્યારે જગતભરમાં રાષ્ટ્રવાદ અને રાજ્યદ્રોહ જેવા શબ્દો ચર્ચામાં છે, એ જ રીતે વિશ્વયુદ્ધ વખતે પણ વાતાવરણ ગરમ હતું. એવામાં એક લેખકે લખેલું: ‘આપણે તંદુરસ્ત ને નોર્મલ આંખે ઘણું બધું બરાબર જોઇ નથી શકતાં. એ માટે જિંદગી પર મોતનાં ચશ્માં લગાડી જોવું પડે છે!’ આ શબ્દો છે- અર્ન્સ્ટ ટોલર નામના જર્મન લેખક, વક્તા, કવિ-નાટ્યકારના. ઇશ્વરે જાણે જીવનનાં ઝેરી રસાયણોમાં ઓગાળી-ઓગાળીને ટોલરને બનાવેલો. યુદ્ધની ક્રૂરતા એણે જાતે અનુભવી હતી અને એટલે જ માનવતા માટે અત્યાચારો સામે ઝઝૂમતો રહેલો. ટોલર, જન્મે યહૂદી, કર્મે કવિ અને તેજાબી નાટ્યકાર. નવમા વર્ષે કવિતા લખવાનું શરૂ કર્યું, બાપનું કેન્સરમાં મૃત્યુ થયું, એણે લશ્કરમાં દાખલ થવું પડ્યું. યુદ્ધમાં તોપખાનામાં ઘાતકી હત્યાઓ ને ભયાનક અનુભવો જોઇને આખીય જિંદગી યુદ્ધને અને નકલી રાષ્ટ્રવાદને ધિક્કારતો રહ્યો. એવો અદ્્ભુત વક્તા હતો કે હજ્જારોની મેદની સામે સરકાર વિરુદ્ધ બોલતો. એણે વારંવાર જેલમાં જવું પડ્યું. લોકોના પથ્થરો ખાવા પડ્યા ને હદ તો ત્યારે થઈ કે જ્યારે સગી માએ પણ એ પાગલ છે એમ સરકારને કહ્યું! પછી માત્ર 4 દિવસ પાગલખાનામાં ગુજારીને ટોલરની જગત તરફ જોવાની દૃષ્ટિ બદલાઇ ગઇ. એણે ‘મેન એન્ડ માસીઝ’ નાટક 1921માં બર્લિન ખાતે રજૂ કર્યું ત્યારે એમાં હાથકડીથી બંધાયેલા એક માણસ તરફ વિચિત્ર ચહેરાઓવાળું એક ટોળું ધીમે-ધીમે ચાલીને નજીક આવે છે. પેલો માણસ ટોળાને પૂછે છેઃ ‘તમે કોણ છો? કોણ છો, ઓ ચહેરા વિનાના આકારો?’ જવાબમાં પડઘા સંભળાય છે: ‘જનતા...જનતા...અમે જનતા છીએ.’ ઈન્ટરવલ તેરી ઝુલ્ફોં કે સાયે, કિતને ફરિશ્તેં મર જાયેં ટોલર અને આપણી વચ્ચે એક સમાનતા છે: હિટલરે ટોલરનાં નાટકોને બાળેલાં, જેમ આજે આપણે ત્યાં પણ અમુક તેજાબી કિતાબોની હોળી થાય છે! નાઝીઓએ લગાવેલી આગમાંથી નાટકોની કોપીઓને બચાવતો-બચાવતો એ સતત લખ્યા જ કરતો! ટોલરની આત્મકથા ‘આઇ વોઝ જર્મન’નો એક કિસ્સો ગજબનો છે. એક વાર એણે જેલમાંથી ભાગી જવાનો પ્લાન કર્યો હતો. આખાય પ્લાનમાં જેલના વોર્ડનના ખૂન થવાની શક્યતા હોવાની ખબર પડી ત્યારે છેલ્લી ઘડીએ એણે ભાગી જવાનું માંડી વાળ્યું ને બદલામાં એણે પાંચ વર્ષ જેલમાં રિબાઇને કાઢ્યાં. થોડા દિવસ પછી એ જ વોર્ડન સાથે એ અને એનો કેદી મિત્ર, પાસેના શહેરમાં દવાખાને જઇ રહ્યા હતા. સાંકડી, નિર્જન ગલીમાં વોર્ડનને ધક્કો મારીને ભાગી શક્યા હોત, પણ ટોલરે ‘હિન્કમાન’ લખવાનું શરૂ કર્યું હતું. તેણે ભાગવાને બદલે નાટક લખવાનું પંસદ કર્યું. એનો મિત્ર એકલો નાસી છૂટ્યો. એના ‘હિન્કમાન’ નાટકમાં હેન્ડસમ સૈનિકનું ગુપ્તાંગ છેદાઇ જાય છે. સરકસમાં એ ‘જીવતા ઉંદરને ખાઇ જવાનો’ મર્દાના ખેલ કરે છે! એક બાજુ ઓડિયન્સમાં યુવાન છોકરીઓ એના કદાવર શરીરને જોઇ સિસકારા બોલાવે છે ને બીજી બાજુ એ જ સૈનિકની પત્ની બીજા પુરુષની સાથે એ જ ખેલ જોવા આવી હોય છે! સૈનિકની પત્ની સાથેનો પુરુષ કહે છે, ‘આવું તેં તૂત ક્યારેય જોયું છે? જીવતા ઉંદર ખાનારો વળી વીર નર!’ ત્યારે હિન્કમાન કહે છેઃ ‘દુનિયાનો આત્મા નાશ પામ્યો છે, જેમ મારી ઈન્દ્રિય નાશ પામી છે!’ એક વાર ટોલરના શોમાં હુલ્લડ થયું. પીપલ્સ પાર્ટીના ભાડૂતી માણસોએ વિરોધમાં બૂમાબૂમ કરી, રાષ્ટ્રગીત બરાડા પાડીને ગવાવા માંડ્યું અને આ ધમાલમાં ઓડિયન્સમાં બેઠેલો એક માણસ હાર્ટએટેકથી મરી ગયો. પછી એક માણસે લાશ પર ઝૂકીને મરનારનું નાક તપાસ્યું અને બોલ્યો ‘છી! આ તો યહૂદી છે, ગંદો સાલો.’ કારકીર્દીના અંતે, ટોલરની સગી માતાને એનામાં જે પાગલપણું દેખાયેલું એની વાત ‘હોપ્લા! ઐસી હૈ જિંદગી!’ નાટકમાં લખેલી. જેનો હીરો રજાઇમાંથી ચીંથરું ફાડીને આત્મહત્યા કરે છે. ટોલરે પણ એ જ રીતે આપઘાત કરતા કહેલું: ‘ગિલ્ટી, ગિલ્ટી, ગોડ ઇઝ ગિલ્ટી!’ એન્ડ ટાઇટલ્સઃ ઇવ: કેવી લાગું છું? આદમ: રોજ જેવી જ...અલગ!{ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...