પ્રતિમાઓ:હોલિવૂડ ફિલ્મ ‘ધ મેન આઈ કિલ્ડ’ પર આધારિત પુત્રનો ખૂની

ઝવેરચંદ મેઘાણીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાં જો બચ્ચા! તને આ ફક્કડ દવા આપું છું. તને જલદી આરામ આવી જશે. પણ જોજે હોં, મોટો થાય ત્યારે કોઈ ફ્રેન્ચ બચ્ચાને દીઠ્યે મેલીશ શા મા, હોં! જેટલા બને તેટલા ફ્રેન્ચોને ઠાર કરજે, હોં કે બેટા!’ ‘હોવે હોવે, દાક્તર દાદા! ફ્રેન્ચ બચ્ચાનું તો હું ખૂન પી જઉં.’ ‘વાહ, શાબાશ! શાબાશ! સલામ!’ ‘સલામ, દાક્તર દાદા!’ પ્રભાતને એક સુંદર પહોરે જર્મનીના એક નાના-શા શહેરના એક ખાનગી દવાખાનામાં એક બુઢ્ઢા દાસ્તરની અને બાળક દર્દીઓની વચ્ચે આ પ્રમાણે વાતો થઈ ગઈ. હાજર હતા તે તમામ દર્દીઓ હસતાં હસતાં આ દાક્તરનો તોર અને બાળકના શૂરભર્યા શબ્દો ઉપર ફિદા થઈ રહ્યાં હતાં. બાળકના આવા કટ્ટર પ્રત્યુત્તર પ્રસન્ન બનીને દાક્તર બેવડી તાકાત અનુભવતા હતા, એની કલમ નવા દર્દીઓનાં નામો ટપકાવતી હતી. શહેરના એ પૂજનીય પુરુષ હતા. ફ્રેન્ચ તરફની એમની આ ધિક્કારવૃત્તિએ એમને પ્રજાની નજરમાં વધુ માનનીય બનાવ્યા હતા. એક દયાવંત વૃદ્ધ દાક્તરના મેજ સામે પડેલું આ વાતાવરણ, ફ્રેન્ચો અને જર્મનો વચ્ચેની દુશ્મનાવટ કેટલી કટ્ટર બની હતી તે બતાવવા માટે બસ થઈ પડતું હતું. થોડી વારે ફૂલોના ધીંગા ધીંગા હારતોરા લઈને દાક્તરના ઘરમાંથી એક જુવાન કન્યા બહાર નીકળી. ‘દાદા! કબ્રસ્તાને જાઉં છું.’ કહીને એણે દાક્તરની સામે મોં મલકાવ્યું. ‘હા બચ્ચા, જઈ આવ. આજે એની ત્રીજી સંવત્સરી, ખરું કે?’ જવાબ દેતાં એની આંખો ભીની થઈ. સ્વસ્તિક આકારની ખાંભીઓનું એક વિશાળ વન જાણે કે ગામની સ્મશાનભૂમિમાં પથરાઈ ગયું હતું. મૃત્યુએ મનુષ્યનાં શબો વાવીને પોતાની ફૂલવાડી ઉગાડી હતી. મહાયુદ્ધે ભોગ લીધેલા હજારો યુવાનો અહીં સૂતા હતા. કોણ કોનો બેટો ને કોનો પતિ ક્યાં સૂતો છે તેની નામનોંધ આ તમામ ખાંભીઓ ઉપર કોતરાયેલી હતી. એ બહોળા કબ્રસ્તાનની એક દિશામાંથી હૈયાફાટ છતાં રૂંધાયેલા રુદનના સ્વરો સંભળાતા હતા. નખશિખ શ્યામ પોશાકે ઊભેલી એક પચાસ વર્ષની બુઢ્ઢી મા એના દીકરાની ખાંભી ઉપર ફૂલહાર મૂકીને રોતી હતી. એક ડોશી, બીજી ડોશી, બેઉ કાળા પોશાકમાં. રડે તો છે બંને પણ એકબીજાને દિલાસોય દેતી જાય છે. બેઉ સમદુ:ખી કાળા ઓળાયા સંસારની વાતોએ ચડીને કબ્રસ્તાન સોંસરવા ચાલી જાય છે. બીજા એક ખૂણામાં એક ખાંભી ઉપર હાર પધરાવીને એક યુવાન આંખો મીંચી, હાથ જોડી, અદબથી ઊભો હતો. એની આંખો વહેતી હતી. થોડે દૂર ઠ…ક ક! ઠ…ક ક! કોદાળીના ઘા પડતા હતા. ઘોરખોદિયો એક નવી કબર ખોદી રહ્યો હતો. એની ટાંપ આ ધ્યાનસ્થ ઊભેલા યુવક તરફ જ હતી. વારંવાર ઘોરખોદુની કોદાળી થંભતી ને એની આંખો કોઈ ભયસૂચક આશ્ચર્યથી ભરાઈને તાકી રહેતી. ગામમાં આવેલો એ નવો મુસાફર કોણ હતો? દાક્તરને ઘેરથી નીકળેલી