તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અગોચર પડછાયા:સોફિયાને સમજાતું નહોતું કે જેકબ કેમ બોલતો નથી?

જગદીશ મેકવાન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોફિયાનું દિલ હવે હળવું થઈ ગયું, કેમ કે એને એ વાતની તો ખબર પડી જ ગઈ કે જેકબ હજી પણ એને જ ચાહે છે, પણ એવું કંઈક છે જેના કારણે જેકબ સોફિયાથી જાણી જોઈને દૂર રહે છે

સોફિયા તીવ્ર વિયોગની પીડા વેઠી રહી હતી. જેકબે એકદમ જ કોઈ પણ જાતના કારણ વગર સોફિયા સાથે બોલવાનું બંધ કરી દીધું અને સોફિયાનું દિલ તૂટી ગયું. હવે એને એ વાતનો અહેસાસ થયો કે એ જેકબને કઈ હદે ચાહે છે. સોફિયા જેકબ પાસેથી ફક્ત એટલું જ જાણવા માંગતી હતી કે જેકબ હવે આ સબંધમાં આગળ વધવા ના માંગતો હોય તો કંઈ વાંધો નહીં, પણ કમ સે કમ બ્રેક-અપ માટેનું કારણ તો આપે! પણ ના...જેકબ તો સોફિયાને જોતાંની સાથે સરકી જતો હતો. એકવાર તો સોફિયા જેકબના ઘરે જઈને સીધી એના રૂમમાં જ ઘૂસી ગઈ અને જેકબને આમ એકદમ જ રીસાઈ જવાનું કારણ પૂછ્યું. તો જેકબે માત્ર એટલું જ કહ્યું કે બસ, હવે એ આ સબંધને આગળ લઈ જવા માંગતો નથી, પણ પ્રેમીઓ એકબીજાનાં દિલની વાત સમજી જતાં હોય છે. સોફિયાને જેકબની આંખમાં જોઈને જ ખ્યાલ આવી ગયો કે જેકબ એને ખૂબ જ ચાહે છે અને એના વગર હિજરાઈ રહ્યો છે. તો પછી આવી રીતે અંતર રાખવાનું કારણ શું? એ દિવસોમાં ઘણી વાર રાત્રે ઊંઘમાં સોફિયાને લાગતું કે કોઈક એને તાકી રહ્યું છે અને એકદમ જ એની આંખો ખૂલી જતી, પણ રૂમમાં એને કોઈ જોવા ન મળતું. એટલે એક વાર સોફિયાએ પોતાના રૂમમાં છૂપો કેમેરો ગોઠવીને આખી રાતનું શૂટિંગ કર્યું. તો એને જાણવા મળ્યું કે રાત્રે જેકબ બારીમાંથી એના રૂમમાં આવીને બે-ચાર મિનિટ માટે તેને નિહાળીને પાછો જતો રહ્યો હતો. સોફિયાનું દિલ હવે હળવું થઈ ગયું, કેમ કે એને એ વાતની તો ખબર પડી જ ગઈ કે જેકબ હજી પણ એને જ ચાહે છે, પણ એવું કંઈક છે જેના કારણે જેકબ સોફિયાથી જાણી જોઈને દૂર રહે છે. બીજે દિવસે સોફિયાએ જેકબનો પીછો કર્યો. જેકબ શહેરના એ એરિયામાં ઘૂસ્યો, જે ગુનેગારો માટે સ્વર્ગ સમાન વિસ્તાર હતો. ત્યાં એક સૂમસામ ગલીમાંથી પસાર થઈ રહેલી એક સ્ત્રી સાથે એક પુરુષ બળજબરી કરવાની કોશિશ કરી રહ્યો હતો. જેકબે એ પુરુષ પર હુમલો કરીને એના ગળે બચકું ભરી લીધું. પેલી સ્ત્રી જીવ બચાવીને નાઠી. સોફિયા ધીમા પગલે જેકબ પાસે ગઈ. જેકબની આંખો લાલ હતી. ચહેરો એકદમ સફેદ પૂણી જેવો ધોળો હતો. એના બંને દાંત પેલા બદમાશના ગળે ખૂંપેલા હતાં. એ બદમાશ ધીમે-ધીમે ચિમળાઈ રહ્યો હતો. રુવાડાં ઊભાં કરી દે એવું એ દૃશ્ય જોઈને સોફિયા કોઈ પ્રતિભાવ આપે એ પહેલાં તો જેકબની નજર સોફિયા ઉપર પડી. એ ઘૂરકાટો કરીને કૂદીને સોફિયા પાસે આવ્યો અને છલાંગ લગાવીને અંધારામાં અદૃશ્ય થઈ ગયો. *** જેકબ પોતાના રૂમમાં પ્રવેશ્યો. લાઈટ ચાલુ કરી. તો એના બેડ પર તો સોફિયા બેઠી હતી. હવે બીવાનો વારો જાણે જેકબનો હોય એમ એ ભડકીને એક ડગલું પાછળ હટીને બોલ્યો, ‘તું અહીં શું કરે છે?’ ‘તું મને લવ નથી કરતો?’ ‘આઈ લવ યુ.’ જેકબના મોંમાંથી નીકળી ગયું. સોફિયાના ચહેરા ઉપર સ્મિત પ્રગટ્યું. એ બોલી, ‘તો પછી મારાથી આ વાત કેમ છુપાવી?’ ‘કેમ કે, મને બીક લાગે છે.’ ‘કઈ વાતની?’ ‘ક્યાંક હું મારી ભૂખ ઉપર કાબૂ નહીં રાખી શકું તો? અને એવા સમયે હું તારું જ લોહી ચૂસી લઈશ તો?’ ‘ચિંતા ન કર. એવું કંઈ નહીં થાય. હું છું ને?’ સોફિયાએ આત્મવિશ્વાસ અને પ્રેમથી જવાબ આપીને જેકબને પોતાની બાંહોમાં સમાવી લીધો. જેકબ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો. પછી થોડો હળવો થઈને બોલ્યો, ‘તને યાદ છે, આપણે ગયા મહિને જંગલ સફારી માટે ગયેલાં? અને એક રાત આપણે જંગલમાં જ ગાળી હતી? ત્યારે જંગલ ખાતાવાળા ઓફિસરે આપણને જંગલમાં રોકાવાની ના પાડી હતી?’ ‘હા. એ કહેતો હતો કે એ જંગલમાં વેમ્પાયર અને વેરવૂલ્ફ છે. એટલે તો આપણે ગન સાથે રાખી હતી.’ ‘એ વાત સાચી છે. રાત્રે તું ઊંઘી ગઈ, પછી મને ઊંઘ નહોતી આવતી એટલે હું તંબુમાંથી બહાર નીકળ્યો. અને આમ-તેમ થોડું ચાલ્યો. તો ત્યાં થોડે દૂર એક બેહદ ખૂબસૂરત યુવતી ઊભી હતી. એણે મને ઈશારો કરીને એની પાસે બોલાવ્યો. મને તો એને જોતાં જ ખ્યાલ આવી ગયો કે એ વેમ્પાયર છે. એટલે હું ભાગવા માટે પલટ્યો, પણ હું ભાગવા માટે પગ પણ ઊપાડું એ પહેલાં તો એ વીજળીની ગતિથી મારી પાસે આવી ગઈ અને એના બે દાંત મારા ગળામાં ખુંપાવી દીધા. એ મારું લોહી ચૂસવા લાગી. હું ત્યાં જ ખતમ થઈ જાત, પણ એ જ સમયે જંગલમાં કોઈએ બંદૂક ચલાવી. એના અવાજથી ભડકીને, મને પડતો મૂકીને એ ભાગી ગઈ. જો હું મરી ગયો હોત તો વાંધો ના આવત, પણ એણે મારું થોડું લોહી ચૂસીને મને જીવતો છોડી દીધો. એટલે હું પણ વેમ્પાયર બની ગયો. મારે નિર્દોષ લોકોના જીવ ના લેવા પડે એ માટે ગુનેગારોનો શિકાર કરું છું. અત્યાર સુધી તો વાંધો નથી આવ્યો, પણ ક્યારેક મને શિકાર નહીં મળે અને હું ભૂખ્યો હોઈશ, એવા સમયે તું મારી પાસે હોઈશ તો તારી શું દશા થશે? એ વિચારીને જ હું તારાથી દૂર રહું છું. મને તો જંગલમાં એ ટાઈમે જેણે બંદૂક ચલાવી એના પર ગુસ્સો ચડે છે. ના એણે બંદૂક ફોડી હોત, ના હું જીવતો રહ્યો હોત, ના આજે તું ખતરામાં હોત. કોણ જાણે કોણે એ ટાઈમે બંદૂક ફોડેલી?’ ‘મેં’ સોફિયાએ જવાબ આપ્યો. જેકબ આશ્ચર્યથી એને તાકી રહ્યો. સોફિયા બોલી, ‘રાત્રે મને તંબુની બહાર ઘૂરકાટ સંભળાયો. એટલે હું જાગી ગઈ. મેં જોયું તો તું મારી બાજુમાં ન હતો. હું ગભરાઈ ગઈ. મને તારી ચિંતા પણ થઈ. એટલે હું ગન લઈને બહાર આવી. તો મારી સામે એક વિશાળકાય વરૂ ઊભું હતું. એ કંઈ કરે એ પહેલાં તો મેં એક પછી એક છ ગોળી છોડી દીધી. બધી જ ગોળી એના શરીરમાં ધરબાઈ ગઈ. તેમ છતાંયે એ કૂદકો મારીને જંગલમાં નાસી ગયું. પછી એ મરી ગયું.’ ‘તને કઈ રીતે ખબર કે એ મરી ગયું?’ ‘કેમ કે જે માણસ વેરવૂલ્ફને મારી નાખે એ જાતે વેરવૂલ્ફ બની જાય.’ બોલીને સોફિયાએ વરૂની જેમ ઘૂરકટો કર્યો. એનું શરીર ખેંચાવા લાગ્યું અને જોતજોતામાં તો એ વેરવૂલ્ફમાં પરિવર્તિત થઈ ગઈ. *** હવે એ શહેરના ગુનેગારોની લાશ દર બે-ચાર દિવસે ક્ષત-વિક્ષત હાલતમાં મળે છે. ક્યારેક કોઈ ગુનેગારના શરીરનું લોહી ચુસાઈ ગયું હોય છે. તો ક્યારેક કોઈ ગુનેગારને કોઈ જાનવરે ફાડી ખાધું હોય છે. ગુનેગારોમાં આતંક છે. શહેરમાં શાંતિ છે અને પોલીસને એ સમજાતું નથી કે પોલીસના બદલે ગુનેગારોનો સફાયો કોણ કરી રહ્યું છે? ⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...