અજવાળાનો ઓટોગ્રાફ:બેટા, લોકોની નિયત પર ક્યારેય શંકા ન કરવી

20 દિવસ પહેલાલેખક: ડૉ. નિમિત્ત ઓઝા
  • કૉપી લિંક
  • આપણું આખું જીવન શ્રદ્ધા અને શંકા વચ્ચેની એક બેલેન્સિંગ એક્ટ છે. વહાલ મેળવવા માટે ક્યારેક વલણ બદલવું જરૂરી હોય છે

અમેરિકન કવયિત્રી માયા એન્જલુની કેટલીક વાતો આપણું જીવન બદલી શકે છે. તેમણે વિશ્વ-ભ્રમણ કર્યું, ખૂબ પ્રવાસ કર્યા અને ઢગલાબંધ લોકોને મળ્યા. દરેક નવાં સ્થળ પર તેમને થયેલા અનુભવ અને એમાંથી મળતી શીખ તેમણે પોતાનાં પુસ્તકોમાં લખી છે. એમાંનું એક અદ્્ભુત પુસ્તક એટલે ‘Letter to My Daughter.’ મજાની વાત એ છે કે માયા એન્જલુને ફક્ત એક દીકરો જ હતો. તેમને કોઈ દીકરી નહોતી. પરંતુ એવી કેટલીય યુવતીઓ હતી જેમનાં માટે તેઓ એક માતા સમાન હતાં. એમના વિચારોથી પ્રભાવિત થયેલી કેટલીય સ્ત્રીઓએ એમને પોતાની મમ્મીનો દરજ્જો આપેલો. એ દીકરીઓને શીખ, સંદેશ અને સમજણ આપવા માટે લખાયેલું પુસ્તક એટલે ‘લેટર ટુ માય ડોટર.’ એ પુસ્તકમાં રહેલો એક સુંદર પ્રસંગ તમારી સાથે શેર કરું છું.

તેઓ જ્યારે નોર્થ આફ્રિકા ગયાં ત્યારે મોરોક્કોમાં એક ઘટના બની. ત્યાંનાં કેટલાંક સ્થાનિક ગ્રામવાસીઓએ તેમને કોફી માટે આમંત્રણ આપ્યું. જેમના દ્વારા આમંત્રણ મળેલું, એ એક આદિવાસી આફ્રિકન પ્રજાતિ હતી, જે જંગલોમાં રહેતી હતી. તેમનાં આમંત્રણને માન આપીને એન્જલુ કોફી પીવા પહોંચી ગયાં. વન્યજીવોની વચ્ચે આવેલા આ સ્થળની આસપાસ ખૂબ બધી જીવાતો અને જંતુઓ હતાં. તેમનાં માટે ગરમાગરમ કોફી લાવવામાં આવી. કોફીનો કપ હાથમાં પકડતાંની સાથે જ તેમણે નોટિસ કર્યું કે તેમના પગની આસપાસ ખૂબ બધા વંદા ફરી રહ્યા હતા. તેમણે કોફીનો પહેલો જ ઘૂંટડો ભર્યો અને તરત તેમને ખ્યાલ આવ્યો કે કોફીના ઘૂંટ સાથે અંદર ગયેલો એક વંદો તેમના મોઢામાં પણ ફરી રહ્યો છે. નક્કી કોફીમાં વંદો પડ્યો હશે, એવું માનીને તેઓ મોઢામાં ગયેલી કોફી થૂંકી નાંખવા માંગતાં હતાં, પણ આસપાસ બેઠેલાં ગ્રામવાસીઓ અને યજમાનની સામે આવું કરવું અયોગ્ય અને અપમાનજનક ગણાય એવું સમજીને તેઓ એ ઘૂંટડો ગળાની નીચે ઉતારી ગયાં. આટલાં વહાલ, આદર અને સત્કારથી પીરસાયેલી કોફી તો પછી કોઈપણ સંજોગોમાં પૂરી કરવી જ પડે તેમ હતી. તેથી પરાણે હસતું મોઢું રાખીને પણ તેઓ બધી કોફી પી ગયાં. એ દરમિયાન એમને ખ્યાલ આવ્યો કે કોફી પૂરી થતાં સુધીમાં બીજા બે વંદા પણ તેઓ કોફીની સાથે ગળી ચૂક્યાં છે. આ દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યા વગર કોફીનાં વખાણ કરી અને સ્થાનિકોનો આભાર માનીને તેમણે વિદાય લીધી.