એ યુવાન કુમારિકા પણ ખાંભીઓના આ વનને વીંધતી વીંધતી આખરે એ જ આરામગાહ ઉપર આવીને થંભી ગઈ, પણ જ્યાં ફૂલહાર ધરવા જાય છે ત્યાં તો એણે અજબ દૃશ્ય દેખ્યું. પોતાના સ્વજનની ખાંભી ઉપર એક અજાણ્યા પરદેશીને- ચહેરામહોરા પરથી પરખાતા એક ફ્રાન્સવાસીને ભાળી આ યુવતી આશ્ચર્ય પામી. એને આવેલી દેખતાં જ યુવાન પ્રાર્થના કરવી છોડી દઈ ચૂપચાપ ત્યાંથી ચાલી નીકળ્યો. કુમારી જ્યારે ફૂલો ચડાવીને પાછી ફરતી હતી ત્યારે ઘોરખોદુએ એને સાદ પાડ્યો. છાની વાત કહેતો હોય તેવા અવાજે એણે કહ્યું: ‘દીઠો એને? એણે મને તારા વોલ્ટરની ખાંભી દેખાડવાના દસ રૂપિયા દીધા: ખબર છે? નવી નવાઈનો ફ્રેન્ચમેન! એક ફ્રેન્ચમેને ઊઠીને મને એક જર્મન બચ્ચાની ખાંભી બતાવવાના દસ રૂપિયા દીધા! જો, આ રહ્યા. ઈ મને એણે દીધા. તારા વરની ખાંભી દેખાડવાના.’ [3] ખાંભી પાસેથી ચાલી નીકળેલો એ જુવાન શહેરમાં દાખલ થયો. અને પોતાની મુખમુદ્રા કોઈની નજરે ન ચડે તેટલી ત્વરાથી ગલીઓ વટાવીને દાક્તરના દ્વાર પર આવી પહોંચ્યો. દર્દીઓ બધા ચાલ્યા ગયા હતા, પણ દાક્તરની ઈસ્પિતાલે કોઈ પણ દર્દી માટે કદાપિ વેળાકવેળાનો પ્રશ્ન નહોતો. બારણા પર ટકોરા પડતાંની વાર જ એણે જવાબ દીધો : ‘અંદર આવો.’ ચિંતાગ્રસ્ત અને તપ્ત યુવાને પ્રવેશ કર્યો. માથું ઊંધું ઘાલીને દાક્તર પોતાના રજિસ્ટરમાં તે દિવસના દર્દીઓની નોંધ કરતા હતા. એમણે ઊંચે જોયા વગર હંમેશની આદત મુજબ પ્રશ્નો પૂછ્યા: નામ? ઉમ્મર? સરનામું? યુવકે તે શહેરનું પોતાનું ઊતરવાનું ઠેકાણું આપ્યું. ‘હં… ફ્રેન્ચ હોટલ કે?’ વૃદ્ધે વરુની માફક ઘુરકાટ કર્યો. હજુ એની આંખો અને એની કલમ તો રજિસ્ટરમાં જ ખૂતેલાં હતાં. એણે છેલ્લો પ્રશ્ન પૂછ્યો : ‘વતન?’ વતન તરીકે એક ફ્રેન્ચ ગામનું નામ કાને પડતાંની વાર જ વૃદ્ધે ઊંચે જોયું. એ ખુરશી પરથી ખડો થઈ ગયો. આવેલ યુવાનની સામે એણે ભવાં ખેંચીને ડોળા તાક્યા: ‘તું ફ્રેન્ચ બચ્ચો અહીં જર્મન આકાશની નીચે? અને અહીં ખુદ મારા જ ઘરના ઉંબરામાં? જીવતો ઊભો છે?’ યુવક ચૂપ રહ્યો. એણે દાક્તરના ટેબલ પર એક છબી પડેલી દીઠી. ત્યાં તાકી રહ્યો. ‘બહાર નીકળ.’ વૃદ્ધ બરાડ્યો: ‘મારા ઘરને ભ્રષ્ટ કરવા એક પળ પણ ન ઊભો રહે, ચાલ્યો જા, કહું છું. ફ્રાન્સનો એકોએક વતની મારી નજરમાં ખૂની છે. જોઈ આ છબી? એકેએક ફ્રાન્સવાસી આ મારા એકના એક લાડકવાયા પુત્રનો પ્રાણ લેનાર ઘાતક છે. અહીંથી સત્વર બહાર નીકળી જાય. મારું ધૈર્ય તૂટું તૂટું થાય છે.’ ‘નહીં જાઉં.’ કહીને યુવક એક ખુરશી પર ઢગલો થઈ પડ્યો. ‘હું નહીં જાઉં, નહીં જાઉં, તમે મારી નાખો, કટકા કરી નાખો તો પણ નહીં જાઉં.’ એમ કહેતા એનો સ્વર ફાટી ગયો. ‘હું કંઈક કહેવા આવ્યો છું. મારે મારું દિલ ખોલવું છે. હું નહીં જાઉં.’ ⬛ (ક્રમશ:) (‘પ્રતિમાઓ’ પુસ્તકમાંથી સાભાર)

અન્ય સમાચારો પણ છે...