આંતરમનના આટાપાટા:નિશાન ચૂક માફ...

જય નારાયણ વ્યાસ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

સંસ્કૃતમાં એક શ્લોક છે – आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशृङ्खला । यया बद्धा: प्रधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत् ॥ બહુ જ સરસ વાત છે. માણસ આશાનો બંધાયો દોડે છે. એના મનમાં કશુંક પામવાની, ક્યાંક પહોંચવાની અભિલાષા છે. આ અભિલાષા અથવા એના થકી નક્કી થયેલ લક્ષ્ય પામવા માટેની એની માથામણ સતત ચાલતી રહે છે અને આ આશા-અભિલાષા એ જ સુખ કે દુઃખનું કારણ બનતાં હોય છે. તમારી પણ આવી કોઈ લક્ષ્ય સિદ્ધિ માટેની ઈચ્છા હશે. આ લક્ષ્ય કેવું હોવું જોઈએ? ક્યારેય તમે સરળતાથી આંબી જવાય તેવું લક્ષ્ય ના રાખો. ‘નિશાન ચૂક માફ પણ નહીં નીચું નિશાન’ સૂત્ર મુજબ તમારું લક્ષ્ય એવું ન હોવું જોઈએ કે જે રમતાં રમતાં આંબી જવાય. લક્ષ્ય માટે કરવાનું થતું આયોજન તમારા લક્ષ્ય પરથી નક્કી થાય છે. કહ્યું છે, ‘ઇફ યુ આર ફેઇલિંગ ટુ પ્લાન, યુ આર ફેઇલિંગ ટુ વિન’ એટલે લક્ષ્ય નક્કી કરતાં પહેલાં તમારી ઊર્જા અને તાકાતની કસોટી કરે અને જેને આંબીને તમે કોઈક વિશિષ્ટ સિદ્ધિ પામ્યા છો એવું કમસેકમ તમારી આજુબાજુનાં લોકો સ્વીકારે એવું લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય પામવા માટે શું કરીશું? લક્ષ્ય પામવા માટે જરૂરી એવાં સંસાધનો અને અન્ય ભૌતિક સામગ્રી તમારી પાસે છે? ન હોય તો એ તૈયાર કરી દો. ગમે તેવું કેળવાયેલું લશ્કર હથિયારો અને દારૂગોળા વગર જીતી શકતું નથી. ત્યાર પછીની બાબત માનસિક રીતે તમને તૈયાર કરવાની છે. તમારા માર્ગમાં આવનાર અવરોધો કયા પ્રકારના છે, તમારા હરીફો સ્પર્ધામાં ઉતરે ત્યારે આવડત અને સાધનો બંને બાબતમાં તમારાથી કેટલા ચડિયાતા છે, તેને એક અડસટ્ટો આપી લો. કોઈપણ સ્પર્ધા માટે તમારી નબળાઈઓ અને બળ જાણો – know yourself. સાથોસાથ હરીફોની તાકાત અને નબળાઈઓ પણ જાણો – know your competitor. હવે તમે માનસિક રીતે તૈયાર થઈ રહ્યા છો. યુદ્ધના મેદાન માટે કહેવાય છે કે, ‘વોર્સ આર પ્લાન્ડ ઇન ધ માઈન્ડ્સ ઓફ જનરલ્સ બટ એક્ઝિક્યુટેડ ઓન ધ બેટલફ્રન્ટ.’ મોટાં મોટાં યુદ્ધ માટેની વ્યૂહરચના લશ્કરી વડાઓના અને તેમની વોર ટીમના મગજમાં ઘડાતી હોય છે અને એક વખત પાકું આયોજન થઈ જાય પછી યુદ્ધના મોરચે તેનો અમલ થાય છે. તમે પૂરતી તૈયારી કરી છે, શત્રુની તાકાતનો અંદાજ મેળવ્યો છે, એ પ્રમાણે તમે વ્યૂહરચના તૈયાર કરી છે ત્યારે તમારું અંતિમ લક્ષ્ય જીતથી ઓછું ન હોઈ શકે. બીજા વિશ્વયુદ્ધના બહુખ્યાત જનરલ પેટર્ને કહ્યું હતું કે– ‘નો બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય ડાઇંગ ફોર હિસ કન્ટ્રી, અ બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય મેકિંગ અધર્સ ડાઇંગ ફોર હિસ કન્ટ્રી.’ તમારું લક્ષ્ય તો વિજયી બનવાનું છે, ભલે એ વિજયી થતાં થતાં શહીદી વહોરવી પડે તો ચાલે, પણ તમારે તો વિજયશ્રીની માળા તમારા ગળામાં પડે તે માટે પ્રયત્નો કરવાના છે. આ પ્રયત્નો કરવા માટે પહેલી જરૂરિયાત આત્મબળની છે. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી તેમાં મહદંશે તાકાત અને વિજયશ્રીને વરવાનું આત્મબળ ઊભું કરવાની મથામણ છે. તમે હવે રણ મેદાનમાં ઉતરી ચૂક્યા છો ત્યારે હવે તમારું ચાલકબળ શું હશે? એનું પહેલું અને મુખ્ય ચાલકબળ છે એકાગ્રતા. મહાભારતમાં આના માટેના બે સરસ દાખલા જોવા મળે છે. એક, રાજકુમારની ધનુર્વિદ્યાની પરીક્ષા ગુરુ દ્રોણ લે છે ત્યારે ઘટતી ઘટનાઓ અને બીજો, દ્રૌપદી સ્વયંવરમાં અર્જુન મત્સ્યવેધ કરવા માટે સ્પર્ધામાં ઉતરે છે અને વિજયી બને છે, દ્રૌપદી એના ગળામાં વરમાળા પહેરાવે છે તે. આ બંને દાખલા તમારા મનોબળને મજબૂત કરવા માટે અને વિજયી બનવા માટે ઘૂંટી ઘૂંટીને આપણા અસ્તિત્વમાં ઉતારવાના છે. મિત્રો, સફળતાપૂર્વક પોતાના લક્ષ્યને પામવા માટેનાં કારણોમાંથી સૌથી અગત્યનું કારણ છે પોતાનું સમગ્ર ધ્યાન એના પર કેન્દ્રિત કરવું. અંગ્રેજીમાં કહેવું હોય તો કહી શકાય stay focussed. તમે તમારા ધ્યેયને આંબવા નિશાન તાકતા હોવ ત્યારે માત્ર ધ્યેય ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત કરી આગળનાં પગલાં લો. લક્ષ્ય આંબી શકાય એવું હોવું જોઈએ, પણ સાવ સરળ નહીં. લક્ષ્ય એટલું કઠિન તો હોવું જોઈએ કે તેને પામવા જતા તમે કદાચ ખુવાર થઈ જાવ તો પણ ગૌરવ થાય. સાવ સહેલું અથવા કોઈપણ વ્યક્તિ હાંસલ કરી શકે એવું લક્ષ્ય તમે સિદ્ધ કરશો એનો સંતોષ તો મળશે પણ ગૌરવ નહીં મળે.⬛

અન્ય સમાચારો પણ છે...