બન્યું એવું કે થોડા સમય પછી એ જ આફ્રિકન ટ્રાઈબ વિશે લખાયેલું એક પુસ્તક માયા એન્જલુના હાથમાં આવ્યું. એ પુસ્તકમાં તેમણે વાંચ્યું કે એ આદિવાસી પ્રજાતિ એમના મહેમાનો માટે એક સ્પેશિયલ કોફી બનાવે છે. ગરીબ હોવા છતાં પણ એ પ્રજાતિ પોતાના મહેમાનો માટે મોંઘા ભાવના કિશમિશ અને ઈલાયચી ખરીદે છે, જે તેઓ મહેમાન માટે તૈયાર કરેલી પેલી સ્પેશિયલ કોફીમાં નાંખે છે. આ રીતે તૈયાર કરેલી કોફી સન્માન અને સત્કારનું પ્રતીક ગણાય છે. આ ઘટનાનો ઉલ્લેખ કરીને માયાએ લખ્યું છે કે એ દિવસે કોફીની સાથે વંદો સમજીને હું જે ગળી ગયેલી એ હકીકતમાં કિશમિશ કે ઈલાયચી હતી. એ સમયે મને આ વિચાર ન આવ્યો કારણ કે મારા પગની આસપાસ રહેલા વંદાએ મારી વાસ્તવિકતાને તોડી મરોડી નાંખેલી. આ પ્રસંગ પરથી મને એટલી શીખ મળી કે ક્યારેક આપણી આંખો, માન્યતા અને સમજણ કરતાં સામેવાળાની નિયત અનેકગણી વધારે સાફ હોય છે. એમની નિયત કે ભાવના વિશે ક્યારેય શંકા ન કરવી. મને કાયમ એ વાતનો સંતોષ રહેશે કે વંદો સમજીને એ કોફી મેં થૂંકી ન નાંખી. જો મેં ખરેખર એવું કર્યું હોત, તો ક્યારેય હું મારી જાતને માફ ન કરી શકત.

‘બેટા, કોઈ અજાણ્યા પાસેથી ચોકલેટ નહીં લેવાની’ એક તરફ આપણને આવું શીખવવામાં આવ્યું છે, તો બીજી તરફ એક આવી પણ શીખ છે કે પ્રેમથી પીરસેલી કોઈપણ વસ્તુનો અનાદર ન કરવો. એને ઈશ્વરનો પ્રસાદ સમજીને સ્વીકારી લેવો. આપણું આખું જીવન શ્રદ્ધા અને શંકા વચ્ચેની એક બેલેન્સિંગ એક્ટ છે. સામેવાળાની નિયત પર ભરોસો કરવો કે નહીં, એનો નિર્ણય મોટાભાગે આપણા અનુભવો અને અંત:કરણ કરતું હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ વિશ્વાસપાત્ર છે કે નહીં, એ ચકાસવાનો શ્રેષ્ઠ રસ્તો એકવાર એનામાં વિશ્વાસ મૂકી જોવાનો હોય છે. આપણી માન્યતા અને ધારણા કરતાં આ જગત ક્યારેક અનેકગણું વધારે પ્રેમાળ હોય છે.

જેઓ જગત પ્રત્યે સતત શંકાશીલ હોય અને આસપાસની દરેક વ્યક્તિ તેમનું અહિત ઈચ્છે છે એવી બીમાર માનસિકતા ધરાવતી હોય તો એને ‘પેરાનોઈઆ’ કહેવાય અને એ વ્યક્તિને ‘પેરાનોઈડ.’ એનાંથી તદ્દન વિરુદ્ધ અવસ્થા ‘પ્રો-નોઈઆ’ છે, જેમાં વ્યક્તિ સતત એવી માન્યતા સેવે છે કે આ જગત તેનું સારું ઈચ્છે છે. સામેવાળાના દરેક જેસ્ચર, ક્રિયા કે વાક્યને શંકાની નજરે જોવાથી આપણે અજાણતામાં જ એક એવું અંતર ઊભું કરી દઈએ છીએ જે કાયમી હોય છે. સામેવાળાની નિયત કરતાં વધુ નુકસાન ક્યારેક આપણા એમના વિશેના પૂર્વગ્રહો કરતા હોય છે. વહાલ મેળવવા માટે ક્યારેક વલણ બદલવું જરૂરી હોય છે. લોકોના બદઈરાદા કરતાં આપણી દોષિત નજર અને દૂષિત સમજણથી આપણે વધારે પીડાતાં હોઈએ છીએ. ક્યારેક ફક્ત દૃષ્ટિ બદલવાથી સૃષ્ટિ બદલાઈ જતી હોય છે. vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...