અગોચર પડછાયા:આંબલી

જગદીશ મેકવાન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપરથી ગામની​​​​​​​ કોઈ સ્ત્રીએ કહ્યું કે એ ઘરમાં તો એક સ્ત્રી સળગી મરી હતી. એ ચુડેલ બની છે

સુજાતા ના પાડી પાડીને થાકી કે આંબલીવાળું ઘર નથી લેવું. આંબલી પર ભૂત-પ્રેત-ચુડેલ વસવાટ કરવાનું પસંદ કરે છે, પણ મનોજ માને તો ને? એ હતો આધુનિક વિચારોવાળો. ભૂત-પ્રેતની વાતને એ જરા પણ માનતો ન હતો. એટલે એણે એ જ ઘર ભાડે લેવાનું પસંદ કર્યું જેના આંગણામાં આંબલી ઊગેલી હતી. સુજાતાનાં લગ્ન હજી છ મહિના પહેલાં જ મનોજ સાથે થયાં હતાં. બંને મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતાં હતાં. પૈસાની અને સરકારી નોકરીની કિંમત પણ એ બંને જણ સારી રીતે સમજતાં હતાં. જ્યારે બંનેનાં લગ્ન થયાં ત્યારે બંને શહેરમાં જ રહેતાં હતાં. મનોજ એક પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરતો હતો. શહેરમાં ભાડાના ઘરમાં રહેવા છતાં, અગવડો હોવા છતાં, પૈસાની ખેંચ હોવા છતાં નવું-નવું લગ્નજીવન શરૂ થયું હોવાને લીધે બંને ખુશ હતાં. શરીર તો બંનેનાં સુહાગરાતે જ એક થઈ ગયાં હતાં, પણ ધીરે ધીરે મન પણ એક થઈ રહ્યાં હતાં. હળવે હળવે બંને પ્રેમમાં પડી રહ્યાં હતાં. પ્રેમ. એક એવી અદ્્ભુત લાગણી, જે મનુષ્યને જીવતે જીવ જન્નત બતાવે છે. રીસામણા-મનામણા-ચિક્કાર પ્રણયની સૃષ્ટિમાંથી બંને પસાર થઈ રહ્યાં હતાં કે મનોજને વિદ્યાસહાયક તરીકે છેવાડાના એક ગામમાં નોકરી મળી. વિદ્યાસહાયક તરીકે નિમણૂક મળવાને લીધે પગાર ફિક્સ હતો, જે પાંચ વર્ષ પછી વધવાનો હતો. પણ એ પાંચ વર્ષ તો ગમે એમ કરીને એ જ પગારમાં ગાડું ગબડાવવાનું હતું. મનોજ શહેરમાંથી અપ-ડાઉન કરી શકે એમ હતું, પણ મનોજની ગણતરી એવી હતી કે જો એ ગામમાં જ રહેવા જઈએ તો એક તો અપ-ડાઉનના પૈસા બચે અને બીજું કે ગામમાં ખર્ચો શહેરની સરખામણીમાં આપોઆપ ઓછો થાય. એટલે બે પૈસા બચે પણ ખરા, જે ભીડ પડે કામ લાગે. અને એટલે જ એ યુગલ આ ગામમાં રહેવા આવ્યું અને એમને શાળાથી નજીક એક ઘર ભાડે મળ્યું, પણ એના આંગણામાં આંબલી હતી અને એ જોઈને સુજાતા ભડકી. એણે એ ઘરમાં રહેવાની ના પાડી. અને એનું બીજંુ કારણ એ પણ હતું કે એ ઘરનો દેખાવ જ ભૂતિયા હતો. એ ઘર છ-આઠ મહિનાથી બંધ હતું. બે દિવસ તો એની સફાઈમાં લાગ્યા. ત્યારે માંડ એ રહેવાલાયક બન્યું અને આંબલીવાળા એ ઘરમાં એ બંનેનું લગ્નજીવન આગળ વધ્યું. પણ આ વખતે એ પહેલાં જેટલું પ્રેમાળ ના રહ્યું. સુજાતાને સતત એક હાઉ સતાવ્યા કરતો હતો. ઉપરથી ગામની કોઈ સ્ત્રીએ કહ્યું કે એ ઘરમાં તો એક સ્ત્રી સળગી મરી હતી. એ ચુડેલ બની છે અને એ ચુડેલ દર અમાસે આંબલી પર ઊલટી લટકીને હીંચકા ખાય છે. ત્યારે તો સુજાતા રીતસરની કાંપી ઊઠી. એના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. એણે મનોજને એ વાત જણાવી, પણ મનોજે એની એ વાત હસીને ઊડાવી દીધી અને છેવટે અમાસ આવી ગઈ. એ રાતે સુજાતાને ઊંઘ જ ના આવી. મનોજ તો ઘસઘસાટ ઊંઘી ગયો, પણ સુજાતા તો પડખાં જ ઘસતી રહી. લગભગ રાતના દોઢ વાગ્યે એને બહાર કંઈક અવાજ સંભળાયો. એ બીતાં બીતાં ઊઠી અને બારીની તિરાડમાંથી એણે એ આંબલી પર નજર નાખી. આંબલી પર એક સ્ત્રી ઊંધી લટકીને હીંચકા ખાતી હતી. એની જીભ જમીન સુધી લબડતી હતી. એ ભયાનક દૃશ્ય જોતાંની સાથે જ સુજાતા બીકની મારી બેભાન થઈ ગઈ. બીજે દિવસે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. સુજાતાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે તાત્કાલિક ઘર બદલો, નહીંતર હું ચાલી પિયર અને ભૂતને અંધશ્રદ્ધા ગણનારા મનોજે સ્પષ્ટપણે સંભળાવી દીધું કે જ્યાં સુધી હું આવતી અમાસે એ આંબલી ઉપર ચુડેલને ઊંધી લટકતી ના જોઉં ત્યાં સુધી આ ઘર નહીં છોડું અને સુજાતા પિયર જતી રહી. અને એ પતિ-પત્ની, જે પ્રેમી પંખીડાં પણ હતાં, એ છૂટાં પડી ગયાં. બે દિવસ તો ટણીમાં ગુજરી ગયા, પણ ત્રીજે દિવસે બંને જણને આંટા આવી ગયા. એકબીજા વગર હિજરાવા લાગ્યા, પણ સામેવાળું પાત્ર વાત કરવાની પહેલ કરે તો હું ઝૂકું, બાકી તો ઝૂકેગા નહીં સાલા...વાળો અહંનો ખેલ હતો. અમાસ આવી ગઈ અને સુજાતાને ફડક પેઠી કે મનોજ રાત્રે ચુડેલ જોવા આંબલી પાસે જશે અને ચુડેલ એને મારી નાખશે તો? તો તો જેની સાથે અબોલા લીધા છે એ ક્યારેય નહીં બોલે અને એ બહાવરી બનીને નાઠી. વાહન ના મળ્યું તો કાકાની છોકરીની એક્ટિવા લઈને નાઠી. * * * રાતના એક વાગ્યે મનોજ એ આંબલી સામે ઊભો ઊભો, એ આંબલીની નીચે એક લાશને ખાઈ રહેલી ચુડેલને તાકી રહ્યો હતો. એની બાજુમાં સુજાતા ઊભી હતી. એના ચહેરા પર ભારે દુ:ખ અને અફસોસ હતો. એ બોલી, ‘મેં કીધેલું ને?’ ‘હા. કાશ, મેં તારી વાત માની લીધી હોત.’ મનોજ બોલ્યો અને બંને જણ એકબીજાનો હાથ પકડીને આંબલી પર જઈને બેસી ગયાં. * * * એ સમયે સુજાતાનું શરીર તો હાઈ-વે પર એક્ટિવાની બાજુમાં મૃત હાલતમાં પડ્યું હતું. પતિની ચિંતામાં બહાવરા બનીને ગાડી ચલાવવાના ચક્કરમાં એનો એક્સિડન્ટ થયો હતો અને ચુડેલને જોતાંની સાથે જ હાર્ટએટેકને લીધે મરી ગયેલા મનોજની લાશને એ આંબલીવાળી ચુડેલ ખાઈ રહી હતી.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...